Important news regarding Gujarat assembly elections
જંગ-એ-ગુજરાત /
નેતાઓમાં સળવળાટ: હવે શનિ-રવિ ફૉર્મ નહીં ભરાય અને પછી છેલ્લો દિવસ, પાર્ટીએ નામ જાહેર ન કરતાં મૂંઝવણ
Team VTV12:56 PM, 12 Nov 22
| Updated: 12:59 PM, 12 Nov 22
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઉમેદવારો આજે અને આવતીકાલે શનિ-રવિની રજાઓ હોવાથી ઉમેદવારી ફોર્મ ભરી શકશે નહીં. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો 14 તારીખનો છેલ્લો દિવસ હોવાથી આ દિવસે ફોર્મ ભરવા માટે પડાપડી થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ મહત્વના સમાચાર
ચૂંટણી ઉમેદવારી પત્રો આજે અને આવતીકાલે નહીં સ્વીકારાય
કેટલીક બેઠકો પર પાર્ટીએ નામ જાહેર ન કરતાં મૂંઝવણ
શનિ-રવિની રજાને હોવાથી સોમવારે ફોર્મ ભરવા માટે થશે પડાપડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. હાલ તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામો તબક્કાવાર જાહેર કરવામાં આવી રહ્યા છે. ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસે 96 ઉમેદવારો નામ જાહેર કરી દીધા છે અને આમ આદમી પાર્ટીએ 179 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, આ ત્રણેય પાર્ટી દ્વારા હજુ પણ અમુક બેઠકો પર ઉમેદવારોના નામને લઈને મંથન ચાલી રહ્યું છે.
પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો સોમવારે છેલ્લો દિવસ
પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે રાજકીય પાર્ટી દ્વારા હજુ સુધી પ્રથમ તબ્બકાની કેટલીક બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં ન આવતા નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે આજે અને આવતી કાલે શનિ-રવિની રજા હોવાથી ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. ચૂંટણી અધિકારીએ જ આ બાબતની સ્પષ્ટતા કરી હતી. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો 14 નવેમ્બરે એટલે કે સોમવારે અંતિમ દિવસ છે.
પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં ન આવતા મૂઝવણ
પ્રથમ તબક્કાની ચૂંટણી 89 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ભાજપે પ્રથમ તબક્કાની તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. પરંતુ કોંગ્રેસના 14 ઉમેદવારોના નામ હજુ પણ બાકી છે. કોંગ્રેસ કોડીનાર, દ્વારકા, તાલાલા, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા, મોરબી, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, બોટાદ, જંબુસર, ભરૂચ, ધરમપુર અને ગારીયાધાર બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. પાર્ટી દ્વારા નામ જાહેર કરવામાં ન આવતા કોંગ્રેસના નેતાઓ હાલ મૂઝવણમાં છે. આપને જણાવી દઈએ કે, સોમવારે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસે છે. જ્યારે બીજા તબક્કા માટે નામાંકન પ્રક્રિયા 17 નવેમ્બર સુધી ચાલશે.
અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળશે
શુક્રવારે જ અનેક પક્ષના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્ર ભરી પોતાની બેઠક સિક્યોર કરી દીધી છે. પરંતુ હજુ પણ અનેક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાના બાકી રહ્યા છે. ભાજપ કોંગ્રેસ અને આપ આ તમામ મોટા પક્ષના ઉમેદવારોમાંથી હાલ પણ ડઝનથી વધુ ફોર્મ ભરવાના બાકી છે. ત્યારે સોમવારે અંતિમ દિવસે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળશે. બાકી રહેલા તમામ ઉમેદવારો માટે હવે સોમવારે 3:00 વાગ્યા સુધીનો છેલ્લો સમય બાકી રહ્યો છે.
બે તબક્કામાં યોજાશે ચૂંટણી
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે રાજ્યમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે બીજા તબક્કા માટે પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પરિણામ આઠમી ડિસેમ્બરનારા રોજ જાહેર કરવામાં આવશે.