બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:04 AM, 13 July 2024
ઉત્તર-મધ્ય નાઈજીરિયામાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના બની થઈ. અહીં બે માળની એક સ્કુલની બિલ્ડીંગ ધરાશાયી થઈ ગઈ. આ દુર્ઘટના ત્યારે બની હતી જ્યારે સ્કુલમાં ક્લાસ ચાલુ હતા. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે 100થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ક્લાસ ચાલુ હતો ત્યારે ધરાશાયી થઈ બિલ્ડીંગ
પઠાર રાજ્યના બુસા બુજી સમુદાયની સેન્ટ્સ એકેડમી કોલેજમાં વિદ્યાર્થીઓ ભણવા માટે ગયા હતા. ક્લાસ ચાલુ થયા એની થોડી જ વારમાં સ્કુલનું મકાન ધરાશાયી થઈ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા બાળકો 15 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે કુલ 154 વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તેમાંથી 132ને બચાવી લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત થયા છે.
ADVERTISEMENT
બચાવકર્મીઓ સ્થળ પર તૈનાત
નાઈજીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે દુર્ઘટના બાદ તરત જ બચાવ અને આરોગ્ય કર્મચારીઓ તેમજ સુરક્ષા દળોને ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યા હતા. તાત્કાલિક તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે, સરકારે હોસ્પિટલોને દસ્તાવેજો અથવા ચૂકવણી વિનાની સારવારને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકારે આ દુર્ઘટના માટે શાળાના નબળા માળખા અને નદી કિનારે તેનું સ્થાન જવાબદાર ગણાવ્યું હતું.
આ પણ વાંચો: તો શું ભારતવંશી કમલા હેરિસ બનશે અમેરિકાની રાષ્ટ્રપતિ? બાયડનનું નિવેદન બન્યું ચર્ચાસ્પદ
ઘટના સ્થળે થઈ ગઈ બૂમાબૂમ
દુર્ઘટના બાદ ડઝનેક ગામલોકો સ્કુલ પાસે એકઠા થઈ ગયા હતા. અહીં હાજર લોકોમાં બૂમો પડી ગઈ હતી, જ્યારે કેટલાક મદદ માંગતા દેખાયા. આ સિવાય બચાવકર્મીઓ કાટમાળની અંદરથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરિયામાં ઇમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. છેલ્લા બે વર્ષમાં આવી એક ડઝનથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. અધિકારીઓ વારંવાર આવી દુર્ઘટનાઓને બિલ્ડીંગ સલામતીના નિયમોનો અમલ કરવામાં નિષ્ફળતા અને નબળી જાળવણીને દોષ આપે છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.