મોંઘવારી /
મધ્યવર્ગ માટે માઠા સમાચાર, ચૂંટણી બાદ આ વસ્તુઓના ભાવમાં થઇ શકે વધારો
Team VTV07:46 PM, 13 May 19
| Updated: 08:54 PM, 13 May 19
23મેના રોજ પરિણામ સામે આવતાં જ મોંઘવારીનો સામનો કરવા તૈયાર થઈ જજો. ફરી એકવખત મોંઘવારીની અસર જોવા મળશે. શાકભાજીથી લઈને દૂધના ભાવોમાં તેની અસર જોવા મળી શકે તેમ છે.
ચૂંટણી પહેલાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાએ પ્રજાને ખૂબ દઝાડ્યો હતો. ચૂંટણી પૂરતો વધારો કાબુમાં પણ રહ્યો. પરંતુ હવે પેટ્રોલ-ડિઝલમાં પણ વધારાનો સામનો કરવા તૈયાર થઈ જજો. ચૂંટણી પછી ક્રૂડનો ભાવ વધવાની સાથે પેટ્રોલ-ડીઝલના દામમાં પણ ભડકો થશે.
તો દેશભરમાં જુવાર, કપાસ, ટમેટા, ડુંગળીની કિંમત હાલ વધારે જોવા મળી રહી છે. તો આવનારા દિવસોમાં પશુઓને ખવડાવવામાં આવતો ચારો પણ મોંઘો થતાં. દૂધના ભાવમાં પણ ઉછાળો જોવા મળશે.
તો ગરમીને કારણે શાકભાજીના ભાવમાં ભડકો લોકો અત્યારે પણ અનુભવી રહ્યા છે. આવનારા દિવસોમાં શાકભાજી વધુને વધુ મોંઘા થઈ જશે.આજે જથ્થાબંધ માર્કેટમાં કોઈપણ શાક 25થી 30 રૂપિયે કિલોથી ઓછું નથી. તો આ શાક માર્કેટમાં પહોંચતાં તેના 80-100 રૂપિયે કિલો જોવા મળી રહ્યા છે. ચૂંટણી પછી શાકભાજી વધુને વધુ મોંઘા થાય તેવા સંકેતો છે.
જે કોઈપણ નવી સરકાર સત્તામાં આવે. તેને મોંઘવારીમાં પીસાતી પ્રજાનો ખોફ જરૂરથી વહોરવો પડશે. સત્તામાં આવનાર સરકારે મોંઘવારીને કાબૂમાં કરવાનું કઠીન કાર્ય પહેલાં હાથ ધરવું પડશે. એકબાજુ દેશના ઘણા હિસ્સામાં દુકાળના ડાકલા વાગે છે. જ્યારે બીજી બાજુ મોંઘવારીનો અજગર મોં ફાડીને ઉભો છે. ત્યારે ચૂંટણી પછી મોંઘવારીમાં પીસાતા મધ્યમવર્ગની હાલત વધુ કફોડી બનશે.