Illegal schools without fire safety in many Cities in the Gujarat
બેદરકારી /
સુરતમાં અગ્નિકાંડ બાદ પણ તંત્ર નિંદ્રામાં, તપાસનાં આદેશ પાછળ આખરે કેટલું સત્ય!
Team VTV07:13 PM, 26 Jun 19
| Updated: 09:48 PM, 26 Jun 19
સુરતનાં આગકાંડ-2 બાદ તંત્ર ફરી વાર એ જ રીતે હરકતમાં આવ્યું છે જે રીતે પ્રથમ અગનકાંડ વખતે આવ્યું હતું. ત્યારે એમ હતું કે હવે તંત્ર એવા પગલાં લેશે કે ક્લાસિસ અને શાળાના વિદ્યાર્થીઓને અને આમ નાગરિકોને આગજન્ય હોનારતોથી અભયવચન મળી જશે. પરંતુ તેમ થયું નહીં અને તંત્રની બેદરકારી ફરી વાર સામે આવી ત્યારે આશા રાખીએ આ પ્રકારની ઘટના છેલ્લીવારની બની રહે.
સુરતમાં અગ્નિકાંડ (Surat fire traged) ની ઘટના બાદ પણ તંત્ર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સુરતનાં તક્ષશીલા આર્કેડનાં અગ્નિકાંડ બાદ તંત્ર દ્વારા કેવા કડક પગલાં લેવાયા તેની પોકળતા એક મહિના બાદ ભટાર સ્થિત જ્ઞાનગંગા સ્કૂલ નજીક લાગેલી આગમાં છતી થઈ ગઈ. આગકાંડ બાદ સરકારી બાબૂઓએ જોરશોરથી આખા રાજ્યમાં તપાસના આદેશ આપી દીધા હતા. પરંતુ આ બધું હાલ જુઠ્ઠાણું સાબિત થયું છે. સુરતની મંગળવારની ઘટના બાદ પણ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક મહાનગરોમાં ફાયરસેફ્ટી (fire safety) વિનાની ગેરકાયદેસર રીતે સ્કૂલો ધમધમી રહી છે. જોઈએ આ અહેવાલ.
એક માસ પહેલા સુરતમાં તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગમાં અનેક વિદ્યાર્થીઓ જીવતા જ ભૂંજાઈ ગયાની ઘટના બાદ પણ તંત્રએ જાણે તપાસમાં કશી ગંભીરતા ન દાખવી હોય તેમ ફરી વાર સુરતમાં જ ભટાર સ્થિત જ્ઞાનગંગા સ્કૂલ પાસે બીજો અગનકાંડ સર્જાયો. ભટાર સ્થિત આઝાદનગરમાં આવેલા બાલક્રિષ્ના કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર નોનવુવનની બેગ બનાવતા કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઈ.
આ જ કોમ્પ્લેક્ષમાં પહેલાં માળે ચાલતી જ્ઞાન ગંગા હિન્દી વિદ્યાલયનાં 150 વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર ખસેડાયા ત્યાં સુધી અનેક વાલીઓના જીવ ઉચાટમાં રહ્યાં. જો કે, આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર વિભાગે આગને કાબુમાં લઈ લીધી અને કોઈ જાનહાનિ ન થઈ તે વાત પૂરતો સંતોષ માનવો પડ્યો. પરંતુ આગની આ ઘટનાએ ફાયર સેફ્ટીની તપાસના નામે ચાલતા નાટક સામે સવાલ ઉભા કર્યા છે. હાલ તો જાગેલા તંત્રએ ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાના કારણે સ્કૂલને સીલ મારી દેવામાં આવ્યું હતું...ચાલુ શિક્ષણ સત્ર દરમિયાન શાળાને સીલ મારી દેતાં 150 બાળકોના ભણતરને અસર થઇ છે.
સુરતની આ ઘટના બાદ ફરી એક વાર રાજ્યનું શિક્ષણતંત્ર અને ફાયર સેફ્ટિ વિભાગ સમગ્ર રાજ્યમાં એવી રીતે સક્રિય થયું છે. જેવી રીતે મહિના પહેલા તક્ષશીલા આર્કેડમાં લાગેલી આગ વખતે થયું હતું. અમદાવાદની સ્કૂલોની વાત કરીએ તો, અમદાવાદના ઘોડાસરમાં કોમ્પલેક્ષમાં જીવના જોખમે શાળા ચાલી રહી છે. ત્યાર બાદ સહજાનંદ કોમ્પલેક્ષમાં ઈમેજ ઈંગ્લિશ સ્કૂલ ચાલી રહી છે. આ સ્કૂલ ચલાવવા માટે ધાબા પર પતરાનો શેડ મારી ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે. અહીં બાળકોને સ્કૂલમાં આવવા-જવા માટે એક માત્ર સાંકડી સીડી છે. જો સુરતમાં બનેલી ઘટના અમદાવાદમાં ફરીથી દોહરાય તો અમદાવાદમાં પણ અનેક બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે છે.
