in odi we got to see the friendship of virat-rohit which made fans crazy
IND vs WI /
અમદાવાદમાં ઐતિહાસિક 1000 મી મેચમાં જોવા મળી વિરાટ-રોહિતનની ભાઈબંધી, ચાહકો થયા ઘેલા
Team VTV01:54 PM, 07 Feb 22
| Updated: 01:56 PM, 07 Feb 22
ઇન્ડિયન ટીમે 1000મી વન ડે મેચ જીતી લીધી છે, એ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં.મેચ દરમિયાનના વિરાટ તથા રોહિતની યારીના આ કિસ્સાઓ પણ સામે આવ્યા છે.
સ્ટેડિયમની અંદર ચુસ્ત બંદોબસ્ત
મેચમાં વિરાટ-રોહિતની યારીના કિસ્સાઓ
1000 વન-ડે માં ભારતે મેળવી જીત
આ ફેનની શાયરીએ લોકોના દિલ જીત્યા
એક ફેને કહ્યું કે ભલે હું ટીમ ઈન્ડિયાની આ ઐતિહાસિક મેચનો સાક્ષી નહીં બની શકું પરંતુ સ્ટેડિયમ બહાર ટીમને જોવા માટે આવ્યો છું. સાથે જ તેણે કહ્યું કે યે શંખ નહીં, જંગ કા હે એલાન - ટીમ ઈન્ડિયા સબસે મહાન.... તેની આ શાયરી સાંભળી આસપાસના દર્શકો પણ ભારત માતા કી જયના નારા લગાવી રહ્યા હતા.
આ હતો પાક્કો ગુજરાતી
આ મેચ જોવા રોહિતથી લઇ વિરાટ બધા ક્રિકેટર્સના ફેંસ આવ્યા હતા. આમાંનો એક ફેન તો એટલો ક્રેઝી હતો કે વાત જવા દો. સ્ટેડિયમ પાસે ઘર હોવાથી તે મેચ જોવા માટે ધાબા પર ચઢી ગયો હતો. એટલું જ નહીં તેણે મોબાઈલમાં ઓનલાઈન મેચ શરૂ કરી ફોનને સ્ટેડિયમની સામે રાખી ટીમની વિનિંગ મોમેન્ટની મજા માણી હતી.
કિંગ કોહલીની energy વખાણવા લાયક
ફેંસ ન હતા પરંતુ વિરાટ કોહલીના મેદાનમાં હોવાથી સ્ટેડિયમ જીવંત લાગ્યું. વિંડિઝ ટીમની 79 રનમાં 7 વિકેટ પડી ગઈ હતી ત્યારે લગભગ દરેક વિકેટ પડ્યા પછી વિરાટના સેલિબ્રેશનના પડઘા આખા સ્ટેડિયમમાં પડતા હતા. તેવામાં સ્ટેડિયમમાંથી મેચ જોતા એવું અનુભવાયું કે વિંડિઝ ખેલાડી કોટ બિહાઈન્ડ આઉટ થાય કે નહીં એની માહિતી મેળવવા માત્ર કોહલી સામે જોતા રહેવું જોઈએ. તે આખી મેચ દરમિયાન પૂરજોશથી સેલિબ્રેશન કરતો જોવા મળ્યો હતો.
તેણે જણાવ્યું કે આ મેચ જોવા તેણે ઘણા પ્રયત્નો કર્યા જ્યારે મેચ અમદાવાદમાં રમાશે એની જાહેરાત થઈ ત્યારથી જ તે ઓનલાઈન ટિકિટ લેવા માટે રોજ એપ્લિકેશન ખોલીને ચેક કરતો હતો. વળી તેનું ઘર સ્ટેડિયમ નજીક હોવાથી તે ત્યાં ફરજ બજાવતા સિક્યોરિટીને પૂછવા પણ ગયો હતો કે મેચમાં તેમને પ્રવેશ મળશે કે નહીં. પરંતુ તેમણે ના પાડતા તે છેવટે પોતાના ઘરે રોજ રાત્રે ધાબે ચઢીને મોટેરાના ફોટો ક્લિક કરતો અને પ્રેક્ટિસ સેશનમાંથી ટીમ બસ પસાર થતી હોય તો એને જોતો હતો.
