હ્યુસ્ટનમાં આવતી કાલે યોજાયેલા ઐતિહાસિક હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાજરી આપી અને લાંબો સમય ગાળ્યો. તેમણે નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કર્યા. આ કાર્યક્રમ રાજનીતિના નિષ્ણાતોના મતે ડોનાલ્ડ ટ્રમ્પની ભારતીય વોટરોને આકર્ષવાની યોજના હોઈ શકે. ભારતીય મૂળના અમેરિકન્સ સંખ્યા અને આર્થિક દ્રષ્ટીએ અમેરિકન રાજનીતિ ઉપર ઘેરું પ્રભુત્વ પાડે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઐતિહાસિક કાર્યક્રમ હાઉડી મોદી ગઈ કાલે ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેરમાં સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમ ભારતીય મૂળના અમેરિકામાં રહેતા લોકોનો પ્રભાવ પણ સાબિત કરે છે. અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત ભારતીય વડાપ્રધાનની રેલીમાં મિત્રતા પુરવાર કરવા અમેરિકાનાના રાષ્ટ્રપતિ જોડાયા હોય તેવું બન્યું છે.
આ પાછળનું કારણ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીના ઉષ્માપૂર્ણ સંબંધો તો છે જ પણ સાથે સાથે ભારતીય મૂળના અમેરિકનોની વસ્તી અને તેમનો રાજનૈતિક પ્રભાવ પણ જવાબદાર છે. ૨૦૨૦માં આવી રહેલી અમેરિકાના રાષ્ટ્રપતિની ચુંટણી ઉપર સમગ્ર વિશ્વની નજર છે. ભારતીય મૂળના અમેરીકન્સ આ ચુંટણીમાં મહત્વનો ભાગ ભજવી શકે તેમ છે, pew રીસર્ચના એક અહેવાલ અનુસાર ૬૫% ભારતીય મૂળના અમેરિકન્સ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી પક્ષ ડેમોક્રેટિક પાર્ટીને સમર્થન આપે છે, ભારતીય મૂળના ઈમીગ્રંટ્સની વસ્તી અને તેમનો પ્રભાવ કોઈ દેશ અવગણી શકે તેમ નથી. આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતીય મૂળના અમેરિકન્સને આકર્ષવા ખુબ જરૂરી છે.
UAE પછી સૌથી વધુ સૌથી વધુ ભારતીય ઈમિગ્રન્ટ્સ USAમાં રહે છે. આખી દુનિયામાં સૌથી વધુ ફેલાયેલી પ્રજા ભારતીયો છે. દુનિયામાં ફેલાયેલા ભારતીયોને રીઝવ્યા સિવાય બીજા દેશો પાસે કોઈ રસ્તો નથી.
UNનો ઈમીગ્રંટ્સ વસ્તીનો અહેવાલ
દુનિયામાં ઈમિગ્રન્ટ્સની વસ્તીમાં ૨૦૧૯માં ભારે વધારો નોંધાયો છે. દુનિયામાં કુલ ૨૭.૨ કરોડ ઈમિગ્રન્ટ્સ હોવાનો અંદાજ છે. જે પૈકી સૌથી વધુ ૮.૨ કરોડ ઈમિગ્રન્ટ્સ યુરોપમાં રહે છે જયારે ૫.૯ કરોડ ઈમિગ્રન્ટ્સ ઉત્તરઅમેરિકા ખંડમાં રહે છે. જેમાંથી ૫.૧ કરોડ લોકો USAમાં રહે છે. આમ USA વિશ્વના સૌથી વધુ ઈમિગ્રન્ટ્સની યજમાની કરતો દેશ છે.
ભારતીય ઈમીગ્રંટ્સ દુનિયામાં સૌથી વધુ
દુનિયામાં સૌથી વધુ ઈમિગ્રન્ટ્સ ધરાવતા દેશમાં ભારતનો પહેલો ક્રમ છે. દુનિયાભરમાં ૧.૭૫ કરોડ ઈમિગ્રન્ટ્સ ભારતીયો છે. ૧.૧૮ કરોડ ઈમિગ્રન્ટ્સ સાથે મેક્સિકો બીજા સ્થાને છે. ૧.૦૭ કરોડ ઈમિગ્રન્ટ્સ સાથે ચીન ત્રીજા અને ૧.૦૫ કરોડ ઈમિગ્રન્ટ્સ સાથે રશિયા ચોથા નંબરે છે.
ભારતીય ઈમીગ્રંત્સની સૌથી વધુ સંખ્યા UAEમાં ૩૪ લાખ પર છે. USA ૨૭ લાખ ભારતીય ઈમિગ્રન્ટ્સ સાથે બીજા ક્રમે છે. સાઉદી અરેબિયામાં ૨૪ લાખ ભારતીય ઈમિગ્રન્ટ્સ છે. પાકિસ્તાનમાં ૧૬ લાખ અને ઓમાનમાં ૧૩ લાખ ભારતીયો વસે છે.
Source : Population Division of the UN Department of Economic and Social Affairs
અમેરિકામાં શહેરો દીઠ વસતા ભારતીયો
અમેરિકામાં ન્યુ યોર્ક શહેર એકલામાં ૫ લાખ ભારતીયો અને શિકાગો શહેરમાં ૧ લાખ ૭૧ હજાર ભારતીયો છે.
ભારતીય ઈમીગ્રંટ્સ શિક્ષણમાં ખુબ આગળ
pew રીસર્ચના એક અહેવાલ અનુસાર અમેરિકામાં વસતા ૪૦% ભારતીયો પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી ધરાવે છે. તેની સામે ફક્ત ૧૩% અમેરિકન મૂળના લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી ધરાવે છે.
રાજનીતિમાં સક્રિય
અમેરિકામાં રહેતા ભારતીયોની પહેલી પેઢીના લોકો રાજનીતિમાં દખલઅંદાજી નહોતા કરતા જયારે બીજી પેઢી રાજનીતિની બાબતમાં ખુબ જાગૃત છે. આ પેઢીમાં અમેરિકન સરકારને પ્રભાવિત કરવાનો અને તેમાં સક્રિય ભૂમિકા ભજવવાનો જુસ્સો છે. અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચુંટણી છે જેથી આ રેલી ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતીય અમેરિકનોને આકર્ષવાનું મોટું સંસાધન હતું.