કાર્યવાહી /
મહેસાણા જિલ્લામાં વધી રહેલી ખનીજ ચોરી, 6 મહિનામાં 32 કેસ ઝડપાયાં, શું સરકારની રહેમનજરથી થાય છે રેતી ખનન?
Team VTV09:21 AM, 17 Feb 20
| Updated: 09:23 AM, 17 Feb 20
ખનીજ માફિયાઓ પર રાજ્ય સરકાર જાણે મહેરબાન હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં જ ખનીજ ચોરીના આંકડા સામે આવતા સરકારની પોલ ખુલ ગઇ હતી. રાજ્યમાં ખુલ્લેઆમ માફિયાઓ ખનીજની ચોરી કરી રહ્યાં છે. ત્યારે વીજાપુર તાલુકામાં સૌથી વધુ ખનીજ ચોરી થઇ રહી હોવાનું સામે આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં વધી રહેલી ખનીજ ચોરીનો મામલો
ખનીજ ચોરી અટકાવવા ભૂસ્તર વિભાગે બનાવી 5 ટીમ
મહેસાણામાં 6 મહિનામાં ખનીજ ચોરીના 32 કેસ ઝડપાયા
મહેસાણાના વીજાપુર તાલુકામાં સતત ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. વીજાપુર તાલુકામાં સૌથી વધુ ખનીજ ચોરી થઇ રહી છે ત્યારે હવે ખનીજની ચોરીને અટકાવવા ભૂસ્તર વિભાગ દ્વારા પાંચ ટીમ બનાવવામાં આવી છે.
આ મામલે રાઉન્ડ ધ કલોક ચેકિંગ કરવા માટે ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે. મહેશાણા જિલ્લામાં છેલ્લા 6 માસમાં ખનીજ ચોરીના 32 કેસ ઝડપાયા છે. છેલ્લા 6 મહિનામાં ખનીજ વિભાગ દ્વારા એક કરોડ 40 લાખના દંડની વસૂલાત કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા હાલમાં જ આવેલા આંકડા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં એક હજાર 352 કરોડની ખનીજ ચોરી ઝડપાઇ હતી. સરકાર દ્વારા અત્યાર સુધી માત્ર 164 કરોડ રૂપિયા વસુલવામાં આવ્યાં છે. પાંચ વર્ષમાં 33 હજાર 557 ખનીજ ચોરીની ઘટનાઓ સામે આવી છે. તંત્રને 2693 વ્યક્તિઓ પાસેથી 1188 કરોડની વસુલાત બાકી છે.
સળગતા સવાલ
રેતી ખનન કરતા લોકો સામે કાર્યવાહી કેમ નહી?
સરકારની રહેમનજરથી થાય છે રેતી ખનન?
શું આ ઘટનામાં અધિકારીઓની પણ સંડોવણી છે?
ખનીજ વિભાગ ખનન કરતા લોકો સામે કાર્યવાહીમાં ઢીલાશ કેમ?