Important statement of recruitment board member bursting junior clerk exam paper
જુનિયર ક્લાર્ક પેપર લીક /
શું સરકારની કોઈ જવાબદારી નહીં? બોર્ડે એજન્સી પર ફોડ્યું દોષનું ઠીકરું, સરકારની કોઈ ભૂમિકા નહીં
Team VTV12:29 PM, 29 Jan 23
| Updated: 03:26 PM, 29 Jan 23
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ભરતી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ એજન્સી પર દોષનું ઠીકરું ફોડ્યું. તેમણે કહ્યું કે, પેપરલીક થવામાં સરકારની કોઈ ભૂમિકા નથી.
પેપર ફૂટવા મામલે ભરતી બોર્ડે હાથ ઉંચા કર્યા
ભરતી બોર્ડે એજન્સી પર દોષનું ઠીકરું ફોડ્યું
'પેપરલીક થવામાં સરકારની નથી ભૂમિકા'
જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી, પરીક્ષા આપવાનો દિવસ આવ્યો ત્યારે સવાર સવારમાં સમાચાર આવ્યા કે પેપર ફૂટી ગયું હોવાના કારણે પરીક્ષા જ મોકૂફ રાખવામાં આવી છે. તંત્રએ ફરી સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં તંત્ર જ 'ફેલ' છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ભરતી બોર્ડે તો હાથ જ ઉંચા કરી લીધા. ભરતી બોર્ડે તો એજન્સી પર જ દોષનું ઠીકરું ફોડ્યું.
ગુજરાત બહારની ગેંગે કર્યું પેપરલીક: રાજીકા કચેરિયા
ભરતી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયાએ કહ્યું કે, 'સરકાર તરફથી કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અથવા ગુજરાતમાંથી કોઈ ભૂલ થઈ નથી. આ ગુજરાત બહાર પેપર ફૂટ્યું છે. હાલ પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. સરકારે ઉમેદવારોના હિતોને ધ્યાને રાખીને પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. મને ખબર છે કે ઉમેદવારોને ઘણી તકલીફ પડી હશે. પરંતુ પરીક્ષા મોકૂફ રાખવી વધારે સારી કે ખોટા લોકો ખોટી રીતે ગુજરાત સરકારની નોકરી મેળવે એ સારું. ગેરરીતિથી કોઈને નોકરી ન મળે તે માટે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. લાયકાત ધરાવે છે તે લોકોની જ ભરતી થશે.'
પ્રિન્ટીંગ પ્રેસની ભૂમિકા પર રખાઈ રહી છે ખાસ નજર: રાજીકા કચેરિયા
રાજીકા કચેરિયાએ જણાવ્યું કે, 'ગુજરાત બહારની ગેંગે પેપરલીક કર્યું છે. પ્રિન્ટીંગ પ્રેસની ભૂમિકા પર ખાસ નજર રખાઈ રહી છે. પેપર પ્રિન્ટ કરનારી એજન્સીની તપાસ કરવામાં આવશે. એજન્સી કયાં પ્રિન્ટીંગ પ્રેસમાં પેપર છપાવે છે તેની અમને જાણ હોતી નથી. પેપરલીક કરનારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.'
રાજીકા કચેરિયા (ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય)
'ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે નવી તારીખ'
પરીક્ષાની નવી તારીખ બાબતે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે. પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે.
કેમ રદ્દ થઈ આજની પરીક્ષા?
પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. મંડળ દ્વારા આજે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર ન જવા અપીલ કરી છે. આજે રાજ્યના કુલ 2,995 પરીક્ષા કેન્દ્રો પર જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા યોજાવાની હતી. પરંતુ આ પરીક્ષાનું અચાનક પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થયા બાદ રદ કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી દ્વારા આ મામલે પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.