કોરોના વાયરસના વધતા જતા કેસો ચોક્કસપણે ટેન્શનનું કારણ બન્યા છે, પરંતુ એક સારા સમાચાર પણ તેમાં આવી રહ્યા છે. ભારત કોરોનાના સૌથી ઓછા મૃત્યુદર વાળા દેશોમાંથી એક છે. રવિવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશનો મૃત્યુદર 1.93% છે અને તે સતત ઘટી રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 63,489 નવા કેસ નોંધાયા છે અને 944 કોવિડ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોનાના 6,77,444 એક્ટિવ કેસ છે અને અત્યાર સુધીમાં 18,62,258 દર્દીઓ સાજા થયા છે. કેસની કુલ સંખ્યા 25,89,682 થઈ છે.
અમેરિકા, બ્રાઝિલ કરતા ભારતની સ્થિતિ ઘણી સારી છે
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે (MoHFW) રવિવારે જારી કરેલા આંકડા અનુસાર કોરોનાથી અત્યાર સુધીમાં 49,980 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 50 હજારના મોતનો આંકડો પહોંચવામાં ભારતને કુલ 156 દિવસનો સમય લાગ્યો હતો, જ્યારે આ મહામારીનો સૌથી ભયંકર પ્રકોપનો શિકાર બનેલા યુ.એસ.માં ફક્ત 23 દિવસમાં 50 હજાર લોકોનાં મોત નીપજ્યાં હતા. બ્રાઝિલમાં 95 દિવસની અંદર અને મેક્સિકોમાં 141 દિવસની અંદર 50 હજાર કોવિડ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતના મૃત્યુદરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તે વિશ્વના સૌથી ઓછા મૃત્યુદર વાળા દેશોમાં સામેલ છે.
Source : MoHFW Twitter
મૃત્યુદર ઓછો હોવા પાછળનું આ કારણ છે
MoHFWના જણાવ્યા મુજબ ભારતમાં ઓછા મૃત્યુદર માટે એગ્રેસીવ ટેસ્ટિંગ પોલિસી એ એક મોટું કારણ છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે કોરોનાના કેસો ઝડપથી પકડાય છે અને ઝડપી દર્દીઓને આઇસોલેટ કરવામાં આવે છે જેથી મૃત્યુદર ઘટાડવામાં પણ મદદ મળી છે. ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું અસરકારક પાલન પણ આરોગ્ય મંત્રાલય દ્વારા મૃત્યુદર ઘટાડવાનું એક મહત્વનું કારણ માનવામાં આવે છે.
છેલ્લા 24 કલાકના આ છે આંકડા
રવિવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 63,489 નવા કેસ નોંધાયા છે. 7 ઓગસ્ટથી (11 ઓગસ્ટ સિવાય) દરરોજ 60 હજારથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં 18,62,258 દર્દીઓ સાજા થયા છે જેની સાથે, દેશનો રિકવરી રેટ 71.91 ટકા રહ્યો છે. કેસની કુલ સંખ્યા 25,89,682 છે જેમાંથી 49,980 લોકો મૃત્યુ પામ્યા છે.
Source : MoHFW Twitter
છેલ્લા 24 કલાકમાં 944 દર્દીઓનાં મોત થયાં. દેશમાં એક્ટિવ કોવિડ કેસોની સંખ્યા 6,77,444 છે જે કુલ કેસના 26.16% છે. ICMR અનુસાર, 15 ઓગસ્ટ સુધીમાં દેશમાં કુલ 2,93,09,703 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં શનિવારે 7,46,608 ટેસ્ટ લેવામાં આવ્યા છે.