ગામના પાદરમાં ઓટલા તોડવાનું સ્ટેટસ લઈને ફરતો 'ભરત' ક્યારે 'ભારતસિંહ' બની ગયો તે ખબર જ ન રહી અને એટલો ફેમસ થયો કે ગામના દરેક યુવાને 'ભારત'ને પોતાનો આઇડલ બનાવી દીધો.
પ્રેમમાં હંમેશા ગુમાવવાનું હોય છે પણ ગુમાવતાં પહેલાં ઘણું મેળવવાનું પણ હોય છે એકલવ્યની જેમ અંગુઠો કાપી પ્રિય પાત્રની સામે બેસી અને જીવનભર એની પ્રતિક્ષા કરવાની તૈયારી હોય તો જ પ્રેમમાં પડવું જોઇએ બાકી 'પ્રેમ' બે અક્ષર બોલતાં તો બે હોઠ જ ભેગા કરવા પડે.
પ્રેમની રમત 'ગુલાબ'થી શરૂ થાય અને 'ગુલામ' ઉપર આવી પુરી થાય છે પરંતુ પ્રેમ ગુલામ જેવો ન હોય પ્રમતો કબીરની વાણીમાં સંભળાય છે પ્રેમતો કૃષ્ણની ગીતા સ્વરૂપે કહેવાય છે પ્રેમ તો બુધ્ધના મૌનમાંથી છલકાય છે પ્રેમતો મીરાના કટોરામાં ઝેર રૂપે પીવાય છે પ્રેમતો નરસૈયાની કડતાલ રૂપે સંભળાય છે. એવો જ પ્રેમ 'ભરતે' પણ કર્યો જેની વાત આજે હું તમને કરવા જઇ રહ્યો છું.
ભરત ગામની સીમમાં ભેંસો ચારતો અને પરિવારને મદદ કરતો. 7 ચોપડી ભણ્યો પછી ગરીબીને લીધે આગળ અભ્યાસ ન કરી શક્યો. એક દિવસ ગામના સુખી અને સમૃદ્ધ પરિવાર એવા વકીલ સાહેબને ત્યાં અમદાવાદથી તેમનો પુત્ર આવ્યો. વકીલ સાહેબની પૌત્રી 'રિયા' પણ સાથે આવી. રિયા દેખાવે સુંદર અને ખૂબ હોશિયાર હતી.
શહેરી છોકરી જોઈને ગામના તમામ યુવાનોની ચાલ-ચલગત બદલાઈ ગઈ. કોઈ શાહરુખ તો કોઈ સલમાન બનીને વકીલ સાહેબના ઘરના આંટા-ફેરા કરવા લાગ્યા. આ યુવાનોની ટોળીમાં એક દિવસ ભરત પણ ફસાઈ ગયો. બધાએ મજાક મજાકમાં ભરતને પ્રેમનું પાણી ચઢાવ્યું અને કહ્યું કે 'ભરતતીયા' રિયા તને ખુબજ પસંદ કરે છે. તારી સાદગી પર તે ફિદા છે.
ભરતે એ લોકોની વાત ન માની પણ ભેંસ પર બેસીને ગીતો ગાતા ગાતા જતા ભરતને જોઈને રિયાએ સ્માઈલ આપી. આ જોઈને ભરતના દિલમાં પણ પ્રેમની અસર થવા લાગી. હવે ભરત લાયકાત વગરની પરીક્ષા પાસ કરવાના સ્વપ્નાં જોવા લાગ્યો. ભરત જોડે બે દિવસ હતા કારણ કે બે દિવસમાં રિયા પરત અમદાવાદ જવાની હતી. એટલે ભરતને બે દિવસમાં રિયાને પોતાના પ્રેમનો અહેસાસ કરવાનો હતો. એવામાં ભરતના મિત્રએ એક સારા સમાચાર સંભળાવ્યાં કે રિયા શિવજીના મંદિર જવા નિકળી છે. જા ભરત આ તારા માટે છેલ્લો ચાન્સ છે જે કહેવું હોય તે કહી દે. ભરતના મગજ અને દિલમાં રિયાના નામનો તાવ ચડ્યો હતો જેથી ભરત કંઈ પણ વિચાર્યા વગર પ્રપોઝ કરવા માટે મંદિર જવા નિકળી પડ્યો.
ભરત દેખાવે સુંદર તો હતો પણ શહેરી છોકરીને આકર્ષી શકે તેવો વેશ ન હતો. શર્ટના તૂટેલાં બટનને સ્થાને કલીપ લગાવેલી શર્ટ ઢીંચણ સુધી લાંબો હતો અને પગના ચપ્પલ છાણથી લટપત હતા. 30 મિનિટ સુધી મંદિરની બહાર ધમધમતા તડકામાં ઉભા ઉભા રિયાને શું કહેવું એ વિચારતો હતો એટલામાં ભરતની નજર રિયા પર પડી.
ભરત સીધો રિયાની સામે ગયો રિયા પાસે જઈને કહ્યું 'મારા બધા મિત્રો કહે છે તું મને પ્રેમ કરે છે અને હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું'. રિયા સમજુ હતી પણ તે ગુસ્સેથી કહેવા લાગી કે 'તારા મિત્રો તને ગાંડો બનાવે છે હું તને પ્રેમ નથી કરતી અને હજી મારા એવા દિવસો આવ્યા નથી કે હું તને પ્રેમ કરું'.
