સર્ચ એન્જિન ગૂગલ પર ભારતીયો લગ્ન કરતાં વધુ ડેટિંગ સાથે જોડાયેલા સવાલ પૂછે છે. ગૂગલે ભારતીયોના મિજાજ અને તેમના દ્વારા પુછાતા સવાલો પર એક રિપોર્ટ જારી કર્યો છે, જે મુજબ તેઓ શું વધુ સર્ચ કરે છે તે જણાવાયું છે.
ગૂગલના જણાવ્યા મુજબ રિપોર્ટનાં પરિણામ 2019માં માર્કેટિંગ કંપનીને પોતાની સેવાઓ બહેતર બનાવવામાં મદદ કરશે. ગૂગલના જણાવ્યા મુજબ ડેટિંગ સાથે જોડાયેલા સવાલોનું સર્ચિંગ 40 ટકા વધ્યું છે. 37 ટકા સવાલ ડેટિંગ બ્રાન્ડ સાથે જોડાયેલા પૂછવામાં આવી રહ્યા છે. ભારતીયોને ઓનલાઇન પિઝા મંગાવવાનું વધુ પસંદ છે. આ માટે જાણકારી મેળવવા ગૂગલનો સહારો લેવાઇ રહ્યો છે.
ભારતીયો પોતાનો મોટા ભાગનો સમય ઓનલાઇન વીડિયો જોતાં વીતાવે છે. લગભગ 33 ટકા લોકો એન્ટરટેઇનમેન્ટ સાથે જોડાયેલા ઓનલાઇન વીડિયો જુએ છે. 80 ટકા યુઝર કાર ખરીદતાં પહેલાં તેના વીડિયો જુએ છે. આ ઉપરાંત લાઇફસ્ટાઇલ એજયુકેશન અને બિઝનેસ સાથે જોડાયેલા વીડિયોમાં છેલ્લાં 2 વર્ષમાં 3 ગણો વધારો થયો છે.
હિંદીમાં સવાલોને સર્ચ કરવાનો આંકડો ઝડપથી વધ્યો છે. ભારતમાં દર 10માંથી 9 ઇન્ટરનેટ યુઝર્સ ભારતીય ભાષાનો ઉપયોગ કરે છે. રિપોર્ટ મુજબ મેટ્રો શહેરોની સરખામણીમાં નોન મેટ્રો સિટીમાં સુવિધાઓને લઇ સર્ચિંગ વધુ થઇ રહ્યું છે. ગૂગલના ડિરેક્ટર વિકાસ અગ્નિહોત્રીએ જણાવ્યું કે ઓનલાઇન સ્પેસ ભારતમાં વધુ પોપ્યુલર થઇ રહી છે. દેશમાં ઇન્ટરનેટની ઝડપી સ્પીડ તેમાં મદદ કરી રહી છે.