Team VTV03:56 PM, 24 Mar 22
| Updated: 03:59 PM, 24 Mar 22
રશિયા અને યુક્રેન વચ્ચે આ યુદ્ધની પરિસ્થિતિમાં પીડિતોની મદદ કરવા માટે અમેરિકાનાં ભારતીયોએ ત્યાં યોજવામાં આવેલા લોક ડાયરાનાં ફંડને યુક્રેન મોકલવાનો નિર્ણય કર્યો છે.
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ
પીડિતોની મદદે આવ્યા ભારતીય
અમેરિકામાં વસતા ભારતીયો કરશે મદદ
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ થોભવાનું નામ જ લેતું નથી. આ વચ્ચે ભારતીયો માટે એક ગૌરવ લેવા લાયક સમાચાર સામે આવ્યા છે. આજે યુદ્ધના 29મા દિવસે યુક્રેનના અલગ અલગ શહેરો પર રશિયાના ભીષણ હવાઈ હુમલા જારી રહ્યા છે. હજુ પણ યુક્રેન રશિયા સામે ઝૂકવા તૈયાર નથી. આ જંગ વચ્ચે રશિયાએ ચેર્નોબિલની એક નવી લેબને તબાહ કરી નાખી છે.
પીડિતોની મદદે આવ્યા ભારતીય
આ યુદ્ધની કંપાવનાર પરિસ્થિતિમાં હવે અમેરિકામાં વસતા ભારતીયો યુક્રેનમાં પીડિતોની મદદ કરશે. હાલમાં જ અમેરિકામાં ડાયરાનું આયોજન થયું હતું. આ આયોજન અમેરિકાનાં ટેક્સાસમાં કરવામાં આવ્યું હતું. જેમાં ગીતાબેન રબારીએ લોક ડાયરાનું પ્રદર્શન કર્યું હતું. આ ડાયરાનું ફંડ હવે યુદ્ધની આ પરિસ્થિતિમાં પીડિતોની મદદ માટે યુક્રેન મોકલવામાં આવશે. ટોટલ 2 કરોડ અને 5 લાખનું આ ફંડ યુક્રેનમાં પીડિતોની મદદમાં લગાવવામાં આવશે.
લોક ડાયરો
સુરતનાં લેઉઆ પટેલ દ્વારા અમેરિકાનાં ટેક્સાસમાં આ ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીના આ ડાયરામાં ડોલરનો વરસાદ થયો હતો. ગીતા રબારી પર ડોલરનાં વરસાદનો વીડિયો પણ વાયરલ થયો છે.
રશિયા યુક્રેન વિરૂદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે તો....
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે. કારણ કે, જો રશિયા યુક્રેન વિરૂદ્ધ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે તો અમેરિકાએ પણ યુદ્ધના મેદાનમાં ઉતરવાની યોજના બનાવી લીધી છે. જો રશિયા યુક્રેન સામે રાસાયણિક, જૈવિક અથવા પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરે તો અમેરિકાએ પણ એક આકસ્મિક યોજના તૈયાર કરી દીધી છે.
આ પ્રક્રિયામાં સામેલ અધિકારીઓના જણાવ્યાં અનુસાર, રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓની એક ટીમ કે જેને 'ટાઈગર ટીમ' તરીકે ઓળખવામાં આવે છે તે પ્રતિક્રિયા પર વિચાર કરી રહી છે. તેમનું કહેવું છે કે, જો રશિયા નાટોના વિસ્તારોમાં કાફલા પર હુમલો કરે છે અને યુક્રેનમાં આ શસ્ત્રો ઉતારે છે તો અમેરિકા જવાબ આપવા માટે તૈયાર હશે. તમને જણાવી દઈએ કે, 24મી માર્ચે એટલે કે આજે તમામ NATO સભ્ય દેશોના નેતાઓની બેઠક યોજાવા જઈ રહી છે. તે બેઠકમાં આ મુદ્દે ચર્ચા પણ થઈ શકે છે.