નિઝામપુરામાં ક્લાસિસના શિક્ષક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
ફતેગંજ પોલીસે આરોપી શિક્ષક પ્રશાંત ખોસલાની ધરપકડ કરી
વડોદરામાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્યુશન સંચાલકે ધોરણ 10 ની વિદ્યાર્થીનીને ક્લાસમાં દારૂ પીવડાવ્યો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે.આ દરમિયાન વિદ્યાર્થીનીને તાત્કાલિક સાવારવા અર્થે હોસ્પિટલમાં ખસેડવાની નોબત આવી હતી. જે મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી આરોપી શિક્ષકને દબોચી લઈ કાર્યવાહી આદરી છે. નોંધનિય છે કે કેમિકલકાંડ જેવી હૈયુ હચમચાવતી ઘટના સામે આવ્યા બાદ પણ દારૂનું દૂષણ અટકવાનું નામ ન લેતા અનેક સવાલો ઊભા થયા છે.
પ્રશાંત ખોસલા નામના શિક્ષકનું કરતૂત
વડોદરામાં નિઝામપુરામાં ટ્યુશન ક્લાસ સંચાલકે વિદ્યાર્થીનીને વોડકા દારૂ પીવડાવ્યો હતો. આ ઘટનાને લઈને શિક્ષણ જગત શર્મશાર થયુ છે. ટ્યુશન ક્લાસ સંચાલક પ્રશાંત ખોસલા નામના શિક્ષકે વિદ્યાર્થીને લાલચાવી ક્લાસ પુરો થયા બાદ એકસ્ટ્રા ક્લાસના બહાને બેસાડી રાખી હતી. ત્યારબાદ પ્રશાંત ખોસલા નામના શિક્ષકે કરતૂત કરી વિદ્યાર્થીનીને ક્લાસમાં દારૂ પીવડાવી શારીરિક અપડલા કર્યા હોવાની પણ રાવ ઉઠી છે. ત્યારબાદ વિદ્યાર્થીની હાલત ખરાબ થઇ જતાં અર્ધબેભાન અવસ્થામાં આરોપી વિદ્યાર્થીનીને ઘરે મુકી ગયો હતો.
ફતેગંજ પોલીસે આરોપી શિક્ષક પ્રશાંત ખોસલાની ધરપકડ કરી
જે ઘટનામાં વિદ્યાર્થીની માતાને જાણ થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી જ્યાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીના માતાએ આરોપી પ્રશાંત સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોધાવી ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે આરોપી શિક્ષકની અટકાત કરી લઈ શિક્ષકે કયા ઈરાદાથી કેફી પીણું પીવડાવ્યું હતું તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.