Increase Corona cases in Vadodara, 6 cases positive in the city yesterday
વડોદરા /
બેદરકારી જોજો મોંઘી ન પડે, ગુજરાતના આ શહેરમાં બિલ્લીપગે વકરી રહ્યો છે કોરોના
Team VTV10:54 AM, 08 Nov 21
| Updated: 10:12 AM, 09 Nov 21
વડોદરા શહેરમાં ફરી કોરોના ધીમેધીમે માથુ ઉંચકી રહ્યો છે, ગઇકાલે 6 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા જેની સાથે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 62 પર પહોંચી છે.
વડોદરમાં કોરોના કેસોમાં વધારો
શહેરમાં ગઇકાલે 6 કેસ આવ્યા પોઝિટિવ
15 દિવસમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધી
વડોદરા શહેરમાં ફરી કોરોના ધીમેધીમે માથુ ઉંચકી રહ્યો છે. વડોદરા શહેરમાં ગઇકાલે 6 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા જેની સાથે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 62 પર પહોંચી છે. ગઇકાલે હરણી, અકોટા, ગોરવા, માંજલપુર અને છાણીમાં પોઝિટિવ કેસો નોંધાયા હતા. છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. હાલ શહેરમાં 2 દર્દી ઓક્સિજન સપોર્ટ જ્યારે 1 દર્દી વેન્ટિલેટર રાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં 15 દિવસપહેલા કોરોનાના એક પણ નોંધાયો ન હતો જો કે દિવાળી બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 15 દિવસમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધી
મહત્વનું છે કે મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,183 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,500 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6 નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં છેલ્લા 12દિવસમાં કોરોનાના 74 કેસ નોંધાયા છે.
આ તરફ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઝિકા વાયરસનો કહેર વધ્યો
ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઝિકા વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13 નવા કેસ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. શહેરમાં અત્યાર સુધીમાં ઝિકા વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 79 થઈ ગઈ છે. તે જ સમયે, કન્નૌજમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ પણ નોંધાયો છે.
દેશમાં ક્યાં-ક્યાં છે ઝીકા વાયરસનો પ્રકોપ
તમને જણાવી દઈએ કે દેશમાં સૌપ્રથમ વર્ષ 2017માં ગુજરાતમાં 3 અને 2018માં 1 કેસ નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2017માં તામિલનાડુમાં 1 કેસ સામે આવ્યો. વર્ષ 2018માં મધ્યપ્રદેશમાં ઝિકા વાયરસના કેસોમાં અચાનક વધારો થયો હતો અને 130 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. આ જ વર્ષે 2018માં જ રાજસ્થાનમાં ઝિકા વાયરસના 159 કેસ નોંધાયા હતા. વર્ષ 2021માં કેરળમાં ઝિકા વાયરસના કેસો અચાનક દેખાવા લાગ્યા હતા. ત્યારબાદ 64 કેસ નોંધાયા હતા. દરમિયાન, મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો એક કેસ નોંધાયો હતો અને હવે કાનપુર અને કન્નૌજ સહિત યુપીમાં 80 કેસ નોંધાયા છે.