If you go for a walk on the Kankaria lakefront you will now get this special facility
અમદાવાદ /
કાંકરિયા લેકફ્રન્ટ પર ફરવા જશો તો હવે આ વિશેષ સુવિધા મળશે, PPP ધોરણે હિલચાલ આરંભાઈ
Team VTV11:13 PM, 30 Jan 23
| Updated: 12:15 AM, 31 Jan 23
અમદાવાદમાં કાંકરિયા આવતા મુલાકાતીઓની સુવિધામાં વધારવા સત્તાધીશોએ ગેટ નંબર-૨ પાસે એટીએમ ઊભું કરવા માટે કવાયત આરંભી છે.
કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર-૨ પાસે ATMની સુવિધા ઉપલબ્ધ કરાશે
તંત્ર દ્વારા પીપીપી ધોરણે તેના ઈન્સ્ટોલેશન,ઓપરેશન અને મેન્ટેનન્સની દિશામાં હિલચાલ
મુલાકતીઓની સુવિધા માટે ATM ઉભું કરવા વિચારણા
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા લેકફ્રન્ટને કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયા બાદ તેની નયનરમ્યતા શહેરીજનોને ભારે આકર્ષિત કરી રહી છે. કાંકરિયા કાર્નિવલની પ્રસિદ્ધિ સમગ્ર દેશમાં પ્રસરી ગઈ હોઈ રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા પરપ્રાંતમાંથી પણ મુલાકાતીઓ કાંકરિયા લેકફ્રન્ટ પર લટાર મારવા આવી રહ્યા છે. મ્યુનિ. તંત્ર દ્વારા કાંકરિયા લેકફ્રન્ટ પર મુલાકાતીઓ માટે અનેક કાયમી આકર્ષણ ઊભાં કરાયાં છે. આ ઉપરાંત દર વર્ષે તા. ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી સાત દિવસ ઊજવાતો કાર્નિવલ પણ કાંકરિયા લેકફ્રન્ટની ખુશબૂમાં વૃદ્ધિ કરતો આવ્યો છે. હવે સત્તાધીશોએ દરરોજ હજારોની સંખ્યામાં આવતા મુલાકાતીઓની સુવિધામાં ઉમેરો કરવા તેના ગેટ નંબર-૨ પાસે એટીએમ ઊભું કરવા માટે કવાયત આરંભી છે.
પીપીપી ધોરણે ગેટ નંબર-૨ પાસે ઉભું કરાશે એટીએમ
તાજેતરમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે શાનદાર કાર્નિવલ યોજાયો હતો, જેના પગલે તે હજારો મુલાકાતીઓથી ઊભરાયો હતો. કાર્નિવલ માટે ખાસ બનાવાયેલા ત્રણ સ્ટેજ પર રોજેરોજ વિવિધ કલાકારો દ્વારા રજૂ કરાતા ભાતીગળ કાર્યક્રમોના કારણે મુલાકાતીઓ ખૂબ આનંદિત થયા હતા, જોકે કોરોનાની દહેશત અને હાડ થિજાવતી ઠંડીના કારણે મુલાકાતીઓની ભીડમાં ઘટાડો નોંધાયો હતો તેમ છતાં દરરોજ એકથી દોઢ લાખ મુલાકાતીઓએ કાર્નિવલની મજા માણી હતી.કાંકરિયા લેકફ્રન્ટ ખાતે મુલાકાતીઓને આકર્ષવા માટે દર વર્ષની તા.રપ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ઊજવાતો કાર્નિવલ જ એકમાત્ર મહત્ત્વનું કારણ નથી, પરંતુ આબાલવૃદ્ધોને આકર્ષિત કરતી અટલ એક્સપ્રેસ અને સ્વર્ણિમ જયંતી એક્સપ્રેસ એમ બે મિની ટ્રેન પણ દરરોજ મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ ઉપરાંત કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટિકા, નોક્ટર્નલ ઝૂ, બટરફ્લાય ગાર્ડન, નગીનાવાડી, મ્યુઝિકલ ફાઉન્ટન, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન, પ્લેનેટોરિયમ એડ્વેન્ચર ટ્રી વોક, વિવિધ રાઇડ, ફ્લોટિંગ રેસ્ટોરાં અને ફિશ એક્વેરિયમ જેવાં વિવિધ આકર્ષણોની પણ મુલાકાતીઓ રોજેરોજ મજા લેે છે, જે કાંકરિયાનાં કાયમી આકર્ષણો છે.આ આકર્ષણોમાં ઉમેરો કરવા તંત્ર દ્વારા પીપીપી ધોરણે કાંકરિયા લેકફ્રન્ટના ગેટ નંબર-૨ પાસે એટીએમ ઊભું કરવાની દિશામાં હિલચાલ આરંભાઈ છે. આમ્રપાલી ફનલેન્ડમાં પ્રવેશવાના વિસ્તારમાં તંત્ર એટીએમ ઊભું કરનાર હોઈ તે માટેના ઇન્સ્ટોલેશન, ઓપરેશન અને મેન્ટેનન્સનાં ટેન્ડર સત્તાવાળાઓ દ્વારા પ્રસિદ્ધ કરાયાં છે.
મંજૂરી બાદ કાર્યવાહી શરૂ થશે
તંત્ર દ્વારા એટીએમ માટે જે તે બેન્કને ૮૦ સ્ક્વેર ફૂટની જગ્યા પૂરી પડાશે, જ્યારે તેની ડિઝાઇન જે તે બેન્કે બનાવીને તેની મંજૂરી તંત્ર પાસેથી મેળવવી પડશે. ત્યાર બાદ જ એટીએમનું ઇન્સ્ટોલેશન કરી શકાશે. એટીએમ માટે મ્યુનિ. સત્તાવાળાઓ દ્વારા શરૂઆતમાં પાંચ વર્ષ માટે લાઇસન્સ અપાશે, જોકે તેમાં વધુ બે વર્ષની મુદત વધી શકે છે. કોઈ પણ શિડ્યૂલ બેન્ક, કો-ઓપરેટિવ બેન્ક, ફેડરલ બેન્ક, રાષ્ટ્રીયકૃત બેન્ક અથવા ખાનગી બેન્ક એટીએમ માટે ટેન્ડર ભરી શકશે.
કાંકરિયામાં શનિવાર-રવિવા૨ના દિવસે રપ હજાર મુલાકાતીઓ ઊમટે છે
કાંકરિયા લેકફ્રન્ટે હવે રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મેળવી હોઈ સામાન્ય દિવસોમાં લેકફ્રન્ટ આશરે દસેક હજાર મુલાકાતીઓથી ઊભરાઈ જાય છે, જ્યારે શનિવાર-રવિવાર કે જાહેર રજાઓમાં તો મુલાકાતીઓની ભીડ વધીને ૨૫થી ૩૦ હજાર થઈ જાય છે. તંત્રને દર મહિને રૂ. ચારથી પાંચ લાખની આવક થાય છે. કાંકરિયા લેકફ્રન્ટમાં પ્રવેશવા માટે પુખ્ત વય માટે રૂ. ૧૦ અને બાળકો માટે રૂ. પાંચ એન્ટ્રી ફી છે. તંત્રને એન્ટ્રી ફી ઉપરાંત મિની ટ્રેન, કિડ્સ સિટી, નોક્ટર્નલ ઝૂ, પ્રાણીસંગ્રહાલય અને બાલવાટિકા વગેરે દ્વારા દર મહિને રૂ. ચારથી પાંચ લાખની આવક થાય છે.