મોદી સરકારે સોમવારે પૂર્વ કોર્પોરેટ અફેર્સ સેક્રેટરી ઇન્જેતી શ્રીનિવાસની નવા ઘડેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્શ્યલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી (IFSCA) ના 3 વર્ષ માટે ચેરમેન પદે નિમણૂક કરી છે.
નોંધનીય છે કે શ્રીનિવાસ 1983ની બેચના IAS અધિકારી છે જેઓએ ભૂતકાળમાં મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના સેક્રેટરી તરીકે ફરજ બજાવી છે. સરકારે આ વર્ષના એપ્રિલ મહિનામાં ઘોષણા કરી હતી કે તેમણે ઇન્ટરનેશનલ ફાઇનાન્શ્યલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી IFSCA (International Financial Services Centre Authority) નામના એક રેગ્યુલેટરી બોડીની સ્થાપના કરી છે જેનું મુખ્ય કામ દેશના વિવિધ સ્થળો ઉપર આવેલા ઇન્ટરનેશનલ ફાઇનાન્શ્યલ સર્વિસીસ સેન્ટર્સની આર્થિક સેવાઓ નિયમન કરવાનું રહેશે. તેનું મુખ્ય હેડ ક્વાર્ટર ગુજરાતના ગાંધીનગરમાં હશે.
સરકાર દ્વારા એપ્રિલમાં સત્તાવાર IFSCAની સ્થાપનાની જાહેરાત (Source : Egazette.nic.in)
સરકારના નોટિફિકેશન પ્રમાણે IFSCAની મુખ્ય કામગીરી સિક્યોરિટીઝ, ઇન્શ્યૉરન્સના કોન્ટ્રાકટ અને ડિપોઝીટ, આર્થિક સેવાઓ જેવી ફાઇનાન્શ્યલ પ્રોડક્ટ્સ અને IFSC દ્વારા પહેલા અપ્રુવ કરાયેલી નાણાંકીય સંસ્થાઓનું નિયમન એટલે કે રેગ્યુલેશન કરવાની છે.
આ સંસ્થા બનાવવા પાછળનો હેતુ એ છે કે એક એવી સિંગલ વિન્ડો રેગ્યુલેટરી ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવામાં આવે જેથી ભારતના પ્રથમ IFSCનો ઝડપી વિકાસ થઇ શકે. તેનું મુખ્ય હેડક્વાર્ટર ગુજરાતના ગાંધીનગરના ગિફ્ટ સીટી (Gujarat International Financial Tec - GIFT) માં આવેલું છે.
IFSC એ એક એવી સંસ્થા છે જે વ્યાપારીઓને ખાસ કરીને વિદેશના બિઝનેસમેનને, તેમની કંપનીઓને અને સરકારોને બિઝનેસ કરવામાં સરળતા રહે તે માટે એસેટ મેનેજમેન્ટ, વેલ્થ મેનેજમેન્ટ, વિવિધ ફંડમાં રોકાણ, રિસ્ક મેનેજમેન્ટ, ઇન્શ્યોરન્સ વગેરે જેવી નાણાકીય સેવાઓ આપે છે.
ગાંધીનગર ખાતે આવેલું ગિફ્ટ સિટી
નોંધનીય છે કે 2006માં વડાપ્રધાન મનમોહન સિંહનો ઈરાદો મુંબઈની ભૌગોલિક સ્થિતિનો લાભ લઇને ત્યાં IFSC શરુ કરવાનો હતો કારણ કે મુંબઈ એ વિશ્વના અન્ય બે IFSC સિંગાપોર અને લંડનની બરાબર વચ્ચે આવેલું છે. આ માટે દેશના જાણીતા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પર્સી મિસ્ત્રી પાસેથી સૂચનો લેવામાં આવ્યા હતા પણ આખરે તેમની ઉપર કોઈ અમલીકરણ થયું નહોતું.
ત્યાર બાદ મહારાષ્ટ્રની ભાજપ સરકારે મુંબઈની IFSC હેડક્વાર્ટરને ફાળવાયેલી જગ્યામાં બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેઈન ટર્મિનલ બનવાની શરૂઆત કરી દેવાઈ હતી. જો કે ગત એપ્રિલ મહિનામાં કેન્દ્ર સરકારે એક પરિપત્ર જાહેર કરીને સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે દેશના IFSC ઓથોરિટીનું હેડક્વાર્ટર ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં રહેશે. આ સાથે દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં આ હેડક્વાર્ટર બનશે તેવી અટકળોનો અંત આવ્યો હતો.