imran khan pakistan political crisis pml released the name of pm candidate
રાજકીય સંકટ /
પાકિસ્તાનમાં ઈમરાન સરકાર ઓલઆઉટ થવાની તૈયારીમાં, નવાઝ શરીફની પાર્ટીએ તો PM પદના ઉમેદવાર પણ જાહેર કરી દીધા
Team VTV12:15 PM, 22 Mar 22
| Updated: 12:18 PM, 22 Mar 22
ઇમરાન ખાનને વડાપ્રધાન પદ પરથી હટાવવા પાકિસ્તાનના તમામ વિપક્ષી દળો એક થઇ ગયા છે. આર્મી દ્વારા પણ ઇમરાનને હવે સમર્થન નથી મળી રહ્યું. સેનાએ તેઓને જાતે જ રાજીનામું આપવાની સલાહ આપી છે.
ઇમરાન ખાનની વિદાય નક્કી!
નવાઝ શરીફની પાર્ટીએ તો PM પદના ઉમેદવાર પણ જાહેર કરી દીધા
પાકિસ્તાનની આર્મી દ્વારા પણ હવે સમર્થન નથી મળી રહ્યું
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન આ મહિને વિદાય લે તેવું દેખાઇ રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, વિપક્ષની સાથે-સાથે સેનાના ટોચના અધિકારીઓએ તેઓને કહ્યું કે, 22-23 માર્ચનાં રોજ દેશમાં યોજાનાર ઇસ્લામિક સહયોગ સંગઠન (OIC) નાં સંમેલન બાદ પોતાનું પદ છોડી દે કારણ કે, પાકિસ્તાનમાં સતત ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ દેશના હિતમાં નથી.
ઈમરાન ખાન, તમારો ખેલ હવે ખતમ: મરિયમ
મરિયમ નવાઝે કહ્યું કે, ઈમરાન ખાન! તમારી રમત હવે પૂરી થઈ. સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ સત્તાવાર રીતે તૂટી ગયું છે. મરિયમે કહ્યું કે, પીએમ ઈમરાન જાણે છે કે, હવે કોઈ પણ તેમના બચાવમાં નહીં આવે કારણ કે તેઓ રમત હારી ગયા છે. મરિયમ નવાઝે કહ્યું કે, ઈમરાન ખાનને લાગે છે કે, તેમની વિરુદ્ધ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે, પરંતુ તેમણે અહીંના નાગરિકો વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. જો તેઓએ પોતાની ફરજ નિભાવી હોત તો 10 લાખ લાખો લોકોને વિરોધ કરવાનું કોઈ કારણ ન હોત.
25 માર્ચનાં ઇમરાન વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ
ઇમરાન ખાન સરકાર પોતાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે, કારણ કે ઇમરાન ખાન વિરૂદ્ધ વિપક્ષી દળોનાં નેતાઓના અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે 25 માર્ચના રોજ નેશનલ એસેમ્બલીની બેઠક બોલાવી છે. વિપક્ષી નેતા તેઓને અર્થવ્યવસ્થા અને વિદેશ નીતિના કુપ્રબંધન માટે દોષી ઠહેરાવ્યાં છે. આથી, 2018માં સત્તામાં આવ્યા બાદ અવિશ્વાસ પ્રસ્તાવને ઈમરાન ખાન માટે સૌથી મુશ્કેલ કસોટી માનવામાં આવી રહી છે, કારણ કે તેઓની પાર્ટીના અનેક સાંસદોએ પણ તેમની વિરુદ્ધ વોટ કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનનો કાયદો એવું કહે છે કે, જો કોઈ સાંસદ પોતાની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ વોટ કરે છે તો તેની સત્તા જઈ શકે છે.