ઈરાન દ્વારા ઈરાકમાં અમેરિકન બેઝ પર કરવામાં આવેલ બેલેસ્ટિક મિસાઇલ હુમલા બાદ ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે ભડકો થયો છે. ઇરાનના હુમલા બાદ ક્રૂડની કિંમતમાં ૪.૫ ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે ડબ્લ્યુટીઆઇ ઇન્ડેક્સ પર ક્રૂડની કિંમત ૪.૫૩ ટકા ઊછળીને ૬૫.૫૪ ડોલર પર પહોંચી ગઇ છે.
WTI ઇન્ડેક્સ પર ક્રૂડની કિંમત ૪.૫૩ ટકા ઊછળીને ૬૫.૫૪ ડોલર પર પહોંચી ગઇ
ઘરેલુ સ્તરે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ ગંભીર અસર પડશે
મોંઘું ક્રૂડ ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે
બ્રેન્ટ ક્રૂડમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ ૭૦ ડોલરની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં જ્યારે સાઉદી અરેબિયાની સૌથી મોટી ઓઇલ કંપની સઉદી અરામકો પર હુમલો થયો હતો ત્યારે પણ બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૭૦ ડોલરને વટાવી ગયો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતાં તેની ઘરેલુ સ્તરે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ પર પણ ગંભીર અસર પડશે, કારણ કે ભારત પોતાની જરૂરિયાતનું ૮૦ ટકા ક્રૂડ ઓઇલ વિદેશથી આયાત કરે છે. આથી મોંઘું ક્રૂડ ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.
અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધવાથી ક્રૂડ ઓઇલના સપ્લાયમાં ઘટાડો થઇ શકે છે. તેથી ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની નોમૂરાના અનુમાન અનુસાર ક્રૂડ ઓઇલની કિંમતમાં પ્રતિ બેરલ જો ૧૦ ડોલરનો વધારો થશે તો તેની ભારતની રાજકોષીય ખાધ અને કરંટ એકાઉન્ટ બેલેન્સ પર વિપરીત અસર પડશે.
મોંઘા ક્રૂડથી ભારતની જીડીપી પર પણ ૦.૧૦થી ૦.૪૦ ટકા સુધી બોજ પડી શકે છે. ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના જણાવ્યા અનુસાર ઓઇલની કિંમતમાં પ્રતિડોલર ૧૦ ડોલરનો વધારો જીડીપી ગ્રોથને ૦.૨થી ૦.૩ ટકા સુધી નીચે લાવી શકે છે.