ક્રીઝ પર ઉતરવાની સાથે જ આક્રમક રીતે રમવાના ચક્કરમાં હમેશાં પોતાની વિકેટ ગુમાવનાર ઋષભ પંતનું કહેવું છે કે, તેની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટીમ દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગ તેને પોતાની રીતે રમવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપે છે.
લોકડાઉનને કારણે હાલ ખેલ જગત થંભી ગયું છે
ત્યારે ક્રિકેટર્સ લાઈવ ચેટ દ્વારા એકબીજા સાથે કનેક્ટેડ રહે છે
ઋષભ પંતે તેના સંઘર્ષના દિવસો વિશે જણાવ્યું
તમને જણાવી દઈએ કે લોકડાઉનને કારણે હાલ બધાં જ ક્રિકેટર ઘરે જ છે અને ઓનલાઈન ચેટ દ્વારા એકબીજા સાથે કનેક્ટ રહે છે. ત્યારે 22 વર્ષના ઋષભ પંતે પોતાની ટીમ સાથે ઈન્સ્ટાગ્રામ ચેટ પર કહ્યું કે, 'કોચ રિકી પોન્ટિંગ મને સંપૂર્ણ આઝાદી આપે છે. તેઓ કહે છે કે, તમારી પસંદ પ્રમાણે રમો, તેણે એમ પણ કહ્યું કે, આઈપીએલ 2018ની સીઝન તેના માટે લાઈફ ચેન્જિંગ હતી.
ઋષભ પંતે 14 મેચમાં એક સદી અને પાંચ અડધી સદી સહિત 684 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 173.60 હતો. તેણે કહ્યું, 'તે સીઝને મારું જીવન બદલી નાખ્યું. મને એ સફળતાની જરૂર હતી. અમે છેલ્લીવાર નોકઆઉટ સુધી પહોંચ્યા અને ત્રીજા સ્થાન પર રહ્યાં.
તેણે ટેસ્ટ ક્રિકેટ રમાવાન પડકારો વિશે કહ્યું કે, 'મને ટેસ્ટ મેચ રમવી પસંદ છે. ટેસ્ટ ક્રિકેટમાં તમારી અસલ પરીક્ષા થાય છે. પંતે તેના શરૂઆતના દિવસોના સંઘર્ષ વિશે પણ જણાવ્યું.
તેમણે કહ્યું કે, મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, યુવરાજ સિંહ, સુરેશ રૈના અને શિખર ધવન જેવા સીનિયર ખેલાડીઓએ તેમને ખૂબ મદદ કરી. તેના આદર્શ એડમ ગિલક્રિસ્ટ વિશે તેણે કહ્યું કે, 'સમય જતા મને સમજાયું કે તમારે તમારા આદર્શ પાસેથી શીખવું પડે છે, તેની નકલ કરવાથી કંઈ થતું નથી.
ઋષભ પંતે તેના શરૂઆતના દિવસોના સંઘર્ષને યાદ કરતાં કહ્યું કે, તે પ્રેક્ટિસ માટે દિલ્હી જવા રાત્રે બે વાગ્યે બસ પકડતો હતો. વિકેટકીપર બેટ્સમેને કહ્યું, 'તે સમયે રાજ્ય (ઉત્તરાખંડ)માં ક્રિકેટ ટીમ નહોતી. હું રાત્રે બે વાગ્યે બસ પકડતો હતો. તે સમયે મને પહોંચતા 6 કલાકનો સમય લાગતો હતો.