India very likely to announce another set of fiscal stimulus measures: Fitch
ઈકોનોમી /
અર્થતંત્રને ધમધમતું રાખવા વધુ એક રાહત પેકેજ લાવશે મોદી સરકાર ! રેટિંગ એજેન્સીએ કર્યો દાવો
Team VTV02:47 PM, 23 Jun 20
| Updated: 04:20 PM, 23 Jun 20
દેશ કોરોના વાયરસ સંકટથી પસાર થઇ રહ્યો છે. કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્રને પણ જોરદાર ઝટકો લાગ્યો છે જેની સામે સરકારે થોડા દિવસ અગાઉ આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી. જોકે હવે ક્રેડીટ રેટિંગ એજન્સીઓનું માનવું છે કે આ પેકેજ અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા માટે પૂરતું નથી અને સંભાવના છે કે આર્થિક પ્રોત્સાહન આપવા માટે સરકાર ફરીથી મોટી જાહેરાત કરે. આ એજન્સીએ ચીન સાથેના વિવાદ બાદ અર્થવ્યવસ્થા કેવી રહેશે તેના પર પણ અનુમાન લગાવ્યું છે.
ભારત સરકાર આર્થિક પ્રોત્સાહન આપવા માટે વધુ મોટી જાહેરાત કરી શકે : એજન્સી
ચીન સાથેના વિવાદ છતાં ભારતની રેટિંગ પર મોટી અસર નહીં થાય
એજન્સીએ કહ્યું કે સરકારે અત્યાર સુધી આપેલ પેકેજ ખરેખર તો GDPના એક ટકા જેટલું જ છે
ક્રેડિટ રેટિંગ એજન્સી ફિન્ચ રેટિંગ્સે સોમવારે અનુમાન લગાવ્યું છે કે ભારત સરકાર આર્થિક પ્રોત્સાહન આપવા માટે વધુ મોટી જાહેરાત કરી શકે છે. સાથે જ એજન્સીએ કહ્યું કે ભારત અને ચીન વચ્ચે વધતાં તણાવ છતાં ભારતની અર્થવ્યવસ્થા પર તેની નકારાત્મક અસર નહીં પડે અને ભારતના રેટિંગ ઘટવાની સંભાવનાઓ ઓછી છે.
એજન્સીએ કહ્યું કે રેટિંગ વિશે નિર્ણય લેતા પહેલા વધારાના રાજકોષીય પ્રોત્સાહનને સામેલ કરવામાં આવ્યું છે. ફિચ એજન્સીના ડીરેક્ટરે કહ્યું એ કોરોના વાયરસના સંકટના કારણે સંભાવના છે કે અર્થવ્યવસ્થા માટે સરકાર વધુ ખર્ચ કરવો પડે. રેટિંગ એજન્સીએ અર્થવ્યવસ્થાને લઈને જે અનુમાન આપ્યા છે તેમાં અત્યાર સુધીનાં આર્થિક પેકેજને સામેલ કરવામાં આવેલ નથી. તેમણે કહ્યું કે અત્યારે જે પેકેજ આપવામાં આવેલ છે તે ખરેખર તો જીડીપીના એક ટકા જેટલું જ છે.
નોંધનીય છે કે આ પહેલા રેટિંગ એજન્સી ફિચ સોલ્યુશન્સે પણ કહ્યું હતું કે કોરોના મહામારી સામે અર્થવ્યવસ્થા માટે જે આર્થિક પેકેજ આપવામાં આવેલ છે તે પેકેજ તાત્કાલિક પડકારોનો સામનો કરી શકે તેમ નથી કારણ કે આ પેકેજ તો GDPના એક ટકા જેટલું જ છે જોકે સરકારે તો જુદો જ દાવો કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આ પેકેજની જાહેરાત કરી હતી જેમાં તેમણે પોતે અને તે બાદ નાણામંત્રીએ પણ કહ્યું હતું જે આ પેકેજ જીડીપીના દસ ટકા જેટલું છે. નાણામંત્રીએ પાંચ દિવસ સુધી આ પેકેજની જાહેરાત કરી હતી.