IIT-K develops drone Prahari capable of capturing rogue drones
સુરક્ષા /
સરહદ પર તહેનાત થશે દુશ્મનના ડ્રોનને પકડીને તેનો ખાત્મો કરી શકે તેવું ખાસ ડ્રોન ‘પ્રહરી’
Team VTV06:39 PM, 27 Nov 19
| Updated: 06:40 PM, 27 Nov 19
સરહદ પર આજકાલ દુશ્મન દેશો દ્વારા ડ્રોનથી નજર રાખવાની વધતી જતી પ્રવૃત્તિથી સુરક્ષા એજન્સીઓ સચેત બની છે. ખાસ કરીને પંજાબમાંથી વારંવાર ડ્રોન પકડાયા બાદ હવે તમામ સરહદી વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા માટે એક એવા ચોકીદારની જરૂર હતી, જે દુશ્મનોના ડ્રોનને આસાનીથી પકડી લે અને તેનો પળવારમાં ખાત્મો પણ કરી શકે. આ ઉપરાંત દૂરના દુર્ગમ વિસ્તારોમાં તહેનાત સેનાના જવાનો સુધી રાશન અને દવાઓ પહોંચાડવી પણ હવે મુશ્કેલ કામ નહીં રહે.
આઈઆઈટી-કાનપુરના વિદ્યાર્થીઓએ 'પ્રહરી' નામનું એક અનોખું ડ્રોન તૈયાર કર્યું છે. આ ડ્રોન 4-5 કિલો સુધીનો વજન ઉપાડી શકે છે અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત ત્રણ કલાક સુધી પેટ્રોલીંગ પણ કરી શકે છે. આ ડ્રોનની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માનવરહિત હેલિકોપ્ટરની પણ સુવિધા છે, જેમાં અન્ય ડ્રોન અથવા તો અનમેન્ડ એરિયલ વ્હિકલ (યુએવી)ને પકડવા માટે એક ખાસ જાળી પણ છે. આવી સ્થિતિમાં 'પ્રહરી' અન્ય ડ્રોનનો પીછો કરીને તેને ગણતરીની મિનિટોમાં પકડી પણ શકે છે.
આઈઆઈટી-કાનપુરના એરોસ્પેસ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર અભિષેક અને પ્રોફેસર મંગલ કોઠારી અને તેમના વિદ્યાર્થીઓ દ્વારા આ સિસ્ટમ બનાવવામાં આવી છે. ડ્રોનમાં એક અદ્યતન ઑટોપાયલટ સિસ્ટમ પણ છે અને તે અન્ય ડ્રોનને પકડવા દરમિયાન વજન વધવાથી તેની સિસ્ટમમાં અચાનક આવતા ફેરફારને નિયંત્રિત કરવામાં સક્ષમ છે.
તેને ખાસ કરીને સરહદ પર દેખરેખ રાખવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે તૈયાર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત તે સશસ્ત્ર દળોને સરહદી વિસ્તારો પર નજર રાખવા અને રાષ્ટ્રીય સુરક્ષામાં ભંગાણ કરનારા દુશ્મનોના ડ્રોનને પકડવામાં પણ મદદરૂપ થાય છે. તાજેતરમાં માનવ સંસાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયલ 'નિશંક એ આ ડ્રોનનો વીડિયો તેમના ટ્વીટર એકાઉન્ટ પર પર શેર કર્યો હતો.
ડૉ. અભિષેકે જણાવ્યું કે, બે અલગ અલગ સાઈઝના માનવરહિત હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે. બંનેમાં કેમેરા, સેન્સર,સર્વેલન્સ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. આ ડ્રોનનો ઉપયોગ ભીડ પર નજર રાખવા, કટોકટીના સમયે કોઈપણ વસ્તુનીસપ્લાય કરવામાં, કૃષિક્ષેત્રમાં, બંધક વ્યક્તિની અસલી સ્થિતિ મેળવવામાં કરી શકાય છે. તે દુશ્મનના ડ્રોનથી પણ આગળ પણ નીકળી શકે છે અને તેને પોતાની જાળમાં પકડી પણ શકે છે.