ભારત આસિયાન સંગઠનનું મેમ્બર નથી તેમ છતાં શા માટે PM મોદી ઈંડોનેશિયામાં થવા જઈ રહેલી આસિયાન સમિટ 2023માં જોડાવા જઈ રહ્યાં છે? શું તેની પાછળ ચીનને ઘેરવાનો ઉદેશ્ય?
આસિયાન સમિટ 2023માં જોડાશે PM મોદી
સંગઠનનાં સદસ્ય ન હોવા છતાં ભારત આપશે હાજરી
સાઉથ ઈસ્ટ એશિયાનાં દેશો સાથે ભારત કરી રહ્યું છે મિત્રતા
ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈંડોનેશિયામાં થવા જઈ રહેલી આસિયાન સમિટ 2023માં જોડાવા જઈ રહ્યાં છે. ત્યારે આસિયાન સમિતિનાં ગઠન અને ઈતિહાસ વિશે જાણવું જરૂરી છે કારણકે તેના થકી આપણે જાણી શકશું કે આસિયાનની મદદથી ભારત કઈ રીતે ચીન પર આક્રમણ કરી શકશે.
ઈતિહાસ
1965ની સાલમાં ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પથ્થર અને મિસાઈલોથી સજ્જ એક ભીડે ભારતનાં દૂતાવાસ પર હુમલો કર્યો. એટલું જ નહીં 'ક્રશ ઈન્ડિયા'નાં નારાઓ લગાડ્યાં. ભારતીય દૂતાવાસ પર થયેલ આ હુમલા પાછળ કથિત ધોરણે ઈંડોનેશિયાનાં તત્કાલીન રાષ્ટ્રપતિ સુકર્ણોનો હાથ હતો. આ સુકર્ણોને PM નહેરુએ 1950ની સાલમાં ભારતનાં પ્રથમ ગણતંત્ર દિવસે પરેડમાં શામેલ થવા આમંત્રણ આપ્યું હતું.
આ હુમલા પાછળનું કારણ?
વર્ષ 1963-66 સુધી ઈંડોનેશિયા અને મલેશિયા વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો હતો જેમાં ભારતે મલેશિયાનો સાથ આપ્યો હતો. એવું કહેવામાં આવે છે કે આ પગલાથી નારાજ થઈને ઈંડોનેશિયાનાં રાષ્ટ્રપતિએ ભારતીય દૂતાવાસ પર હુમલો કરાવ્યો હતો. હવે મૂળ વાત તો એ છે કે એ સમયે ઈંડોનેશિયાને ચીનનું સમર્થન પ્રાપ્ત થયું હતું. હવે આજે 58 વર્ષો બાદ દેશનાં PM મોદી ઈંડોનેશિયામાં થનારી આસિયાન સમિટમાં જોડાશે. પરંતુ ફરક માત્ર એટલો છે કે હવે ઈંડોનેશિયા ચીન નહીં પરંતુ પોતાના વિકાસ માટે ભારત સાથે ગાઢ મિત્રતા ઈચ્છે છે.
આસિયાન (ASEAN) સમિટનું ગઠન
1965માં ઈંડોનેશિયામાં થયેલ વિવાદમાં ચીનનાં સમર્થનવાળી સુકર્ણો સરકાર પડી ગઈ અને એ બાદ 1966માં મલેશિયા અને ઈંડોનેશિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ પણ પૂર્ણ થયું. આ બાદ 1967માં સાઉછ ઈસ્ટ ઈંડિયાનાં 5 દેશ આપસી દુશ્મની ભૂલીને બેંકૉકમાં મળ્યાં. આ પાંચ દેશોમાં મલેશિયા, ઈંડોનેશિયા, ફિલીપીંસ, સિંગાપોર અને થાઈલેંડ સમાવિષ્ટ હતાં. આ દેશોએ નક્કી કર્યું કે તેઓ કમ્યુનિઝમ એટલે કે વામપંથી વિચારધારાને રોકવા અને દેશો વચ્ચે શાંતિ જાળવવા માટે કામ કરશે. આ કમિટીને નામ મળ્યું ASEAN- એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સ. 1990માં કોલ્ડ વૉર બાદ આ કમિટીમાં વધુ 5 દેશો જોડાયા જેમાં કંબોડિયા, વિયેતનામ, બ્રુનેઈ, લાઓસ અને મ્યાનમાર સમાવિષ્ટ છે. આ દેશોએ એકબીજા સાથે આર્થિક વ્યવહારો વધારવાનો નિર્ણય કર્યો જેથી વિવાદ હોવા છતાં યુદ્ધ ન થાય.
ભારત આસિયાનનો મેમ્બર નથી
ભારત આસિયાન સંગઠનનો મેમ્બર નથી. ભારત અને આસિયાન દેશો વચ્ચેનાં સંબંધની શરૂઆત 1992માં થઈ. તે સમયે નરસિમ્હા રાવની સરકારે લુક ઈસ્ટ પોલિસી શરૂ કરી હતી. તેના પર બ્રિટિશ મેગેઝીન ધ ઈકોનૉમિસ્ટે 6 માર્ચ 1997નાં રિપોર્ટ છાપી જેમાં લખ્યું હતું કે નેહરુએ હંમેશા સાઉથ ઈસ્ટ એશિયાનાં દેશોને પશ્ચિમી દેશોની પાછળ ચાલનારા દેશો સમજ્યું જે હવે ભારત માટે આર્થિક મૉડલ બનીને સામે આવી રહ્યું છે. ઈકોનોમિસ્ટે લખ્યું કે ભારત આસિયાન દેશોની પંથ પર ચાલીને પોતાની અર્થવ્યવસ્થા સુધારી રહ્યું છે.
Act East Policy
લગભગ 6 વર્ષો સુધી બેઠકો કર્યા બાદ 2010માં ભારતે આસિયાન દેશોની સાથે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઈન કર્યું. 2014માં PM મોદી સરકારે Look East Policyમાં ફેરફાર કરીને Act East Policyમાં બદલ્યું. જાણકારો અનુસાર આશરે 55% ટ્રેડ ચાઈના સીનાં રસ્તાથી થાય છે તેથી આ દેશો સાથે સારા સંબંધ જાળવી રાખવું અગત્યનું હતું. ચીનનો દબદબો આ તમામ દેશો પર 1988માં આવેલ આર્થિક સંકટ સમયથી વધી ગયો. જેથી આસિયાન દેશો ચીનનો સામનો કરવા અમેરિકા સાથે સંબંધો મજબૂત કરવા લાગ્યાં.
આસિયાન દેશોને હથિયાર આપીને ચીનને ઘેરી રહ્યું છે ભારત
ચીનને લડત આપવા આસિયાન દેશોમાં હથિયારોની માંગ વધી રહી છે. SIPRIની 2023ની રિપોર્ટ અનુસાર સાઉથ ઈસ્ટ એશિયાઈ દેશોનો મિલિટ્રી ખર્ચ 2 દશકાઓમાં બેગણો વધી ગયો છે. 2021માં 3.57 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ચીનનાં કાવાદાવા સામે 10માંથી 5 દેશોએ આપત્તિ વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં સાઉથ ચાઈના સીમાં ચીનને પડકારવા માટે આસિયાનને અન્ય દેશોનાં હથિયારોની જરૂર છે. પરિણામે આસિયાન દેશોને હથિયાર આપીને ભારત ન માત્ર ચીનને હિંદ મહાસાગરથી બહાર કરી રહ્યું છે પરંતુ ચીનને તેના પડોસીઓથી જ ઘેરી રહ્યું છે.