ભરતની રામલીલાનો અહીં ફિયાસ્કો થઈ ગયો ભરતની લવ સ્ટોરી અધુરી રહી ગઇ રિયા તો પાછી અમદાવાદ ગઈ પણ ભરતને પ્રમનો રોગ લગાવતી ગઈ. સમય વિતવા લાગ્યો પણ ભરત માત્ર રિયાના જ સપના જોતો આ વચ્ચે ભરતને અમદાવાદ જવાની એક તક મળી. ગામના એક શેઠ ભરતને પોતાની હોટેલમાં વેટર તરીકે કામ કરવા માટે લાઇ ગયા. હોટેલમાં ઈમાનદારી અને સૌને મદદરૂપ થતા ભરતને થોડા સમય બાદ એક ફાઇનાન્સરે નોકરીની ઓફર કરી અને ભરતે ફાઇનાન્સરની નોકરી સ્વીકારી લીધી. સમય સાથે ભરત અમદાવાદની લાઈફ સ્ટાઇલ શીખી ગયો અને પૈસા કેવી રીતે કમાવવા તે પણ શીખી ગયો.
લાખો કરોડોમાં ખેલતો 'ભરત' હવે 'ભારતસિંહ' બની ગયો. ભારતસિંહ બન્યા બાદ હવે તેને રિયાની યાદ આવી. જોકે તે ક્યારેય રિયાને ભૂલી શક્યો ન હતો પણ તેને અમદાવાદ ગયા બાદ અહેસાસ થયો કે રિયાએ જે કહેલું તે ખરેખર સાચું હતું પણ હવે તો મારી પાસે એ તમામ છે જે રિયાની માંગણી હતી. હવે તો હું તેના લાયક બની ગયો છું.
ભારતસિંહે રિયાનું સરનામું શોધી કાઢ્યું. અમદાવાદ યુનિવર્સીટી રિયા અને ભારતસિંહની પહેલી મુલાકાતનું સાક્ષી બન્યું. રિયા તરફ આગળ વધતા વધતા ભારતસિંહે ભૂતકાળની પહેલી મુલાકાતને યાદ કરી. રિયા પાસે જઈને કહ્યુ 'હાય રિયા હું ભરત ઓળખ્યો? મારો આ બદલાવ તારી દેન છે હું તારો આભારી છું. મારો એક સવાલ છે કે હું હવે તારા લાયક છું? ભારતસિંહે રિયાને પોતાની ગામડાથી અમદાવાદ સુધીની સફરની વાત કરી. જોકે રિયાને પણ અહેસાસ થયો કે ખરેખર ભરત મને બહુ'જ પ્રેમ કરે છે. પણ રિયા મજબુર હતી. રિયાએ ભારતસિંહને પોતાનો દોસ્ત તો માન્યો પણ પ્રેમ સ્વીકાર્યો નહીં.
ભારતસિંહનો એક તરફી પ્રેમ અને રિયાની સાચી દોસ્તી વચ્ચે બંનેના સંબંધ આગળ ધપવા લાગ્યા. રિયાને ભારતસિંહ પરતે લાગણી હતી પણ તે સમાજિક બંધનથી બંધાયેલી હતી. પણ લાગણીને ક્યાં સુધી સાચવી શકાય? આખરે રિયાએ ભારતસિંહનો પ્રેમ સ્વીકારી દીધો. જે દિવસ રિયાએ પોતાના પરિવારને વાત કરી તે દિવસે રિયા અચાનક બીમાર થઈ અને તેને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી. બે ચાર દિવસ સુધી રિયાનો સંપર્ક ન થયો એટલે ભારતસિંહને મજબુરન રિયાની ફ્રેન્ડને મળવું પડ્યું તો જાણવા મળ્યું કે રિયા હોસ્પિટલમાં છે.
ભારતસિંહ હોસ્પિટલ તો પહોચ્યો પણ રિયાના પરિવારે તેની સાથે ખરાબ વર્તન કર્યું. ભારતસિંહને માત્ર રિયાની એક ઝલક જોવી હતી પણ તે ન થઈ શક્યું. ભારતસિંહ ડોક્ટરને મળ્યા તો ડોક્ટરે કહ્યું 'રિયા જે બીમારીથી પીડાય છે તેની કોઈ દવા નથી'. ભારતસિંહે ડોક્ટરની સામે પોતાના જીવનભરની કમાણી મૂકી દીધી અને હોસ્પિટલ બહાર બેસીને દુવા કરતો રહ્યો પણ રિયાના પરિવારે એક વાર પણ રિયાની પાસે જવા ન દીધો. રિયાને જોવા માટે તે તડપતો રહ્યો. અંતે ભારતસિંહના નામથી રિયાએ છેલ્લો શ્વાસ લીધો.
'રિયા હવે નથી રહી' એવા ડોક્ટરના વાક્યોથી ભારતસિંહના હોશ ઉડી ગયા. તે રિયા તરફ ભાગ્યો ત્યાં રિયાની માતાએ તેને રોક્યો અને રિયાના મૃત શરીરની કસમ આપીને તેને ત્યાંથી નિકળી જવાનુ કહ્યું. ભારતસિંહને રિયાના અંતિમ દર્શન પણ નસીબ ન થયા. રિયાએ તો શ્વાસ છોડીને દુનિયાને અલવિદા કહ્યું પણ ભારતસિંહે શ્વાસ લેતા લેતા દુનિયાને અલવિદા કહી દીધું. બીજા દિવસે સમાચાર પત્રોમાં લખાયું કે ભારતસિંહ નામના મોટા ફાઇનાન્સરે દેવું થવાના કારણે આત્મહત્યા કરી લીધી. (ક્રમશ:)