બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:35 AM, 9 February 2025
જે ભારતીય વિદ્યાર્થીઓ સારા ભવિષ્ય માટે ઓસ્ટ્રેલિયા જાય છે, તેઓની હવે મુશ્કેલીઓ વધી ગઈ છે. અભ્યાસની સાથે કામ કરીને પોતાનો ખર્ચ કાઢવાવાળા ઘણા વિદ્યાર્થીઓ પર નિયમો તોડવાનો આરોપ લાગ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓના વિઝા તો રદ પણ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વિદેશમાં અભ્યાસ કરતા તમામ ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ટેક્સી ચલાવવાનું અથવા ડિલિવરીનું કામ કરતા હતા તેઓ હવે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. તાજેતરમાં, અધિકારીઓએ અનેક વ્યવસાયો પર દરોડા પાડ્યા છે અને તેમની સખતાઈ વધારી દીધી છે. આ ફેરફારથી ભારતીય વિદ્યાર્થીઓ સતર્ક થઈ ગયા છે. ચાલો જાણીએ શું છે આખો મામલો...
ADVERTISEMENT
ભારતીય વિદ્યાર્થીઓ પર કડક દેખરેખ
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર હવે કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. સ્થાનિક વિદ્યાર્થી સંગઠનોના જણાવ્યા અનુસાર, નિર્ધારિત મર્યાદાથી વધુ સમય સુધી કામ કરતા વિદ્યાર્થીઓ હવે અધિકારીઓના રડાર હેઠળ આવી ગયા છે. નિયમો અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓને દર બે અઠવાડિયે 48 કલાકથી વધુ કામ કરવાની મંજૂરી નથી. તાજેતરમાં, ઘણા વિદ્યાર્થીઓના વિઝા રદ થયાના અહેવાલો આવ્યા છે. મેલબોર્ન અને આસપાસના વિસ્તારોમાં વિદ્યાર્થીઓ જ્યાં કામ કરતા હતા તે લગભગ 40 વ્યવસાયિક સંસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું. એક વિદ્યાર્થીના વિઝા રદ કરવા અંગેનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેના કારણે અન્ય વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વિદ્યાર્થીને ડિપોર્ટ પણ કરી દેવામાં આવ્યો.
ADVERTISEMENT
નિયમોના ઉલ્લંઘન પર કાર્યવાહી
અધિકારીઓના મતે, ટેક્સી ચાલવતા અથવા ડિલિવરી બોય તરીકે કામ કરવા દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ 50 થી 60 કલાક કામ કરી રહ્યા છે, જે નિયમોની વિરુદ્ધ છે. વિદ્યાર્થીઓ માને છે કે કરિયાણાની દુકાનો, પેટ્રોલ પંપ વગેરે સ્થળોએ કામ કરવું કરવેરાના માળખા હેઠળ આવે છે, જ્યારે ટેક્સી અથવા ડિલિવરીનું કામ ઓસ્ટ્રેલિયન બિઝનેસ નંબર (ABN) હેઠળ આવે છે, જેને તેઓ સ્વ-રોજગાર માને છે. આ ભ્રમના કારણે, ઘણા વિદ્યાર્થીઓ વધુ સમય કામ કરી રહ્યા હતા અને હવે તેઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ કાર્યવાહી બાદ, ઘણા વિદ્યાર્થીઓએ અસ્થાયી રીતે ટેક્સી ચલાવવાનું કે ડિલિવરીનું કામ કરવાનું બંધ કરી દીધું છે. જો કે રજાઓ દરમિયાન કામના કલાકોની કોઈ મર્યાદા નથી હોતી, પરંતુ અભ્યાસના કલાકો દરમિયાન વધુ પડતું કામ કરતા વિદ્યાર્થીઓ પર હવે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ફરી ભારતીયોની મુશ્કેલીમાં વધારો! હવે બદલાવા જઇ રહ્યાં છે વિઝાને લગતા આ નિયમો
ભારતીય સમુદાયને અપીલ
ભારતીય સમુદાયના ઘણા સંગઠનો વિદ્યાર્થીઓને જાગૃત કરી રહ્યા છે અને તેમને નિયમોનું પાલન કરવાની સલાહ આપી રહ્યા છે. એક અહેવાલમાં એડિલેડ તેલંગાણા એસોસિએશનના સ્થાપકને ટાંકીને જણાવ્યું કે વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમને કામ કરવાની પુષ્કળ તકો મળશે. સ્નાતક થયા પછી, તેઓ અસ્થાયી નિવાસ વિઝા મેળવી શકે છે, જેનાથી તેઓને ચાર વર્ષ સુધી કાયદેસર રીતે કામ કરવાની તક મળશે. તેથી, અભ્યાસ કરતી વખતે નિયમોનું ઉલ્લંઘન કરવાની કોઈ જરૂર નથી. તેમણે વિદ્યાર્થીઓને અઠવાડિયામાં માત્ર 20 કલાક કામ કરવાની અપીલ કરી જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.