સ્ટેડિયમની અંદર ચુસ્ત બંદોબસ્ત
સ્ટેડિયમની બહારથી જ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મીડિયા અધિકારીઓને મેચ જોવાની અનુમતિ હોવાથી તેમને ગેટ નંબર-4થી એન્ટ્રી આપવામાં આવતી હતી. અહીં સ્ટેડિયમના અન્ય ભાગો સાથે કનેક્ટેડ રૂટને બ્લેક બેરિકેડ વડે બંધ કરી દેવાયો હતો. વળી તમને જણાવી દઈએ કે મીડિયા અધિકારીઓને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે જ અંદર પ્રવેશ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન એક પણ દર્શક ન હોવાથી અહીં ટોસનો પણ જાણે અવાજ આવતો હોય તેવો સન્નાટો અનુભવાયો હતો.
ઈન્ડિયન ટીમ વિકેટ લે કે પછી હિટમેન બેટિંગ કરવા ઉતરે...1000મી વનડે મેચના સાક્ષી એવા અમદાવાદના સ્ટેડિયમમાં માત્ર ખેલાડીઓના સ્ટ્રોક્સના જ પડઘા પડ્યા હતા. ઇંગ્લેન્ડ સામેની સિરીઝ દરમિયાન દર્શકોના વેવ સેલિબ્રેશનથી લઈ ભારતના 12th પ્લેયર વિના મેદાન સુનું-સુનું લાગ્યું હતું.
મેચમાં વિરાટ-રોહિતની યારીના કિસ્સાઓ
ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી કે વિરાટ તથા રોહિત વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેવામાં 1000મી વન-ડે મેચમાં રોહિત અને વિરાટની યારી અને સેલિબ્રેશને તમામ અફવાને જાણે ખોટી પાડી દીધી છે. ચહલે 20મી ઓવરમાં 2 બોલમાં 2 વિકેટ લેતા રોહિત અને વિરાટે અનોખું સેલિબ્રેશન કર્યું.
ચહલ સામે વિંડિઝનો કેપ્ટન પોલાર્ડ જેવો ક્લીન બોલ્ડ થયો કે તરત જ વિરાટ કોહલી અને રોહિત એકબીજાને હાથતાળી આપી ઉજવણી કરવા લાગ્યા સાથે જ 22મી ઓવરમાં ચહલ જ બોલિંગ કરી રહ્યો હતો ત્યારે બ્રૂક્સ સામે કોટ બિહાન્ડની અપીલ થઈ હતી, જેને અમ્પાયરે નકારી કાઢી હતી. જેથી રિવ્યૂ લેવા મુદ્દે રોહિત અને પંત મૂંઝવણમાં મુકાતાં વિરાટ દોડીને બંને પાસે ગયો. વિરાટે રોહિતને કહ્યું હતું કે બેટની સાથે બોલનો સંપર્ક થયો છે, તું રિવ્યૂ લઈ જ લે. રોહિતે પણ વિરાટની વાત માની રિવ્યૂ લેતાં બ્રૂક્સ કોટ બિહાઈન્ડ થઈ ગયો હતો.
1000 વન-ડે માં ભારતે મેળવી જીત
ઈન્ડિયન ક્રિકેટ ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0થી લીડ મેળવતાની સાથે ભારતે ઐતિહાસિક 1000મી વનડે મેચ પોતાને નામ કરી લીધી છે. ટોસ જીત્યા પછી ભારતે પહેલા બોલિંગ કરી WIટીમને 177 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારપછી હિટમેનની શાનદાર ફિફ્ટી અને સૂર્યકુમારના વિનિંગ ચોગ્ગા સાથે ભારતે 28 ઓવરમાં જ મેચ જીતી લીધી છે. આ દરમિયાન ઈન્ડિયન ટીમે કુલ 43 સિંગલ, 10 ડબલ, 23 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા છે.