IPL 2020 CSK vs SRH Dhoni get angry after umpire given wide decision on shradul thakur delivery changed the decision immediately
ક્રિકેટ /
વાઈડ બોલ આપવાની તૈયારીમાં જ હતા એમ્પાયર, ધોનીનો ગુસ્સો જોઈ હાથ નીચા થઇ ગયા, જુઓ VIDEO
Team VTV12:55 PM, 14 Oct 20
| Updated: 01:03 PM, 14 Oct 20
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન (આઈપીએલ 2020)ની 29મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ શાનદાર પ્રદર્શન કરતા સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમને 20 રને હરાવી હતી. આ મેચમાં સીએસકેની ટીમે શ્રેષ્ઠ ક્રિકેટ રમ્યું હતું, ટીમના બંને બેટ્સમેન અને બોલરોએ જોરદાર પર્ફોમન્સ આપ્યું. ધોનીને કેપ્ટન તરીકે અત્યંત શાંત માનવામાં આવે છે, તે કોઈ પણ પરિસ્થિતિમાં ભાગ્યે જ અપસેટ અથવા ગુસ્સે જોવા મળે છે, પરંતુ હૈદરાબાદ સામે રમાયેલી મેચમાં ઈનિંગની એક ઓવર દરમિયાન ધોની એમ્પાયરના નિર્ણયથી ગુસ્સે થઈ ગયો. જે બાદ એમ્પાયરે પોતાનો નિર્ણય જ બદલી દીધો.
હકીકતમાં આ ઘટના ઈનિંગ્સની 19મી ઓવરમાં બની હતી જ્યારે શાર્દુલ ઠાકુર સીએસકેની ટીમ માટે બોલિંગ કરી રહ્યો હતો. શાર્દુલ વાઈડ યોર્કરને ઓફ સ્ટમ્પની બહાર ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેનો પહેલો બોલ એમ્પાયર દ્વારા વાઈડ આપવામાં આવ્યો, પરંતુ શાર્દુલ તેની લાઇન બદલી ના શક્યો અને પછીનો બોલ પણ બોલ્ડ કર્યો. આ બોલને વધારે વાઈડ આપવા માટે એમ્પાયરે હાથ ઊંચા કર્યા, પરંતુ વિકેટની પાછળ ઊભેલો ધોની એમ્પાયરના આ નિર્ણયને જોઈને ગુસ્સે થઈ ગયો, ત્યારબાદ એમ્પાયરે વાઈડ આપવા માટે ઉઠાવેલાં તેના બંને હાથ પાછા ખેંચી લીધા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આ પહેલા ટોસ જીતીને અને બેટિંગ કર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અંબાતી રાયડુ (41) અને શેન વોટસન (42)ની શાનદાર ઈનિંગ્સના દમ પર 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 147 રન બનાવી શકી હતી. સીએસકે તરફથી ડ્વેન બ્રાવો અને કરણ શર્માએ બે-બે વિકેટ ઝડપી હતી. ધોનીની આગેવાની હેઠળ 8 મેચોમાં ચેન્નાઈની આ ત્રીજી જીત છે, જ્યારે હૈદરાબાદને આ સીઝનની પાંચમી હારનો સામનો કરવો પડ્યો છે.