ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ ગત શનિવારે આઠ વિકેટે ગુમાવી દીધી. આ પરાજય બાદ ટીમ ઇન્ડિયાને સાવચેત થઈ જવાની જરૂર છે, કારણ કે ભારત સાથે એક બહુ જ ખરાબ રેકોર્ડ જોડાયેલો છે
ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ ગત શનિવારે આઠ વિકેટે ગુમાવી દીધી
ટીમ ઇન્ડિયા ટેસ્ટ ઇતિહાસમાં એશિયાની બહાર સિરીઝની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ક્યારેય સિરીઝ જીતી શકી નથી
આ પહેલાં ૩૪ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ હારીને ૩૧ વાર શ્રેણી ગુમાવી છે
ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ ગત શનિવારે આઠ વિકેટે ગુમાવી દીધી. એ ડે-નાઇટ ટેસ્ટમાં ભારતે એક ઇનિંગ્સનો પોતાનો સૌથી નાનો ૩૬ રનનો સ્કોર નોંધાવ્યો. આ પરાજય બાદ ટીમ ઇન્ડિયાને સાવચેત થઈ જવાની જરૂર છે, કારણ કે ભારત સાથે એક બહુ જ ખરાબ રેકોર્ડ જોડાયેલો છે. અસલમાં ટીમ ઇન્ડિયા ટેસ્ટ ઇતિહાસમાં એશિયાની બહાર સિરીઝની પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ ક્યારેય સિરીઝ જીતી શકી નથી. ટીમ ઇન્ડિયા આ વખતે ૩૫મી દ્વિપક્ષી ટેસ્ટ શ્રેણી (બે કે તેથી વધુ ટેસ્ટની શ્રેણી)નો પ્રથમ મુકાબલો હારી ગઈ છે.
આ પહેલાં ૩૪ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ હારીને ૩૧ વાર શ્રેણી ગુમાવી છે, જ્યારે ત્રણ વાર ભારતે વિપક્ષી ટીમ સામે શ્રેણી ડ્રો કરાવી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ૧૯૮૦માં ઓસ્ટ્રેલિયા, ૨૦૦૨માં ઈંગ્લેન્ડ અને ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી ૧-૧થી ડ્રો કરાવી હતી.
ભારતીય ટીમનો છેલ્લે આ વર્ષે ન્યૂઝીલેન્ડ સામે પરાજય થયો હતો. ફેબ્રુઆરીમાં રમાયેલી બે ટેસ્ટની શ્રેણીમાં ભારતીય ટીમ પ્રથમ મેચ હારી ગઈ હતી. ત્યાર બાદ યજમાન ન્યૂઝીલેન્ડે બીજી ટેસ્ટ પણમાં પણ ભારતને હરાવીને શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી.
ઓગસ્ટ-૨૦૧૮માં ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પાંચ ટેસ્ટની શ્રેણીની પ્રથમ મેચ ૩૧ રનથી ગુમાવી હતી. ત્યાર બાદ ભારત વાપસી કરી શક્યું નહીં અને શ્રેણી ૪-૧થી હારી ગઈ હતી. ટીમ ઇન્ડિયાએ ફક્ત શ્રેણીની ત્રીજી ટેસ્ટ ૨૦૩ રનથી જીતી હતી.
બોક્સિંગ ડે ટેસ્ટઃ
ભારત સામે બે મોટી સમસ્યાઃ ઓસ્ટ્રેલિયા સામે ૨૬ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ પહેલાં બે મોટી સમસ્યા સર્જાઈ છે. ભારતીય કેપ્ટન પેટરનિટી લીવ પર ચાલ્યો ગયો છે. હવે વિરાટના સ્થાને અજિંક્ય રહાણે ટીમનું નેતૃત્વ સંભાળશે. આ ઉપરાંત ફાસ્ટ બોલર મોહંમદ શમી ઈજાગ્રસ્ત થતાં શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શમીને પ્રથમ ટેસ્ટ દરમિયાન હાથમાં બોલ વાગતાં ઈજા થઈ હતી, જ્યારે રોહિત શર્માનું ટેસ્ટ શ્રેણીમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.