આજે અમદાવાદમાં સનાથલ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાશે. આ બ્રિજ શરૂ થતાં સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકમાંથી છુટકારો મળશે.
સનાથલ બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અને CMના હસ્તે લોકાર્પણ
સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને મળશે ટ્રાફિકમાંથી છુટકારો
195 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહ કરશે લોકાર્પણ
અમદાવાદ શહેરની બહાર સનાથલ સર્કલ પર ઓવર બ્રિજ તૈયાર થઈ ચૂક્યો છે. અમદાવાદના રિંગ રોડ પરનો સૌથી મોટો ઓવરબ્રિજ અંદાજિત 96 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. જેનું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાશે. આ બ્રિજ ખુલ્લો મુકાયા બાદ સૌરાષ્ટ્રમાં જતા અને સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને લોકોનો સમય પણ બચશે. આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ચાંગોદર GIDC જતા-આવતા લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે.આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
195 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
આ ઉપરાંત આજે 195 કરોડના વિકાસકાર્યોનું કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. આજે અમિત શાહ દ્વારા 5 સ્માર્ટ સ્કૂલ, સનાથલ ઓવરબ્રિજ અને 2 સિનિયર સિટિઝન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે.
સનાથલ જંક્શન ખાતે રેલવે ઓવરબ્રિજ
ઔડા સત્તાવાળાઓ દ્વારા પણ અવનવા બ્રિજ પ્રોજેક્ટથી વાહનચાલકોને ટ્રાફિકની અવરજવરમાં સરળતા કરી આપવાની દિશામાં પ્રયાસો થતા રહે છે. આ પ્રયાસના એક ભાગરૂપે હવે સનાથલ જંક્શન ખાતે રેલવે ઓવરબ્રિજ બનાવાયો હોઈ તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અમદાવાદ અને રાજકોટ રાજ્યનાં બે મુખ્ય શહેરો છે, જેમાં અમદાવાદ અને રાજકોટ તરફ આવતા-જતા માર્ગ પર ટ્રાફિકનું ભારણ વધારે રહે છે. સનાથલ જંક્શનની નજીક અમદાવાદ-સરખેજ-મૌરેયા રેલવે લાઇન પરના ફાટક નં. 33 પર પણ ખૂબ ટ્રાફિક રહે છે એટલે ઔડા દ્વારા રિંગરોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8એના જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી આ બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો, જેનો કોન્ટ્રાક્ટ રચના કન્સ્ટ્રક્શન કંપનીને અપાયો છે, જેમાં ડેલ્ફ કન્સલ્ટિંગ (ઇન્ડિયા) પ્રા. લિ.ને કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને પીએમસી તથા રેલવે વિભાગના પીએમસી તરીકે રાઇટ્સ લિમિટેડને ફરજ સોંપાઈ છે.
શું કહ્યું હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને?
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટને આ અંગે પૂછતાં તેઓએ કહ્યું હતું કે, ઔડાના સરદાર પટેલ રિંગરોડ પરના સનાથલ જંક્શન પર ફ્લાય ઓવરબ્રિજ-કમ-રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ તા.10 માર્ચે થશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દિલ્હીથી વર્ચ્યુઅલી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોલાથી આ તમામ જનલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
96 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે
શેલા ગામ ખાતેના ગામતળમાં ઔડા દ્વારા સુએજ નેટવર્ક અને પમ્પિંગ સ્ટેશનની કામગીરી રૂ.5.68 કરોડના ખર્ચે પૂર્ણ કરાઈ છે, જેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. સનાથલ જંક્શનના રેલવે ઓવરબ્રિજનો નિર્માણખર્ચ રૂ.96.81 કરોડ હોઈ ઔડા દ્વારા આ બંને પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 102.49 કરોડ ખર્ચાયા છે તેમ પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું.. તેઓએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર લોકસભા વિસ્તારમાં નવી પાંચ સ્માર્ટ સ્કૂલ તેમજ સિનિયર સિટીઝન માટેના બે રિક્રિએશન પાર્ક મળીને કુલ સાત નવા પ્રોજેક્ટનું પણ આ બંને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ થવાનું છે. મ્યુનિ. તંત્ર દ્વારા આ તમામ પ્રોજેક્ટ પાછળ રૂ.8.28 કરોડનો ખર્ચ કરાયો છે.
પ્રતિકાત્મક તસવીર
બ્રિજની કુલ લંબાઈ 1.38 કિ.મી.
આ બ્રિજની કુલ લંબાઈ 1.38 કિ.મી. છે, જેમાં 50.48 મીટરનો રેલવે ભાગ છે. બંને બાજુએ 1400 મીટર x2 નો સર્વિસ રોડ અને રિટેનિંગ વોલ સાથે ચાર લેન સોલિડ એપ્રોચ છે. આ રેલવે ઓવરબ્રિજ 33.750 મીટરની પહોળાઈ ધરાવે છે, જેમાં કેટ આઇ, થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ પટ્ટા અને સાઇનબોર્ડ વગેરે રોડ ફર્નિચર છે.
રોજનાં 25 હજારથી વધારે વાહનોને લાભ થશે
આ બ્રિજનું લોકાર્પણ થવાથી સરદાર પટેલ રિંગરોડ પર અવરજવર કરતાં નાનાં-મોટાં દૈનિક 25 હજાર અને 5 હજાર કોમર્શિયલ વાહનોને સરળતા રહેશે. રાજકોટ તરફ આવતા-જતા વાહનચાલકોને પણ અવરજવરમાં સરળતા થશે અને પેટ્રોલ-ડીઝલના વપરાશમાં બચત થવા પામશે.