IAS officer k. Rajesh's probe is likely to reach Rajkot due to land dispute
BIG NEWS /
સૌરાષ્ટ્રમાં ઍરપોર્ટ નજીક 1000 એકર જમીન કૌભાંડમાં કે.રાજેશ બચી ગયા હતા, તપાસ થાય તો રાજકોટ સુધી રેલો પહોંચશે
Team VTV11:04 AM, 21 May 22
| Updated: 01:35 PM, 21 May 22
IAS અધિકારી કે.રાજેશની ભ્રષ્ટાચારની લહેર વધુ એક જમીન સુધી પહોંચે તેવી શક્યતા. આ મુદ્દે જો IAS અધિકારી કે.રાજેશને લઇને તપાસ થાય તો આ મામલો છેક રાજકોટ સુધી પહોંચે તેવું જાણવા મળી રહ્યું છે.
IAS અધિકારી કે.રાજેશ પર CBIનો સકંજો
રાજકોટ સુધી તપાસ પહોંચવાની શક્યતા
બામણબોર અને સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીકની જમીન મુદ્દે રાજકોટ કનેક્શન ખુલે તેવી શક્યતા
સૌરાષ્ટ્રના હીરાસર ઍરપોર્ટ નજીકની જમીનનો કેસ પણ ફરી ખૂલે તેવી શક્યતા
IAS અધિકારી કે.રાજેશની તપાસનો રેલો હવે છેક રાજકોટ સુધી પહોંચે તેવી શક્યતા છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા છે. રાજકોટમાં ભાજપનું એક જૂથ કે.રાજેશ પર કાર્યવાહી અને ધરપકડથી સ્તબ્ધ થઈ ગયું હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે.
રાજકોટના દિગ્ગજ નેતા સુધી તપાસનો રેલો પહોંચી શકે
બીજી બાજુ ગઈ કાલે સુરેન્દ્રનગરની બામણબોરની જમીનના સોદામાં રાજકોટના એક રાજકીય અગ્રણી શંકાના દાયરામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે CBIના તપાસમાં જાણવા મળ્યું હતું કે, બામણબોરની જમીનના વેચાણમાં પણ કંઈક શંકાશીલ મળે તેવી શક્યતા છે. સુરેન્દ્રનગરના બામણબોરમાં 2000 કરોડની આશરે 800 એકરની જમીનમાં કૌભાંડનો મામલો ચર્ચામાં આવ્યો છે જેનો તપાસનો રેલો IAS કે. રાજેશ અને રાજકોટના દિગ્ગજ નેતા સુધી પહોંચી શકે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરીને 800 એકરની જમીનની લ્હાણી કર્યાનો આક્ષેપ છે.
કે. રાજેશની લાંચ લેવાના અને ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે
ગુરૂવારે મોડી રાતથી ચાલુ થયેલી દરોડાની કાર્યવાહી બાદ નક્કર પુરાવાના આધારે 2011 ગુજરાત કેડરના IAS અધિકારી કે. રાજેશની ધરપકડ કરવામાં આવી છે. કે. રાજેશની લાંચ લેવાના અને ભ્રષ્ટાચારના કેસમાં CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. IAS અધિકારી પર 700 કરોડના કૌભાંડનો આક્ષેપ છે. કે.રાજેશની તપાસનો રેલો નેતાઓ સુધી પણ પહોંચી શકે છે, ત્યારે IAS અધિકારીની ધરપકડથી નેતાઓ અને નજીકના માણસોમાં ફફડાટ વ્યાપ્યો છે. આજે કે.રાજેશને CBIની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં રફીક મેમણની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે રફીકના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, IAS અધિકારી કે. રાજેશની ઓફિસ અને નિવાસ સ્થાને દરોડા અંગે CBIએ પ્રેસનોટ જાહેર કરી છે. CBIએ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેક્ટર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, ત્યારે હવે કનકીપતિ રાજેશ (કે રાજેશ)ની ધરપકડ થઇ ચૂકી છે.
CBIએ આ મામલે કર્યો કેસ
ગઈ કાલે કેન્દ્રીય એજન્સીએ IAS અધિકારી સામે આર્મ લાયસન્સ, સરકારી જમીનની ફાળવણી તેમ જ સરકારી જમીનને નિયમિત કરવા માટે લાંચ માંગવાનો કેસ કર્યો છે.ગુજરાત સરકારની વિનંતી પર અગાઉ પ્રાથમિક તપાસ નોંધવામાં આવી હતી તેવું CBIએ જણાવ્યું હતું. ગાંધીનગર, સુરત અને આંધ્રપ્રદેશમાં CBI દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં અનેક ગુનાહિત દસ્તાવેજી અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા હોવાનું જણાવાયું છે.
CBIએ IAS કે.રાજેશ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ ગાંધીનગર નિવાસસ્થાને મોડી રાતે CBIએ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. IAS સામે બંદૂકના લાયસન્સ લેવાની મંજૂરી માટે લાંચ માંગી હોવાનો આક્ષેપ છે. સાથે જમીન સોદા કૌભાંડમાં સામેલ હોવાનો અધિકારી સામે આરોપ પણ થઈ રહ્યાં છે. આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગરમાં સરકારી પ્લોટ ફાળવણી અંગેના વિવાદમાં કે.રાજેશ રહી ચૂક્યાં છે. ગાંધીનગર, સુરત, સુરેન્દ્રનગર સહિતના નિવાસસ્થાને CBIએ કાર્યવાહી કરી હતી.
કોણ છે IAS કે.રાજેશ?
કે.રાજેશ 2011 બેચના IAS અધિકારી છે. હાલ સામાન્ય વહીવટી વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. કે.રાજેશ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. સુરેન્દ્રનગર કલેક્ટર બાદ ગૃહ વિભાગમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે બદલી થઇ હતી. ગૃહ વિભાગમાં બદલીના ગણતરીના દિવસોમાં જ તેમને સાઈડ પોસ્ટ કરાયા હતા.