અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વીડિયો કોલ નહિ ઉપાડે તો ઓડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેથી પોલીસે તપાસ આરંભી છે.
અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો સામે
મારો વીડિયો કોલ ઉપાડ નહીં તો હું તારી ઓડિયો ક્લિપ વાયરલ કરીશ : આરોપી
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા નોંધાઇ ફરિયાદ
‘તું મારો વીડિયો કોલ ઉપાડ નહીં તો હું તારી ઓડિયો ક્લિપ તારા મિત્ર સર્કલમાં વાઈરલ કરી દઈશ’ અજાણી વ્યક્તિએ યુવતીને આવી ધમકી આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કોઈ અજાણી વ્યક્તિએ ફેક એકાઉન્ટ બનાવીને યુવતીને ઇન્સ્ટાગ્રામ પર હેરાન કરતાં યુવતીના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમદાવાદના વસ્ત્રાલનો કિસ્સો
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા સમીરે તેની માસાની દીકરી સેજલને હેરાન કરનાર શખ્સ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમીરને તેના માસાએ દીકરી સેજલને ઇન્સ્ટાગ્રામ પર કોઇ વ્યકિત હેરાન કરતો હોવાની જાણ કરી હતી. જેથી સમીર સેજલને મળવા તેના ઘરે બાવળા ગયો હતો. સેજલે તેનો ફોન સમીરને બતાવ્યો હતો.
તું મારો વીડિયો કોલ ઉપાડ નહીં...
સેજલને કોઈ અજાણી વ્યક્તિએ ફેક આઈડીથી ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યા હતા અને તેમાં તેણે લખ્યું હતું કે તું મારો વીડિયો કોલ ઉપાડ નહીં તો હું તારી ઓડિયો ક્લિપ તારા મિત્ર સર્કલમાં વાઈરલ કરી દઈશ. સમીરે સેજલને પૂછતાં તેેણે તેને કહ્યું હતું કે આ વ્યક્તિ મારા મોબાઈલમાં ઘણી વખત અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ કરે છે પરંતુ હું તે ફોન રિસીવ કરતી નથી. બહેન સેજલને અજાણી વ્યક્તિ સોશિયલ મીડિયામાં તેમજ સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. જેથી સમીરે આ અંગે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. (તમામ પાત્રોનાં નામ બદલ્યાં છે.)