આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે કહ્યું છે કે મેચ દરમિયાન ખેલાડીઓ સ્માર્ટ વોચ પહેરી શકશે નહીં. આઇસીસીએ શુક્રવારે મીડિયા રિલીઝના માધ્યમથી એની પુષ્ટિ કરી છે.
વાસ્તવમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડ્સમાં રમવામાં આવી રહેલી પહેલી ટેસ્ટના પહેલા દિવસે પાકિસ્તાનના ઘણા ખેલાડીઓ ડિજીટલ ઘડિયાળ પહેરીને ગ્રાઉન્ડમાં ઊતર્યા હતા.
આ મામલે પાકિસ્તાનના બે ખેલાડી આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટના નિશાન પર આવ્યા હતા. ગુરુવારે અસદ શફીક અને બાબર આજમ સ્માર્ટ વોચ પહેરેલી જોવા મળ્યા હતા. ત્યારબાદ આઇસીસીની એન્ટી કરપ્શન યૂનિટના અધિકારી હરકતમાં આવી ગયા હતા.
મેચ દરમિયાન કોઇ પણ પ્રકારના ભ્રષ્ટાચાર સામે નિપટવા માટે ખેલાડીઓ અને મેચ ઓફિશિયલ્સને પોતાના મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશનમાં સક્ષમ ઉપકરણ જમા કરાવવાના હોય છે. આવી વસ્તુઓ રમત બાદ એમને પાછી મળી જાય છે.
આઇસીસીએ કહ્યું 'ફોન અથવા વાઇ-ફાઇથી જોડાયેલી કોઇ પણ પ્રકારની સ્માર્ટ વોચ અથવા કોઇ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશનમાં સક્ષમ ઉપકરણને મેદાન પર લઇ જવાની પરવાનગી નથી. ખેલાડીઓને યાદ કરાવીશું કે આવા ઉપકરણઓ ગ્રાઉન્ડ પર જતા પહેલા જમા કરાવવા ફરજીયાત છે.'