એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ ગુરુવારે કહ્યું કે LAC પર રાફેલ વિમાનની જમાવટથી ચીનની ચિંતા વધી ગઈ છે.
ભારતના રાફેલથી ચીનની ચિંતા વધી : વાયુસેનાધ્યક્ષ
LAC પર ચીને તેનું પાંચમી પેઢીનું J-20 તૈનાત કર્યું હતું : એરફોર્સ ચીફ
ભારતે પણ જરૂરી સેનાની તૈનાતી કરી દીધી છે : આરકેએસ ભદૌરીયા
ભારતીય વાયુસેનપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ચીને ભારતીય સીમા નજીક તેના J-20 લડાકુ વિમાનોને તૈનાત કર્યા પછી, ત્યારબાદ ભારતે પણ તેના જવાબમાં સરહદ પર રાફેલને તૈનાત કર્યા હતા.
ચીનનું પાંચમી પેઢીનું વિમાન છે J-20
મહત્વનું છે કે આ J-20 ચીને જ બનાવેલું પાંચમી પેઢીનું સ્ટીલ્થ વિમાન છે જે તેણે સ્વદેશી ધોરણે જ વિકસાવ્યું છે, જો કે એવું કહેવામાં આવે છે કે આ વિમાન અમેરિકાના પાંચમી પેઢીના વિમાનો પર આધારિત છે અને ચીને તેની કોપી મારી છે.
એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ ગુરુવારે કહ્યું કે LAC પર રાફેલ વિમાનની જમાવટથી ચીનની ચિંતા વધી ગઈ છે. તેમણે કહ્યું કે, ચીને ભારતીય સીમા નજીક તેના J-20 લડાકુ વિમાનોને તૈનાત કર્યા પછી ભારતે પણ તેના જવાબમાં સરહદ પર રાફેલને તૈનાત કર્યા હતા. આર.કે.એસ. ભદૌરીયાએ જણાવ્યું હતું કે અમે LAC પર જેટલી ફોર્સની જરૂર છે તેટલી તૈનાત કરી દીધી છે.
વાયુસેનાપતિએ વધુમાં જણાવ્યું હતું કે હાલ અમે વાતચીત પર ધ્યાન આપી રહ્યા છીએ પરંતુ જો કોઈ નવી પરિસ્થિતિ ઊભી થાય તો અમે તેના માટે તૈયાર છીએ. IAF ના ચીફે જણાવ્યું હતું કે તેઓ તેમના J-20 લડાકુ વિમાન (પૂર્વ લદ્દાખની નજીકના વિસ્તારોમાં) લાવ્યા હતા અને પછી જતાં રહ્યા. જે સમયે ભારતીય રફાલને સરહદ પર લાવવામાં આવ્યા હતા, તે સમયે ચીનનું J-20 લડાકુ વિમાન ત્યાં તૈનાત હતા. અમે ચીનની ક્રિયાઓ અને તેમની ક્ષમતાઓને જાણીએ છીએ.
ભારતે પણ શરૂ કર્યો છે પાંચમી પેઢીના વિમાનનો કાર્યક્રમ
અગાઉ, એર ચીફ માર્શલ રાકેશકુમાર સિંહ ભદૌરીયાએ તાજેતરમાં કહ્યું હતું કે ભારતીય વાયુસેનાએ DRDOના સહયોગથી પાંચમી પેઢીના ફાઇટર એરક્રાફ્ટ કાર્યક્રમને શરૂ કર્યો છે અને તેમાં છઠ્ઠી પેઢીની કેટલીક ક્ષમતાઓ પણ છે જેનો સમાવેશ કરવાની યોજના છે. ભદૌરીયાએ કહ્યું, "અમારો હાલનો અભિગમ પાંચમી પેઢીના વિમાનમાં તમામ નવીનતમ તકનીકીઓ અને સેન્સરનો સમાવેશ કરવાનો છે.
તેમણે કહ્યું, 'અમે થોડી વિલંબ સાથે પાંચમી પેઢીના વિમાનમાં કામ કરવાનું શરૂ કર્યું. તેથી તે સમયની તકનીકીઓ અને સેન્સર પાંચમી પેઢીના લડાકુ વિમાનમાં સમાવિષ્ટ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે એરફોર્સને રાફેલ વિમાન પ્રાપ્ત થયું હતું, ત્યારે પ્રથમ અગ્રતા તેને ચલાવવાની હતી અને તેને વર્તમાન ફાઇટર કાફલા સાથે જોડવાની હતી.