ICC Test Rankings /
દુનિયાના ટોપ બોલર્સમાં બૂમરાહની બોલબાલા પણ જાડેજા-કોહલી માટે ખરાબ સમાચાર, જુઓ કોણ કયા નંબર પર
Team VTV06:14 PM, 16 Mar 22
| Updated: 06:21 PM, 16 Mar 22
ICC દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને તેના શાનદાર પ્રદર્શનની ભેટ મળી છે. રેન્કિંગમાં તેમને સારો ઉછાળ મળ્યો છે. બીજી તરફ બેટરોની યાદીમાં અમુક ખેલાડીઓને સારો ફાયદો થયો છે.
ICC લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને મળી ભેટ
વિરાટ કોહલીને નબળા પ્રદર્શનનુ નુકસાન સહન કરવુ પડ્યુ છે. આઈસીસીની ત્રણ રેન્કિંગમાં કોને કઈ પોઝીશનથી હાથ ધોવવો પડ્યો છે અને કોને ફાયદો થયો છે. ICC તરફથી જાહેર કરવામાં આવેલા બેટર રેન્કિંગની વાત કરીએ તો બેંગલોર ટેસ્ટ મેચમાં 107 રનની સદી રમનારા શ્રીલંકન ટીમના કેપ્ટન દિમુથ કરૂણારત્નેને તેમના પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. બે મેચોની ટેસ્ટ શ્રેણીમાં ભલે ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો. પરંતુ રેન્કિંગમાં તેમને સારા 3 પોઈન્ટના ઉછાળ સાથે સીધા 5મા સ્થાને પહોંચી ગયા છે. તો ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને તેમની સરેરાશ સાથે ટેસ્ટ રેન્કિંગની પોઝીશનથી પણ હાથ ધોવવો પડ્યો છે.
હવે કોહલી સીધા 9મા સ્થાને પહોંચી ગયો
4 પોઈન્ટ સરકીને હવે કોહલી સીધા 9મા સ્થાને પહોંચી ગયા છે. તો ઓસ્ટ્રેલિયા સામે લગભગ સારું પ્રદર્શન કર્યા બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન બાબર આઝમ 1 પોઈન્ટના વધારા સાથે 8મા ક્રમાંકે સ્થિર થયા છે. આ સિવાય બંને ટેસ્ટ મેચોમાં મહત્વપૂર્ણ રનનું યોગદાન આપનારા ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અત્યારે ટૉપ-10 યાદીમાં 10મા સ્થાને યથાવત છે. તો પ્રથમ ક્રમાંકે હજી પણ માર્નસ લાબુશેન યથાવત છે.
બોલિંગ રેન્કિંગમાં જસપ્રિત બુમરાહને મળી શાનદાર ભેટ
આઈસીસી તરફથી જાહેર કરવામાં આવેલા બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો ટોપ-5 બોલરમાં જસપ્રીત બુમરાહે પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. બેંગ્લોર ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 5 વિકેટ ઝડપનાર જસ્સીને 6 પોઈન્ટનો સારો ફાયદો થયો છે. 830 પોઈન્ટ્સની સાથે હવે બુમરાહ આ રેન્કિંગ યાદીમાં ચોથા સ્થાને બિરાજમાન થયા છે. એક તરફ જ્યાં જસપ્રીત બુમરાહે લાંબી છલાંગ લગાવી છે. તો બીજી તરફ શાહીન આફ્રિદીથી લઇને કાઇલ જેમીસન, ટિમ સાઉથી, જેમ્સ એન્ડરસન, નીલ વેગનર અને ફાસ્ટ બોલર જોશ હેજલવુડને પોત-પોતાની જૂની રેન્કિંગથી હાથ ધોવવો પડ્યો છે.
ઓલરાઉન્ડર રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા બીજા સ્થાને
તો હવે છેલ્લે વાત કરીએ આઈસીસી તરફથી જાહેર કરવામાં આવેલી ઓલરાઉન્ડર ખેલાડીઓના રેન્કિંગની. જેસન હોલ્ડર એક પોઈન્ટના વધારા સાથે હવે સીધા પ્રથમ સ્થાને આવી ગયા છે. તો રવિન્દ્ર જાડેજા પ્રથમ સ્થાનેથી નીચે સરકીને બીજા સ્થાને પહોંચી ગયા છે. જ્યારે શ્રીલંકા સામે હાલમાં રમાયેલી 2 મેચોની શ્રેણીમાં સૌથી વધુ 12 વિકેટ લેનારા ભારતીય ઑફ સ્પિનર આર અશ્વિન પણ હજી ત્રીજા સ્થાને યથાવત છે.