ભારતે પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનને ગેરજવાબદાર અને વાહિયાત ગણાવી ફગાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેસ મંત્રી કુરૈશીએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન પર ફરીથી હુમલો કરી શકે છે. ભારતે જણાવ્યું છે કે પાકિસ્તાનના વિદેશપ્રધાનનું નિવેદન આ વિસ્તારમાં યુધ્ધને ઉન્માન્દ કરવાનું છે.
ભારતીય વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આ નિવેદન પાછળ પાકિસ્તાનની નાપાક હરકત હોય તેવું લાગી રહ્યું છે. જેમાં પાકિસ્તાન પોતાના આતંકવાદીઓને ભારતમાં હુમલો કરાવવા ઇચ્છી રહ્યું છે. પાકિસ્તાન મુખ્ય મુદ્દાને ભટકાવવાની વાત બંધ કરી આતંકવાદ સામે યોગ્ય કાર્યવાહી કરે તેમ ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું. પાકિસ્તાન પર ફરી હુમલો કરવાની વાતને રદ્દીયો આપતાં જણાવ્યું કે પાકિસ્તાન ખોટી નિવેદનબાજી બંધ કરે.
ભારતે કહ્યું કે, પાકિસ્તાન આવા ખોટા નિવેદન આપવાનું બંધ કરે અને આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય અને યોગ્ય પગલા ભરે. પાકિસ્તાન આવા ખોટા નિવેદન આપી પોતાના આતંકવાદીઓથી ભારત પર હુમલો કરાવવા માગે છે.
ઉલ્લેખનીય છે કે, એરસ્ટ્રાઇકથી ડરી ગયેલા પાકિસ્તાને ભારત ફરી હુમલો કરી શકે છે તેવું નિવેદન આપ્યું હતું. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું હતું કે, તેમની પાસે ગુપ્ત જાણકારી છે કે, ભારત 16થી 20 એપ્રિલ વચ્ચે વધુ એક હુમલાની યોજના બનાવી રહ્યું છે.