INDIA CHINA FACE OFF : ‘Speak the truth’: Rahul Gandhi to PM Modi
પ્રહાર /
મોદીજી તમે ગભરાશો નહીં, સાચું બોલીને ચીન પર કાર્યવાહી કરશો તો અમે તમારી સાથે : રાહુલ ગાંધી
Team VTV04:15 PM, 26 Jun 20
| Updated: 04:18 PM, 26 Jun 20
ભારત અને ચીન વચ્ચે સંબંધો સતત ખરાબ થઇ રહ્યા છે. સરહદ પર સતત સંઘર્ષ વધી રહ્યો છે જેની સામે ભારતની સેના પણ યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરી રહી છે. બીજી તરફ રાહુલ ગાંધી ચીન મુદ્દે સરકાર પર વિફર્યા છે. વિવાદની શરૂઆતથી જ તે સરકાર પર હુમલાઓ કરી રહ્યા છે ત્યારે આજે ફરી રાહુલ ગાંધીએ વીડિયો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી સવાલ કર્યા છે.
પ્રધાનમંત્રીજી તમારે સત્ય બોલવું જ પડશે : રાહુલ ગાંધી
જો તમે કહેશો કે ચીને જમીન નથી લીધી તો ચીનને ફાયદો થશે : રાહુલ ગાંધી
તમે ગભરાશો નહીં અને સત્ય બોલો, આખો દેશ સેના અને સરકારની સાથે : રાહુલ ગાંધી
રાહુલે પીએમને આપી સત્ય બોલવાની સલાહ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. ચીન વિવાદ શરુ થયો ત્યારથી રાહુલ ગાંધી સીધું જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરે છે, આ પહેલા પણ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર જ અનેક વાર સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે ત્યારે શુક્રવારે રાહુલ ગાંધીએ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું 'પીએમ તમે ગભરાશો નહીં અને સત્ય બોલો કે ચીને જમીન લઇ લીધી છે અને કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. આ સ્થિતિમાં દેશ તમારી સાથે ઉભો છે. '
ચીન ત્રણ જગ્યા પર ઘુસી ગયું છે : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે દેશ એક થઇને સેના અને સરકારની સાથે ઉભો છે પણ એક જરૂરી સવાલ છે, થોડા સમય પહેલા જ વડાપ્રધાનએ કહ્યું કે કોઈ ભારતમાં આવ્યું નથી અને કોઈએ આપણી જમીન લીધી નથી. જોકે સેટેલાઈટ તસવીરોમાં જોઈ શકાય છે, સેનાનાં પૂર્વ જનરલ અને લદાખની જનતા પણ કહી રહી છે કે ચીને આપણી જમીન લઇ લીધી છે અને એક નહીં ત્રણ જગ્યા પર જમીન લઇ લીધી છે.
પ્રધાનમંત્રીજી તમારે સત્ય બોલવું જ પડશે, ગભરાશો નહીં : રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતા કહ્યું કે પ્રધાનમંત્રીજી તમારે સત્ય બોલવું જ પડશે, ગભરાશો નહીં. જો તમે કહેશો કે જમીન નથી ગઈ તો ચીને જમીન લીધી છે તેને ફાયદો થઇ જશે. આપણે સાથે મળીને લડવું પડશે. આ સિવાય ફરીથી જવાનોની શહીદી મુદ્દે સવાલ કરતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે આખરે આપણા જવાનોને હથિયાર વગર જ સરહદ પર કોણે મોકલ્યા ? નોંધનીય છે કે રાહુલ ગાંધીએ પહેલા પણ આ જ સવાલ કર્યો હતો જે બાદ જયશંકરે પણ તેમને જવાબ આપ્યો હતો.