નવસારીના દાંડીમાં ઐતિહાસિક દાંડીકૂચ દિવસે ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટ દ્વારા 73 માં ખાદી મેળાનો ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીના હસ્તે પ્રારંભ.'સબસીડી પર નભતી ખાદી પાંગળી'-ગાંધી
નવસારીના દાંડીમાં ખાદી મેળાનો પ્રારંભ
આજે ઐતિહાસિક દાંડીકૂચ દિવસની ઉજવણી
ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીના હસ્તે ઉદ્ઘાટન
સમય સાથે ગાંધી અને ગાંધી મુલ્યો વિસરાઈ રહ્યા છે, ત્યારે ગાંધીજીના ગામડાઓને મજબૂત કરવા ગ્રામોદ્યોગના વિચારને જીવંત રાખવા માટે નવસારી ખાતે ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટ દ્વારા ઐતિહાસિક દાંડી ખાતે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીના હસ્તે 73 માં ખાદી મેળાનું પ્રારંભ કરવામાં આવ્યો હતો.
12 માર્ચ 1930 ના રોજ મહાત્મા ગાંધીજીએ અંગ્રેજો દ્વારા મીઠા ઉપર લગાવવામાં આવેલા આકરા કર સામે વિરોધ નોંધાવી, સાબરમતી આશ્રમથી 79 સત્યાગ્રહીઓ સાથે ઐતિહાસિક દાંડીકૂચનો પ્રારંભ કર્યો હતો. ત્યારે આજે દાંડીકૂચના 92 માં વર્ષે ગાંધી વિચાર-પ્રસાર ટ્રસ્ટ દ્વારા નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે પ્રાર્થના મંદિરની બાજુમાં 73 માં ગાંધી મેળાનું આયોજન કર્યું છે. ચાર દિવસ ચાલનારા આ ગાંધી મેળામાં ખાદી સહિત ગ્રામ ઉદ્યોગના ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવશે. આજે ખાદી મેળાના પ્રારંભે આયોજીત સમારંભમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી, પદ્મશ્રી ગફૂર બિલખિયા અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સુદર્શન આયંગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સબસીડી પર નભતી ખાદી પાંગળી; તુષાર ગાંધી
આ પ્રસંગે ગાંધીવાદીઓને સંબોધતા તુષાર ગાંધીએ સબસીડી પર નભતી ખાદી પાંગળી થઇ હોવાનું જણાવ્યું હતુ. સાથે જ તેમણે ગાંધી મેળો એક જગ્યાએ નહીં, પરંતુ દેશના દરેક જિલ્લામાં થાય અને ટેકનોલોજીના માધ્યમથી ગ્રામ ઉદ્યોગના ઉત્પાદનો લોકો સુધી પહોંચે એવા પ્રયાસો કરવા ટકોર કરી હતી. ગાંધી મેળાના પ્રારંભે જ દાંડી ફરવા આવેલા અનેક લોકોએ મેળાની મુલાકાત લીધી હતી અને હાથ વણાટથી બનાવેલી ખાદી ખરીદી ગાંધીને યાદ કર્યા હતા.