i can not stay in that party which have leader like kapil mishra and anurag thakur says subhadra mukherjee after she resigned from bjp
રાજીનામુ /
ભાજપને રાજકીય ઝટકો, આ અભિનેત્રીએ પાર્ટીને કહ્યું અલવિદા
Team VTV09:49 PM, 01 Mar 20
| Updated: 09:58 PM, 01 Mar 20
એક્ટિંગ છોડીને રાજનીતિમાં આવેલી બાંગ્લા અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ દિલ્હી હિંસા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)થી રાજીનામુ આપી દીધું છે. સુભદ્રા મુખર્જીએ કહ્યું છે કે તેઓ એ પાર્ટીમાં નથી રહી શકતા, જેમા કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા છે. સુભદ્રા મુખર્જીએ કેટલીક બાંગ્લા ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. સુભદ્રા મુખર્જીએ શુક્રવારે જ બીજેપી છોડી દીધી હતી પરંતુ આ વાત રવિવારે સામે આવી.
બાંગ્લા અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ દિલ્હી હિંસા બાદ BJPમાંથી રાજીનામુ આપી દીધું
જે પાર્ટીમાં કપિલ મિશ્રા અને અનુરાગ ઠાકુર જેવા નેતા, તેમાં હું કેવી રીતે રહી શકું : સુભદ્રા મુખર્જી
સુભદ્રા મુખર્જીએ પશ્ચિમ બંગાળ બીજેપીના ચીફ દિલીપ ઘોષને પોતાનું રાજીનામુ મોકલ્યું
સુભદ્રા મુખર્જીએ પશ્ચિમ બંગાળ બીજેપીના ચીફ દિલીપ ઘોષને પોતાનું રાજીનામુ મોકલ્યું હતું. સુભદ્રા મુખર્જીએ કહ્યું કે તેઓ મોટી આશાએ બીજેપીમાં સામેલ થયા હતા. પરંતુ હાલના ઘટનાક્રમથી તેઓેને નિરાશા થઇ. જે બતાવે છે કે બીજેપી પોતાની વિચારધારથી દૂર જઇ રહી છે. તેઓએ કહ્યું કે તે નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની સાથે હતી. જેને નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પસાર કરાવ્યું પંરતુ તેઓ તેને પ્રોત્સાહન આપવાના બીજેપીની રીતને લઇને હવે વિરોધમાં છે.
દિલ્હી હિંસાએ મને બીજેપી છોડવા માટે મજબૂર કરી
તેઓએ કહ્યું કે તેણે આખા દેશમાં અશાંતિ પેદા કરી છે. આપણે સૌએ આટલા વર્ષો બાદ સ્વતંત્ર ભારતમાં પોતાની નાગરિકતા સાબિત કરવા માટે પોતાના દસ્તાવેજ કેમ બતાવવા જોઇએ? સુભદ્રા મુખર્જીએ કહ્યું કે દિલ્હી હિંસાએ અંતે મને મજબૂર કરી છે કે હું પાર્ટી સાથે રહી ન શકું. નોંધનીય છે કે દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ છે. તેમાંથી ઘણાની હાલત ગંભીર બતાવાઇ રહી છે.
અભિનેત્રી સુભદ્રા મુખર્જીએ કહ્યું, માહોલ નફરતથી ભર્યો છે. અનુરાગ ઠાકુર અને કપિલ મિશ્રા જેવા પાર્ટી નેતાઓ વિરુદ્ધ તેમના નફરત ભર્યા ભાષણો છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. હું આવી પાર્ટીમાં કેવી રીતે રહી શકું છું, જે મરજી પુર્વક કાર્યવાહી કરે છે?