Team VTV11:52 PM, 02 Feb 23
| Updated: 11:58 PM, 02 Feb 23
બનાસકાંઠા જિલ્લામાં અર્બુદા રજત જયંતી મહોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અર્બુદા રજત જયંતી પ્રસંગે યોજાયેલ શોભાયાત્રા 1 લાખથી વધુ ભક્તો જોડાયા હતા.
અર્બુદા રજત જયંતી શોભાયાત્રામાં 1 લાખથી વધુ ભક્તો જોડાયા
3થી 5 ફેબ્રુઆરી સુધી સહસ્ત્રચંડી 108 કુંડી મહાયજ્ઞનું આયોજન
અર્બુદા રજત જયંતી મહોત્સવ અંતર્ગત તા. 3થી 5 ફેબ્રુઆરી સુધી સહસ્ત્રચંડી 108 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, દરમિયાન આજે રજત જયંતી મહોત્સવ અન્વયે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 12 કિલોમીટર લાંબી આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અર્બુદા રજત જયંતી પ્રસંગે ત્રિદિવસીય સહસ્ત્રચંડી યજ્ઞમાં યોજવામાં આવ્યો છે જેમાં દેશભરમાંથી 10 લાખ લોકો દર્શન માટે ઉમટનાર હોવાનું આયોજકો દ્વારા જણાવાયુ હતું.
૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ પાલનપુર દ્વારા માતૃશ્રી આર.વી.ભટોળ ઈંગ્લિશ મીડિયમ વિદ્યાસંકુલ, લાલાવાડા ખાતે માં અર્બુદા રજત જયંતિ મહોત્સવ તથા ૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે જે 3 ફેબ્રુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. પાલનપુરના માર્ગો પર નિકળેલી આશરે 12 કિમી. જેટલી લાંબી આ ભવ્ય શોભાયાત્રામાં સમાજના ભાવિકો લાખ્ખોની સંખ્યામાં જોડાયા હતા. હાથી,ઘોડા, માતાજીનો દિવ્યરથ અને પાંચ હજાર કરતાં વધુ મહિલાઓ સાથે અને લાઈવ ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી.
૧૦ લાખથી વધુ લાડુ બનાવાયા
૧૦૮ કુંડી સહસ્ત્ર ચંડી મહાયજ્ઞને પગલે ભોજન માટે આંજણા સમાજની બહેનોએ ૨ દિવસમાં ૧૪૦ ગ્રામના ૧૦ લાખથી વધુ લાડુ બનાવ્યા છે. સાથે ત્રણ દિવસમાં દસેક લાખ લોકોને ભોજન પીરસવા ૩૫ થી ૪૦ ટન ઘઉં , ૨૦ ટન ચોખા , ૧૦ ટન તુવેર દાળ , ૧૫ ટન કઠોળ , ૭ ટન લીલી શાકભાજી અને ૮૦૦ ડબ્બા ધીનો ઉપયોગ કરવામાં આવે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે.