ગુજરાતમાં અહીં મુખ્ય શિક્ષક રજા પર હોય તો શાળા બંધ કરી દેવી પડે છે

By : vishal 10:50 PM, 17 January 2019 | Updated : 10:50 PM, 17 January 2019
પ્રાથમિક શાળામાં કથળતાં શિક્ષણનો અહેવાલ હજુ હમણાં જ રજૂ થયો. ધોરણ આઠ અને નવમાં ભણતા બાળકોને બીજા ધોરણનું ગુજરાતી પુસ્તક વાંચતા આવડતું નથી. એ વાત જગજાહેર થઈ. તેની તરત પછી આપને આ સ્થિતિ માટે જવાબદાર કારણોનો આ અહેવાલ દર્શાવી રહ્યા છીએ. વાત બનાસકાંઠાના દેવપુરા પ્રાથમિક શાળાની છે પરંતુ સમગ્ર રાજ્યના પ્રાથમિક શિક્ષણ જગતને વત્તાઓછા અંશે આ હકીકત જરૂર સ્પર્શતી જ હશે. તમે પણ જુઓ શિક્ષકો વગરની શાળાનો આ અહેવાલ.

છેલ્લાં થોડા વર્ષોથી કેળવણી તરફ લોકાભિમુખતા વધી છે. ગામડામાં વસતા વાલીઓમાં બાળકોને ભણાવવા તરફ વળ્યા છે. સરકાર પણ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા આયોજનો કરીને સહુને શિક્ષણ મળે તેવા આયોજનો કરે છે. શિક્ષણ આપવાની પદ્ધતિઓ બદલાય છે. ભાર વગરના ભણતરની વાતો થાય છે પરંતુ આ બધી તૈયારીઓનું પરિણામ મળતું નથી. કેમ કે, શાળામાં બાળકો તો ભણવા આવે છે, પરંતુ સરકાર ઘણી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાનું જ ભૂલી ગઈ છે, કાં તો પછી  સરકારની ઈચ્છાશિક્ત નથી. આ વાત કોઈ શિક્ષણવિદો નહી પરંતુ ખુદ શાળાના ભૂલકાઓ કરી રહ્યા છે 

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા પ્રાથમિક શાળા કે, જ્યાં શાળા નામે માત્ર શાળા નામે વર્ગખંડો છે. આ શાળામાં પહેલા 3 વર્ગ ખંડો હતો જેમાંથી એક ઓરડો જર્જરિત બની ધ્વસ્ત થઈ ગયો છે. હવે માત્ર બે જ વર્ગ ખંડો છે, પરંતુ અહીં શાળા તો એકથી છટ્ઠા ધોરણ સુધીની છે. જેમાં 80 જેટલા બાળકો અભ્યાસ કરવા આવે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ધોરણ એકથી છ સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક છે અને એ પણ મુખ્યશિક્ષક 1થી ધોરણ 6 સુધીના 80 બાળકોને ભણાવવા માટે માત્ર એક શિક્ષક છે.

દર વર્ષે સરકાર શિક્ષકોની મોટી ભરતીઓ કરે છે તો આ શાળાને આટલા વર્ષો પછી પણ શિક્ષક કેમ ફાળવવાં આવતા નથી? આ પ્રશ્ન દરેક વાલીઓના મગજમાં ઘુમરાઈ રહ્યો છે. એટલું જ નહીં આખી શાળા દીઠ આ એક માત્ર શિક્ષક હોવાના કારણે શિક્ષણ કાર્ય કરતાં વધારે વહીવટી કાર્ય માટે સ્કૂલ બહાર જવું પડે છે. એ સંજોગોમાં શાળાને તાળું મારીને જવું પડે છે. કેમ કે, બાળકો એકલાં મુકવામાં બીજા જોખમ ઉભા થાય તેવું છે. આ શાળાની બાજુમાં તળાવ છે તેથી બાળકોને એકલા મૂકી શકાય તેમ નથી.

દેવપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી એક શિક્ષકથી શાળાનું શિક્ષણકાર્ય ચાલી રહ્યું છે અને એ પણ અલગ અલગ ધોરણના વિધ્યાર્થીઓને દેખીતી રીતે જ સમજાય તેવી વાત છે કે, એક શિક્ષકથી 80 બાળકોનું શિક્ષણકાર્યમાં કશી ભલીવાર નહીં હોય.

સરકારી તંત્ર દ્વારા વાલીઓને પોતાના બાળકોને શાળામાં મોકલવા અનેક રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તે માટે અનેક પ્રકારની યોજાનાઓ પણ અમલમાં મૂકે છે, પરંતુ આ બધા તામજામમાં સત્તાધીશો અને તંત્ર શાળામાં પૂરતાં શિક્ષકોની નિમણુક કરવાનું જ ભૂલી જાય છે.

આ ગંભીર બાબત અંગે ધારાસભ્ય અને ખુદ શિક્ષણમંત્રીને ગ્રામજનો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજુઆતો પણ કરાઈ ચૂકી છે, પરંતુ આ ગામની શાળામાં આજ સુધી કોઈ નવા શિક્ષકોની નિમણુંક કરવામાં આવી નથી. માત્ર ચૂંટણી ટાણે ખોટા વચનો અપાય છે અને ટભણશે ગુજરાત'ના  માત્ર બણગાં ફુંકાય છે. વાલીઓને કહેવાય છે તમારા બાળકોને સરકારી શાળામાં ભણાવા પરંતુ શાળામાં પૂરતા શિક્ષકોની નિમણુક કરવાનું જ તેઓ ભૂલી જાય છે જેના કારણે અસંખ્ય બાળકોનું પાયાનું શિક્ષણ બગડી રહ્યું છે. 

રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કથળી છે. એક તરફ સરકારી શાળામાં પૂરતા શિક્ષકો નથી જેના કારણે વિદ્યાર્થીઓનું પ્રારંભિક શિક્ષણ બગડી રહ્યું છે. તો બીજી તરફ અનેક વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં બેસાડે તે આર્થિક રીતે પોસાય તેમ નથી. ક્યાંક એવી પણ શાળાઓ છે જ્યાં શિક્ષકો છે. પૂરતા વિદ્યાર્થીઓ છે પરંતુ બાળકો બેસી શકે તેટવા પર્યાપ્ત ઓરડાઓ જ નથી. આ સ્થિતિ રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળવા માટે જવાબદાર છે અને તેના માટે માત્ર અને માત્ર તંત્ર જ જવાબદાર છે. ભવિષ્ય મુંજાય અને ભવિષ્ય મુરજાય તે પહેલા તંત્ર જાગે તો સારૂ...!

 Recent Story

Popular Story