India reaches to the same position with china in technological development amid coronavirus outbreak
World /
સારા સમાચાર: ટેકનોલોજીના વિકાસમાં ભારત હવે ચીનની બરોબરીએ પહોંચ્યું; દેશના આ શહેરને મળ્યું ટોચનું સ્થાન
Team VTV04:00 PM, 20 Mar 20
| Updated: 04:02 PM, 20 Mar 20
કોરોનાના કહેર અને મંદીના માર વચ્ચે ભારત માટે એક આશા જગાવે તેવા સમાચાર આવ્યા છે. અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસમાં અને નવી ટેકનિકનો ઉપયોગ કરવામાં ભારત ચીન સાથે વિશ્વમાં બીજા સ્થાને પહોંચ્યું છે.
કેન્દ્ર સરકારને પણ સમજાયું છે કે વિશ્વ સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું હશે તો ભવિષ્યમાં તમામ ક્ષેત્રે જેની મહત્ત્વની ભૂમિકા રહેવાની છે તે ટેકનોલોજીને અપનાવવી પડશે.
કન્સલ્ટન્સી ફર્મ કેપીએમજીના ર૦ર૦ ગ્લોબલ ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી ઇનોવેશન સર્વે અનુસાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, બ્લોકચેન અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IOT)ના ક્ષેત્રમાં નવી શોધ અને સંશોધનોમાં ભારત હવે ચીનની હરોળમાં આવી ગયું છે. અમેરિકા હજુ પણ આ મામલે ટોચ પર છે. આટલું જ નહીં વિશ્વના અગ્રણી ટેકનોલોજી હબના ટોપ ટેન લિસ્ટમાં પણ બેંગલુરુને સ્થાન મળ્યું છે. બેંગલુરુ હાલ નવમા ક્રમે છે. સર્વે મુજબ, ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વધતું મૂડી રોકાણ, શહેરીકરણ અને ટેકનોલોજી માટે યોગ્ય વાતાવરણના કારણે આ શકય બન્યું છે. ભારતમાં ટેકનોલોજીના ફિલ્ડમાં યુવાનોની મોટી સંખ્યા પણ એક મોટું જમા પાસુ છે.
કેટલાક નિષ્ણાતોના મતે યુએસની તાજેતરની કડક વિઝા નીતિ ભારત અને ચીન માટે સકારાત્મક સાબિત થઈ છે. ઘણા ટેકનિકલ નિષ્ણાતો આ કારણોસર અમેરિકા જવાથી વંચિત રહ્યા હતા અથવા ઘરે પાછા ફર્યા હતા અને તેમણે પોતાના દેશમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેનો ફાયદો પણ થઇ રહ્યો છે. નિષ્ણાતો કહે છે કે તે સિવાય પણ છેલ્લા કેટલાક સમયથી ટેકનોલોજીના વિકાસ માટે સારો માહોલ બન્યો છે.
કેન્દ્ર સરકારને પણ સમજાયું છે કે વિશ્વ સાથે કદમથી કદમ મિલાવીને ચાલવું હશે તો ભવિષ્યમાં તમામ ક્ષેત્રે જેની મહત્ત્વની ભૂમિકા રહેવાની છે તે ટેકનોલોજીને અપનાવવી પડશે. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા ડેટા પાર્ક, ટાઇડ ૨.૦ (ટેક્નોલોજી ઇન્ક્યુબેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ એન્ટરપ્રિન્યર્સ), સીઓઇ (સેન્ટર ઓફ એક્સેલન્સ) અને ડિજિટલ ઇન્ડિયા જેવી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી.
નોંધપાત્ર વાત એ છે કે, આ સર્વે વિશ્વભરના ટેકનોલોજી ઉદ્યોગમાં કાર્યરત ૮૦૦ જેટલા નિષ્ણાતો સાથે વાત કરીને તૈયાર કરવામાં આવ્યો હતો.તેમાંના ૩૭ ટકા નિષ્ણાતોએ એવો મત વ્યકત કર્યો હતો કે અન્ય દેશો જે રીતે નવી ટેકનોલોજીના વિકાસમાં લાગ્યા છે તે જોતાં કદાચ નજીકના ભવિષ્યમાં સૌથી મોટું ઇનોવેશન સેન્ટર અમેરિકાની સિલિકોન વેલી સિવાયના સ્થળે હોય તો પણ નવાઇ નહીં. નિષ્ણાતોએ આ માટે સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. સર્વેક્ષણ મુજબ ટેકનોલોજી હબ તરીકે સિંગાપોર હાલ પ્રથમ ક્રમે છે. ગયા વર્ષે તે સાતમા ક્રમે હતું.
આ સર્વે ચોક્કસપણે ભારત માટે નવી આશાઓ જગાવનારો છે. તેમ છતાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભારતે ઘણું બધું કરવાની જરૂર છે. ફક્ત એક બેંગલુરુ અથવા મુઠ્ઠીભર સંસ્થાઓ સાથે તે શક્ય નથી. ઘણી ટેકનિકલ અને ખાસ કરીને એન્જિનિયરિંગ સંસ્થાઓનો અભ્યાસક્રમ હજી ઘણો જૂનો છે. તેમાં શિક્ષકો આધુનિક ટેકનોલોજીથી પણ પરિચિત નથી. તેઓ ઉદ્યોગની અપેક્ષાઓ જાણતા નથી.
પરિણામ એ આવ્યું છે કે વિદ્યાર્થીઓ ફક્ત હાથમાં ડિગ્રી લઇ નોકરી માટે ભટકતા રહે છે. તેમને ન તો કોઈ પ્રકારની નોકરી મળે છે કે ન તો તેઓ કોઈપણ પ્રકારનું ઇનોવેશન કરવા સક્ષમ હોય છે. દેશભરમાં ટેકનિકલ શિક્ષણને અપગ્રેડ કરવાની સાથે સાથે આપણે સ્ટાર્ટઅપ્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. તેમને તમામ સહાય પૂરી પાડવી પડશે જેથી તેઓ નવી નવી ટેકનોલોજીમાં પોતાનો ફાળો આપી શકે.