અમદાવાદમાં માત્ર આ એક સ્કૂલ નહીં ગેરકાયદેસર અને જીવનાં જોખમે બીજી પણ અનેક સ્કૂલો ચાલે છે. કૃષ્ણનગર વિસ્તારમાં એક જ કોમ્પેલક્ષમાં 7 સ્કૂલો ચાલતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. તમને જણાવી દઇએ કે, કૃષ્ણનગર વિસ્તારમાં જે એક કોમ્પ્લેક્ષમાં 7 સ્કૂલો ચાલે છે તેમના નામ અકુંર સ્કૂલ, ઉદ્દગમ, પીયુ રાજ, ઉમિયા સ્કૂલ જેવા છે. અહીં 7 સ્કૂલના બાળકો વચ્ચે આવવા જવા માટે માત્ર એક જ સીડી છે. તો ઈસનપુર વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્કૂલમાં ગંભીર બેદરકારી સામે આવી છે.
આ શાળામાં 1500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે શાળાની નીચે મોટી સંખ્યામાં ફે~ટરીઓ ધમધમી રહી છે. જેમાં કેટલીક ફે~ટરીઓમાં બોઈલર પણ રાખવામાં આવ્યા છે. જો આગ લાગે કે બોઈલર ફાટવાની કોઈ ઘટના બને તો આ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ શકે છે. કોમ્પ્લેક્ષમાં 7 સ્કૂલોમાં આશરે 2500થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યાં છે. ત્યારે આવી રીતે એક જ કોમ્પ્લેક્ષમાં 7 સ્કૂલો ચલાવવાની પરમિશન કોણે આપી તે તપાસનો વિષય બન્યો છે.
આ સિવાય જીવરાજ પાર્ક ખાતે શોપિંગ કોમ્પલેક્ષમાં અન્ય એક સ્કૂલનો પણ પર્દાફાશ કર્યો હતો. જેનું નામ નિલકંઠ સાબર સ્કૂલ છે. આ સ્કૂલમાં 400થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અહીં જે કોમ્પ્લેક્ષમાં સ્કૂલ ચાલે છે તેની છત પર અનેક ગેરકાયદેસર મોબાઇલ ટાવરો લગાવવામાં આવ્યાં છે. તંત્રની આટલી નિષ્ઠુરતા જોઇને DEOએ સ્કૂલ બંધ કરવા વિભાગને ભલામણ કરી હતી. 400થી વધુ વિધાર્થીનાં ભવિષ્ય જોખમમાં લાગતા તંત્રના દબાણવશ શાળાનાં આચાર્યએ શાળા બંધ કરવાની નોટીસ લગાવી દેવી પડી છે.
આ તરફ રાજકોટમાં પણ મવડી વિસ્તારમાં સત્કાર સત્કાર કોમર્સ સ્કૂલમાં નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે..સ્કૂલમાં મુખ્ય પ્રવેશ સિવાય અન્ય કોઈ રસ્તો નથી જો આગ લાગે તો બાળકોને નીચે ઉતરવા એક જ રસ્તો છે...સ્કૂલનો મુખ્ય પ્રવેશ દ્વાર પણ ખૂબ સાંકડો હોવાનું જોવા મળ્યું છે પરંતુ મનપા કે શિક્ષણ વિભાગને આ સ્કૂલની કોઈ જાણ નથી. તો વડોદરામાં પણ કોમર્શિયલ કોમ્પલેક્ષમાં સ્કૂલો ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.
વડોદરાની કેટલીક સ્કૂલોમાં બાળકોની સુરક્ષાની કોઇ સુવિધા નથી. ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોને મળતી મંજૂરી પર પણ સવાલો ઊભા થયા છે. વડોદરામાં એક કોમ્પલેક્ષમાં 3 સ્કૂલો આવેલી છે જેમાં કોઇ ફાયર સેફ્ટીની સુવિધા નથી. આ ઉપરાંત કોમ્પલેક્ષમાં ગેસ સિલિન્ડરની એજન્સી પણ આવેલી છે. આ ત્રણ સ્કૂલોમાં 1000થી વધુ બાળકો અભ્યાસ કરે છે ત્યારે માસૂમ બાળકોની જીવ જોખમમાં મૂકી સંચાલકો સ્કૂલો ચલાવી રહ્યાં છે અને તંત્ર કહે છે કમર્શિય બિલ્ડિંગમાં સ્કૂલો ચલાવાવી દે ગેરકાયદેસર નથી.
સુરતનાં આગકાંડ-2 બાદ તંત્ર ફરી વાર એ જ રીતે હરકતમાં આવ્યું છે જે રીતે પ્રથમ અગનકાંડ વખતે આવ્યું હતું...ત્યારે એમ હતું કે હવે તંત્ર એવા પગલાં લેશે કે ક્લાસિસ અને શાળાના વિદ્યાર્થીઓને અને આમ નાગરિકોને આગજન્ય હોનારતોથી અભયવચન મળી જશે. પરંતુ તેમ થયું નહીં અને તંત્રની બેદરકારી ફરી વાર સામે આવી ત્યારે આશા રાખીએ આ પ્રકારની ઘટના છેલ્લીવારની બની રહે.