Impact of VTV report: administration in action against AMTS bus drivers,
VTV EXCLUSIVE /
VTVના અહેવાલની અસરઃ AMTS બસ ડ્રાઈવરોની આડોડાઈ સામે તંત્ર એક્શનમાં,ફરિયાદ મળશે તો થશે કાર્યવાહી
Team VTV03:06 PM, 28 Jan 22
| Updated: 03:20 PM, 28 Jan 22
છેલ્લા 3 દાયકામાં સરદાર પટેલે શરૂ કરેલી સેવાઓ પર AMCએ કુચડો ફેરવી નાખ્યો છે. જ્યારે VTVએ અહેવાલ દર્શાવ્યો ત્યારે તંત્ર સફાળુ જાગ્યું છે.
અમદાવાદમાં AMTS સેવા ગઈ ખાડે
VTVના અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટે આપ્યો આદેશ
પ્રજાના હિત માટે શરૂ કરેલી AMTS સેવા ગઈ ખાડે
સરદાર વલ્લભભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી અમદાવાદ શહેરને અનેક સુવિધાઓ મલી હતી. પણ છેલ્લા 3 દાયકામાં સરદાર પટેલે શરૂ કરેલી સેવાઓ પર AMCએ કુચડો ફેરવી નાખ્યો છે. પ્રજાના હિત માટે શરૂ કરવામાં આવેલી AMTS સેવા આજે AMCના અધિકારીઓની નિરસતના કારણે ખાડે ગઈ છે. AMTSને પ્રાઈવેટ હાથમાં આપ્યા બાદ ડ્રાઈવ-કન્ડક્ટરોની જોહુકમીના કારણે મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જાહેર માર્ગો પર બેફામ બસ ચલાવવી, બસ સ્ટોપ પર પેસેન્જર હોવા છતાં બસ ન ઉભી રાખવી. બસ સ્ટોપથી થોડી આગળ બસ ઉભી રાખીને પેસેન્જરોને દોડાવવા.
VTVના રિયાલિટી ચેકમાં AMTS ડ્રાઈવરોની ખુલી પોલ
કોન્ટ્રાક્ટ પર રાખેલા ડ્રાઈવરો પેસેન્જરોને ત્રસ્ત કરી રહ્યા છે. તો બીજી તરફ AMCના અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરના પેટનું પાણી નથી હલતું. AMTS બસ સ્ટોપ પર ઉભી ન રહેતા રિક્ષા ચાલકો બેફામ બન્યા છે.રિક્ષા ચાલકો મન ફાવે તેવું ભાડુ લે છે. રિક્ષા ચાલકોના હપ્તાથી ડકાર મારતી પોલીસ પણ રિક્ષા ચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી. VTVએ જ્યારે AMTSની બસોનું રિયાલિટી ચેક કર્યું ત્યારે આ બધા મુદ્દા સપાટીએ આવ્યા છે. AMTS બસ સ્ટોપમાં બેઠેલા મુસાફરોના મતે બસને સ્ટોપ પર રોકવામાં નથી આવતી. અને રિક્ષા ચાલકો બેફામ ભાડુ વસૂલે છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેષ બારોટે આપ્યો આદેશ
AMTS બસ ડ્રાઈવરોની આડોડાઈ કહો કે નફ્ફટાઈ. બસ ડ્રાઈવરો બસ સ્ટોપ પર બસ ઉભી નથી રાખતા. અને આ મામલે જ્યારે VTVએ અહેવાલ દર્શાવ્યો ત્યારે તંત્ર સફાળુ જાગ્યું છે. આ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે તપાસનો આદેશ આપ્યો છે. હિતેષ બોરેટે જણાવ્યું કે તમામ કોન્ટ્રાક્ટર પાસે જવાબ માગવામાં આવશે. અને જો આવું કંઈ જણાશે તો બસના કોન્ટ્રાક્ટર, ડ્રાઈવર અને કન્ડક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
-પ્રજાના તંત્ર સામે સળગતા સવાલ ?
-પ્રજાના પૈસાને વેડફતા AMCના અધિકારીઓ ક્યારે જાગશે?
-AMCના અધિકારીઓની નિરસતાના કારણે AMTS સેવા જશે ખાડે!
-અમદાવાદની પ્રજાને પડતી મુશ્કેલીઓને કોણ સાંભળશે?
-AC ચેમ્બરમાં બેસનારા અધિકારીઓની ક્યારે ખુલશે આંખ?
-કોન્ટ્રાક્ટરો પર કેમ રખાઈ રહી છે રહેમ નજર?
-AMTSના પૈડા માત્ર દોડાવીને કોન્ટ્રાક્ટરોને લાભ કેમ પહોંચાડાય છે?
-પેસેન્જર વિના દોડતી AMTS બસ અંગે ચેકિંગ કેમ નથી થતું?
-AMTS બસ ખાલી દોડે છે તો ડ્રાઈવર-કન્ડક્ટર કેમ નથી દંડાતા?