બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં શ્વાનોની જઠરાગ્ની ઠારતું મંદિર, જ્યાં જહુ માતાનો છે અખંડ ધૂણો, દર્શન માત્રથી થાય છે દુખ દૂર
Last Updated: 06:30 AM, 18 July 2024
પાટણના ધારણોજ ગામેં આવેલુ આસ્થાનું કેન્દ્ર યાત્રાધામ જહુ માતાનું મંદિર ભક્તોમાં અનોખું આસ્થાનું સ્થાન ધરાવે છે. દૂર દૂરથી ભક્તો જહુ માતાના મંદિરે આવી પોતાની બાધા માનતા આખડી પૂર્ણ કરે છે. જહા માતામાંથી જહુ માતા તરીકે ઓળખાતા જહુ માતાની લોકો લાપસી ધરાવવાની માનતા રાખે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય ત્યારે માતાજીને લાપસી ચઢાવવા મંદિરે આવે છે.
ADVERTISEMENT
જહુ માતાના મંદિરનો અબોલ શ્વાનોનો સાથેનો અનોખો નાતો અને વિશ્વાસ છે કહેવાય છે કે ધારણોજ ગામમાં અબોલ શ્વાનો ક્યારે ભૂખ્યા નથી રહેતા, જે પણ લાપસીનો પ્રસાદ આવે તે મંદિર પટાંગણમાં શ્વાનને ભોજન પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. આમ આ મંદિર શ્વાનોની જઠરાગ્ની ઠારવાનું કામ કરે છે. જહુ માતામાં અતૂટ શ્રદ્ધા રાખતા ભાવિકો દૂરદૂરથી મંદિરે દર્શન કરવા આવે છે અને માતાજીના દર્શન કરી ધન્ય થાય છે.
ADVERTISEMENT
લોકવાયકા પ્રમાણે દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર લીધો હતો. અને આ દરબાર પરિવારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું હતું. જસી જ્યારે 15 વર્ષના થયા ત્યારે એક ધાર્મિક પ્રસંગે ધૂળીયો નામનો ઢોલી ઢોલ વગાડવા દરબારના ગામ આવ્યો હતો. ધૂળીયાના ઢોલ પર હૈયાના હાલ ખોલી દે તેવો તાલ હતો. ધૂળીયાએ ઢોલ વગાડી ગરબા ચાલુ કર્યા. ગરબામાં દેવી શક્તિ સમાન દીકરી જસી પણ ગરબે રમવા આવી હતી. ગરબા રમતા રમતા પરોઢીયુ થઈ ગયુ ત્યારે જસીની માંએ જસીને ઘરે જવા કહ્યુ. પણ જસીએ સાંભળ્યું નહીં. એટલે જસીની માં એ જસીને મહેણું માર્યું કે, ઘરે ના આવવું હોય તો જાવ ધૂળીયા ઢોલીની સાથે. જસી સવારે ધૂળીયાની પાછળ ચાલ્યા આવ્યા અને ધૂળીયા કહ્યુ હું મહેણાની મારી છું, મારી માંએ મને મહેણું માર્યું છે એટલે હું તારી સાથે આવું છું. અને તને ધર્મનો ભાઈ બનાવું છું. ધારણોજ ગામેં મારૂં ડેરૂ બનાવજે અને જગતમાં હું તારો ડંકો વગડાવીશ. ધૂળીયાએ ધારણોજની આંબલીએ પાંચ ઈટનું દેરૂ બનાવ્યું અને અબીલ-ગુલાલથી જહુ માતાજીની સ્થાપના કરી. લોકવાયકા પ્રમાણે ધારણોજ ગામમાં એક મૃત શ્વાનને જહુ માતાએ લાકડાની સોટી અડાડી અને તે શ્વાન આળસ ખાઈને જીવીત થઈ બેઠું થઈ ગયુ હતુ ત્યારે મંદિરના પુજારી આ દ્રશ્ય જોઇ રહ્યા હતા. અને તે સમજી ગયા હતા કે આ કોઈ શક્તિ સ્વરૂપ છે. પૂનમ, રવિવાર અને મંગળવારે માતાજીના મંદિરે અસંખ્ય ભાવિકો ઉમટી પડે છે.
માતાજીએ પુજારીને ટહૂકો કરીને કહ્યું કે હું ધૂળીયા ઢોલીની જહુ માતા છું કાલે મને ગામમાં તેડી લાવજો ઘડીવાર પણ ગામને સુનું નહીં મુકુ. બીજા દીવસે ગામ લોકોએ ભેગા થઈને જહું માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ જહુના દીવા ધારણોજ ગામમાં ઝળહળે છે. જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પુજાય છે. પણ તે બધા ગામમાં આ ધારણોજથી ગયેલી જહુ માતાની જ્યોત છે.
ભક્તો પરિવાર સાથે ધારણોજ ગામે જહુ માતાના મંદિરે દર્શન કરવા અવશ્ય આવે છે. નવા બનાવેલા મંદિરમાં આજે પણ માતાજીનો ગર્ભગૃહ હયાત છે. મંદિર પટાંગણમાં નારિયેળ અને ચુંદડીઓના ઢગ માતાજીની આસ્થાની ચાડી ખાઈ રહ્યા છે. માતાજીનો અખંડ ધૂણો આજે પણ મંદિર પટાંગણમાં જોવા મળી રહ્યો છે. તો ધૂળિયા ઢોલી સાથે સંકળાયેલ સમાજના પરિવારો આજે પણ મંદિરમાં ઢોલ વગાડી જહુ માતાના ઇતિહાસને વાગોળતા હોય છે.
મનુષ્ય અને શ્વાનના અનોખા ઇતિહાસની પ્રતીતિ કરાવતું જહુ માતાનું મંદિર આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતું બન્યુ છે. રવિવાર મંગળવાર અને પૂનમના દિવસે હજારોની સંખ્યામાં દૂર દૂરથી ભક્તજનો પોતાની બાધા પૂર્ણ કરવા જહુ માતાના મંદિરે અચૂક આવે છે. આજે સમગ્ર ધારણોજ ગામ એ જહુ માતાના નામથી ઓળખાય છે. અઢારે આલમનું એકતાનું પ્રતીક તેમજ સમાજ જીવનમાં રહેલ ઉચનીચના તમામ ભેદભાવને મિટાવતી જહુ માતા જીવતી જાગતી નિશાની સમાન છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.