ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુંટી જતા હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે પેપરકાંડ મુદ્દે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.
પેપરલીક મામલે રાજકારણમાં ગરમાવો
ગુજરાત કોગ્રેસ પ્રમુખે પરીક્ષા રદ્દ કરવા કરી માગ
ખરા અર્થમાં ગુનેગાર જ પરીક્ષા આયોજક છે : રઘુ શર્મા
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુંટી જતા હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, પોલીસે પેપરકાંડમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે હજુ પણ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ત્યારે પેપરકાંડ બાદ ગુજરાતના રાજનીતિ ગરમાઈ છે.
ગુજરાતમાં 5 વર્ષમાં 9 પેપર લીક થયા: શર્મા
હેડ ક્લાર્કના પેપર લીક બાદ હવે કોંગ્રેસ કાંઈ પણ કાચુ કાપવા દેવા માંગતી નથી. ત્યારે આજે કોંગ્રેસ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાત સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 9 પેપર લીક થયા છે. છેલ્લા 25 વર્ષથી ભાજપની સરકારમાં બેરોજગારી આસમાને છે, ત્યારે LRD,સચિવાલયની પરીક્ષાના પેપર લીક બાદ હેર્ડ ક્લાર્કનું પેપર ફુંટી જવું એ કૌભાંડ છે. રઘુ શર્માએ વધુમાં કહ્યું કે એકવાર પેપર લીક થવા તો સમજી શકાય ભુલ થઈ પરતું વારંવાર એકબાદ એક એમ 9 વખત પેપર પરીક્ષા પહેલા જ ફુંટી ગયા છે.
પાટીલના કાર્યકરોને નોકરીની વાત બાદ પેપર ફૂટ્યું: શર્મા
કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગૌણ સેવા પસંદગી મંડળા ચેરમેન અતિત વોરા પર પ્રહાર કરતા કહ્યું હતું કે અસિત વોરાએ તો સ્પષ્ટ જણાવ્યું હતું કે પેપર લીક થયું નથી, તો ધરપકડ થઈ એ ગુનેગાર છે કે અન્ય એ સ્પષ્ટ થઈ જવું જોઈએ. રઘુ શર્માએ અસિત વોરાને લઈને નિવેદન આપતા કહ્યું કે ખરા અર્થમાં ગુનેગાર જ પરીક્ષાના આયોજકો છે, પહેલા તો અસિત વોરાએ રાજીનામું આપી દેવું જોઈતું હતું પરતું ભાજપ સરકારે તેમને બજાવી રહી છે. રઘુ શર્માએ ભાજપ પ્રદેશ પ્રમુખ પર નિવેદન આપતા કહ્યું કે પાટીલના કાર્યકરોને નોકરીની વાત બાદ પેપર ફુટ્યું છે. શું પાટીલ આવી રીતે કાર્યકરોને રોજગારી આપવા માગે છે? પ્રદેશ અધ્યક્ષને તેમ સવાલ પણ કર્યો હતો.
હેડ ક્લાર્ક પેપર લીક મામલે કોંગ્રેસ કરશે દેખાવો
મહત્વનું કે પેપર લીક મુદ્દે હવે કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે. ત્યારે રઘુ શર્માએ પેપરકાંડ મામલે હાઈકોર્ટના જજ પાસે તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે. રઘુ શર્માએ જણાવ્યું કે પેપર લીક મામલે કોંગ્રેસ દેખાવો કરશે. સરકારને ઘેરવામાં આવશે રસ્તાઓ રોકવામાં આવશે.પેપર કૌભાંડને લઈ મુખ્યમંત્રીને પણ રજૂઆત કરાશે. 21 ડિસેમ્બરે ધારાસભ્યોની બેઠક યોજાશે. તેમજ 22 ડિસેમ્બરે કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસ બાઈક રેલી યોજી ઉગ્ર દેખાવો કરશે તેમ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવે અને હેડક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવે તેવી માંગ કરી છે. જગદીશ ઠાકોરે જણાવ્યું કે ગુજરાતના બેરોજગાર યુવાનોને ખ્યાલ છે કેટલા પેપર ફૂટ્યા છે, મુખ્યમંત્રીએ બેરોજગાર યુવાનોની માફી માગવી જોઇએ, આ પેપરકાંડમાં પેપર ફોડવા વાળા અને ઈવેન્ટ વાળા બંને સામેલ છે તેમ ભાજપ સરકાર પર કટાક્ષ કરતા બેરોજગાર યુવકોને ન્યાય ન મળે ત્યા સુધી લડત ચાલુ રહેશે તેમ જગદીશ ઠાકોરે જણાવ્યું છે.