વડોદરામાં વ્હાઈટ હાઉસની જમીનમાં લેન્ડ ગ્રેબિંગ મામલે હવે તપાસ શરૂ થઈ છે. વાત જાણે એમ છે કે, વડોદરામાં વાઘોડીયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસ તરીકે ઓળખાતી જગ્યા સરકારી હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં હવે સરકારી જમીન પર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે. જેને લઈ હવે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે પાલિકા, સિટી સર્વે, બેંક અને દસ્તાવેજ કરનારા 40 લોકોને ક્રાઈમ બ્રાન્ચે વહેલી તકે જવાબ આપવા માટે નોટિસ પાઠવી છે. નોંધનીય છે કે, વર્ષ 2018માં સંજયસિંહે અકોટાની જમીન પણ પચાવી હોવાનો ખુલાસો થયો હતો.
શું છે સમગ્ર મામલો ?
વડોદરામાં વાઘોડીયા રોડ પર આવેલ વ્હાઈટ હાઉસ તરીકે ઓળખાતી જગ્યા સરકારી હોવાનું સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો હતો. સરકારી જમીન પર કબજો કરનાર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવાનું કહેતા ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મહત્વની છે કે, દંતેશ્વર ગામની સીમના સરકારી જમીન પર છેલ્લા ધણા સમયથી બિલ્ડરે કબ્જો જમાવ્યો હતો. આ તરફ જમીન પર કબજો કરનારા આરોપી સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે. લેન્ડ ગ્રેબિંગ કમિટીના આદેશથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરાના 3 ભૂમાફિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
બિલ્ડર્સે સિટી સર્વેમાં જમીન NA પણ કરાવી લીધી હતી
દંતેશ્વર ગામની સીમના સરકારી જમીન પર છેલ્લા કેટલાય સમયથી બિલ્ડરે કબ્જો જમાવ્યો હતો. જોકે ચોંકાવનારી વાત તો એ છે કે, બિલ્ડર્સે સિટી સર્વેમાં જમીન NA પણ કરાવી લીધી હતી. જોકે હવે વ્હાઈટ હાઉસ તરીકે ઓળખાતી આ જમીન સરકારી હોવાનું સાબિત થતાં મોટીકાર્યવાહી કરવામાં આવી હતી.
વ્હાઈટ હાઉસ
આરોપીઓ સામે ગુનો નોંધાયો
વડોદરામાં ભૂમાફીયા સંજયસિંહે દંતેશ્વર કસ્બાની વાઘોડિયા રોડ ડી માર્ટની પાછળ આવેલી 100 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર શરત ફેર અને બિનખેતીના ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. આ સાથે આ જમીન ઉપર પોતાનો આલિશાન બંગલો ઉપરાંત ડુપ્લેક્ષની સ્કીમ પણ મૂકી હતી. જોકે હવે ક્રાઇમ બ્રાંચે ટેની ધરપકડ કરી હતી. આ સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપીને સાથે રાખી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચીને પંચનામું સહિત વિવિધ દસ્તાવેજો કબજે કર્યાં હતા .
સરકારી જમીન પર બિલ્ડરો દ્વારા કબજો કેવી રીતે ?
વાઘોડીયા રોડ પર દંતેશ્વર ગામ નજીક સરકારી જમીન પર બિલ્ડરો દ્વારા કબ્જો જમાવ્યો હતો. ત્યારે બિલ્ડરો દ્વારા સાંઠગાંઠ કેળવી સરકારી ગૌચર જમીનને સિટી સર્વેમાં NA પણ કરાવી લીધી હતી. વ્હાઈટ હાઉસ તરીકે ઓળખાતી આ જમીન સરકારી હોવાનું સાબિત થયું હતું. આ સરકારી જમીન હોઈ જે બાબત કલેક્ટરના ધ્યાને આવતા કલેક્ટર દ્વારા સુઓમોટો કરી ડે.કલેક્ટરને તપાસ સોંપી હતી. આ જમીન બાબતે પૂર્વ વિપક્ષી નેતાએ પણ કલેક્ટર, મુખ્યમંત્રી અને હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી. લેન્ડગ્રેબીંગ કમિટીના આદેશથી પોલીસે ગુનો દાખલ કરતા પોલીસ ફરિયાદના પગલે બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરુ કર્યો
વડોદરાના વ્હાઈટ હાઉસની જમીનમાં લેન્ડ ગ્રેબિંગનો મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. જેના ભાગરૂપે પાલિકા, સિટી સર્વે,બેંક અને દસ્તાવેજ કરનાર 40 જણને નોટિસ ફટકારી છે. આ સાથે તમામને જવાબો લેવા માટે નોટિસ આપવામાં આવી છે. આ તરફ ભૂમાફિયા સંજયસિંહે વર્ષ 2018માં અકોટાની જમીનમાં પણ પચાવી હોવાનો ખુલાસો થયો છે.