જામનગરમાં નંદ વિદ્યાનિકેતન શાળામાં અભ્યાસ કરતી ધો.6ની એક વિદ્યાર્થીનો કોરોના પોઝીટીવ. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વાલીઓમાં ચિંતા. શાળાને એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય.
એક બાજુ ઓમિક્રોન,બીજી બાજુ કોરોના સંક્રમણ
જામનગરમાં પાંચ દિવસમાં 37 કેસ કોરોનાના
ઓમિક્રોનનો વધુ એક કેસ આવ્યો સુરતમાં
રાજ્યના 3 દર્દીઓ હાલ જામનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બીજી તરફ છેલ્લા પાંચ દિવસમાં જામનગરમાં કોરોનાના 37 દર્દીઓ નોંધાયા છે. કોરોનાનો ગ્રાફ સતત વધી રહ્યો છે ત્યાં વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. જામનગરમાં આવેલા નંદ વિદ્યાનિકેતન શાળામાં અભ્યાસ કરતી ધો.6ની એક વિદ્યાર્થીનો કોરોના પોઝીટીવ આવ્યો છે. શાળા સંકુલ અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી-વાલીઓમાં એક તબક્કે ચિંતા જોવા મળી છે. શાળામાં કોરોના પોઝીટીવ વિદ્યાર્થી આવતા જ શાળાને એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ વિદ્યાર્થીની સાથે સંપર્કમાં આવેલ અન્ય વિદ્યાર્થીઓ અને કલાસમેટના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે તમામ નેગેટિવ રહ્યાં છે. છતાં પણ શાળાનું ઓફ લાઇન શિક્ષણ બંધ કરી દેવાયું છે.
જામનગરમાં ઓમિક્રોન પોઝિટિવ કેસ
પ્રથમ કેસ પણ જામનગરમાં સામે આવ્યો હતો. ત્યારબાદ પ્રથમ કેસના દર્દીના સગામાંથી 2 વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. જામનગરમાં પ્રથમ પોઝિટિવ આવનાર દર્દી ઝિમ્બાબ્વેથી ભારત આવ્યા હતાં. તેમના સંપર્કમાં આવતા બંને વ્યક્તિઓ સંક્રમિત થયા હતા. જામનગરમાં 75 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળો હાલ પોઝિટિવ છે. જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટના 3 કેસો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. શહેરની બજારોમાં મોટી માત્રામાં ભીડ જોવા મળી રહી છે
આજના કોરોનાના કેસ
આજે રાજ્યભરમાં કોરોનાના વધુ 58 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાને માત આપીને 56 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 549 થઈ છે. તો કોરોનાગ્રસ્ત 5 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે આજે કોરોનાને વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જેને લઇને રાજ્યભરમાં સરકારના આંકડા અનુસાર અત્યાર સુધીમાં 10099ના મૃત્યુ થઇ ચૂક્યા છે. અત્યાર સુધી રાજ્યમાં 817543 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાથી સાજા થવાનો દર 98.71 ટકા છે. રાજ્યભરમાં આજે 2.56 લાખ નાગરિકોનું રસીકરણ થયું છે. આમ અત્યાર સુધી રાજ્યમાં રસીના 8.55 કરોડથી વધુ ડોઝ અપાયા ચૂક્યા છે.
કયા જિલ્લામાં કેટલા કેસ?
રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 19 નોંધાયા છે. જ્યારે વડોદરામાં 13 કેસ, ભાવનગરમાં 5 કેસ, કચ્છમાં 5, નવસારીમાં 4 કેસ, રાજકોટમાં 5 કેસ, પાટણમાં 2 કેસ, સુરત જિલ્લામાં આજે 2 કેસ નોંધાયા, ગાંધીનગરમાં વધુ 2 કેસ અને ગીર સોમનાથમાં એક કેસ નોંધાયા છે.