incident in Tapi and Vadodara that shamed the education world
અત્યાચાર /
શિક્ષણને શર્મસાર કરતી ઘટનાઓ: તાપીમાં શિક્ષકે દારૂના નશામાં કરી આવી હરકત, વડોદરામાં પણ ત્રાસ
Team VTV11:45 PM, 28 Dec 22
| Updated: 11:46 PM, 28 Dec 22
તાપી અને વડોદરામાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ઉશ્કેરાઈ ગયેલા શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર મારતા વાલીઓ રોષે ભરાયા છે.
તાપીમાં દારૂનો નશો કરીને શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો
સોનગઢ તાલુકાના બોરદા ગામની ઘટના
વડોદરામાં વિદ્યાર્થી પર અત્યાચારની ઘટનાનો વીડિયો થયો વાઇરલ
તાપીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના આવી સામે છે. જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે. જેમા સોનગઢ તાલુકાના બોરદા ગામમાં દારૂનો નશો કરીને શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનું બહાર આવતા શિક્ષક સામે લોકોમાં આક્રોશની જ્વાળા ભભૂકી છે. બોરદા ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં ધોરણ 12ના 17 વર્ષીય વિદ્યાર્થીને શિક્ષકે લામધારી નાખ્યો હતો. ત્યારબાદ આ અંગે જાણ થતા વિદ્યાર્થીના વાલી રજૂઆત અર્થે દોડી ગયા હતા.
વીડિયોમાં આરોપી શિક્ષકે દારૂની પાર્ટી કરી હોવાની કરી કબૂલાત
જ્યા પણ આ શિક્ષકે લાજવાને બદલે ગાજી વિદ્યાર્થીના પિતાનો કોલર પકડી લઈ માથાકૂટ કરી હતી. આથી નશાખોર શિક્ષક સામે સોનગઢ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વીડિયોમાં આરોપી શિક્ષકે દારૂની પાર્ટી કરી હોવાની કબૂલાત પણ આપી હતી. જેમાં સાહેબ આજે સવારે પાર્ટી હતીને તો પીધો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
તો આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી હતી. જેમાં વિદ્યાર્થી પર અત્યાચારનો વીડિયો સામે આવ્યો છે. સમા સાવલી રોડ પર આવેલી નૂતન વિદ્યાલયનો આ વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ખુલ્લેઆમ વિદ્યાર્થી પર અત્યાચાર કરાતો હોવાનું દ્રશ્યમાન થઈ રહ્યું છે.
વિદ્યાર્થીને આડેધડ લાફા ઝીંકી દીધા
ઉશ્કેરાઈ ગયેલા શિક્ષક અનિલ પ્રજાપતીએ વિદ્યાર્થીને આડેધડ લાફા ઝીંકી દીધા હતા. ઉલ્લેખનીય છે કે 15 દિવસ અગાઉ બનેલી ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં એક વિદ્યાર્થીને અનિલ પ્રજાપતી નામના શિક્ષક લાફા મારતા હોવાનું દેખાઈ રહ્યું છે.