Indian railways IRCTC revised its food rates in express train
ભાવવધારો /
આ ટ્રેનોમાં હવે 140 રૂપિયામાં મળશે સાંજની ચા, લંચ અને ડિનર માટે ચૂકવવા પડશે 245 રૂપિયા
Team VTV10:58 AM, 17 Nov 19
| Updated: 10:59 AM, 17 Nov 19
રેલ્વેમાં યાત્રા કરનાર પેસેન્જરોએ હવે ટ્રેનમાં ખાવા-પીવા માટે વધુ ખર્ચ કરવો પડશે. ઈન્ડિયન ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)એ 2012 પછી હવે ટ્રેનમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કેટરિંગ ચાર્જમાં વધારો થયા બાદ કેટલીક ટ્રેનમાં સાંજની ચા 140 રૂપિયાની અને લંચ અને ડિનર માટે પેસેન્જરોએ 245 રૂપિયા ખર્ચ કરવા પડશે. પુણે-સિકંદરાબાદ શતાબ્દી એક્સપ્રેસ, પુણે-હાવડા દુરન્તો એક્સપ્રેસ અને પુણે-અમદાવાર દુરન્તો એક્સપ્રેસમાં યાત્રા દરમિયાન ખાવા-પીવાની વસ્તુઓ પર પહેલાંની સરખામણીએ વધુ ચાર્જ ચૂકવવો પડશે.
IRCTCએ કરી ભાવવધારાની જાહેરાત
2012 પછી હવે ટ્રેનમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં વધારો
ખાવા-પીવાની વસ્તુઓ પર પહેલાંની સરખામણીએ વધુ ચાર્જ વસૂલાશે
રેલવેએ શતાબ્દી, રાજધાની, દુરન્તો સહિત તમામ પ્રીમિયમ ટ્રેનમાં ખાવા-પીવાની વસ્તુઓમાં ભાવ વધારો કર્યો છે. પુણે ડિવિઝન દ્વારા માત્ર એક શતાબ્દી ટ્રેન સંચાલિત કરવામાં આવે છે. પુણે-સિકંદરાબાદ શતાબ્દી એક્સપ્રેસ સપ્તાહમાં 6 દિવસ ચાલે છે. અહીંથી ત્રણ દુરન્તો ટ્રેનનું પણ સંચાલન થાય છે. જેમાં પુણે-હાવડા (સપ્તાહમાં બેવાર), પુણે-નિઝામુદ્દીન (સપ્તાહમાં બેવાર) અને પુણે-અમદાવાદ (સપ્તાહમાં ત્રણવાર) સામેલ છે.
મુંબઈ સિકંદરાબાદ એક અન્ય દુરન્તો ટ્રેન છે જે પુણેથી પસાર થાય છે. નવા મેન્યૂ પ્રમાણે આ ટ્રેનોમાં ફર્સ્ટ એસી અને એક્ઝિક્યૂટિવ ચેર કાર કોચમાં ચાની કિંમત હવે 35 રૂપિયા વસૂલવામાં આવશે, જે પહેલાં 15 રૂપિયા હતી. સેકન્ડ અને થર્ડ એસી કોચમાં ચા 20 રૂપિયામાં મળશે, જે પહેલાં 10 રૂપિયા હતી. દુરન્તોના સ્લીપર કોચમાં ચાનો ચાર્જ 15 રૂપિયા રહેશે.
આ ટ્રેનોમાં સાંજની ચાનો નવો રેટ 140 રૂપિયા છે. જેમાં સ્નેક્સ, કુકીઝ અને ટીપૉટ સામેલ છે. આ પહેલાં પહેલાં ફર્સ્ટ ક્લાસ અને એક્ઝક્યૂટિવ ક્લાસના યાત્રીઓ તેના માટે 75 રૂપિયા ચૂકવતા હતા. આઈઆરસીટીસી મુજબ, આ બધાં નવા રેટ 18 નવેમ્બરથી લાગૂ થશે.
વર્ષ 2012 પછી પહેલી વખત આઈઆરસીટીસીએ એક્સપ્રેસ ટ્રેનોમાં ખાવા-પીવાની વસ્તુઓના ભાવમાં વધારો કર્યો છે. સાથે જ, રાજધાની, શતાબ્દી અને દુરન્તો ટ્રેનોમાં છેલ્લે 2013માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ભાવ વધારાના નવા દર ગતિમાન એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને વંદે ભારત એક્સપ્રેસમાં લાગૂ થશે નહીં.