hyderabad bar association to not lend any legal support to accused involved in doctor rape case
હૈદરાબાદ કેસ /
સલામ છે વકીલોને, હૈદરાબાદની ડૉક્ટર યુવતીના ગેંગરેપ કેસના આરોપીઓનો કેસ ન લડવાનું એલાન
Team VTV05:17 PM, 30 Nov 19
| Updated: 06:42 PM, 30 Nov 19
તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં સરકારી ડૉક્ટરની સાથે ગેંગરેપ, હત્યા અને સળગાવી દેવાના હૃદયદ્રાવક મામલામાં આરોપીઓ માટે સમસ્યા વધી ગઇ છે. હૈદરાબાદમાં વકીલોએ ચારેય આરોપીઓનો કેસ ન લડવાનો નિર્ણય લીધો છે. શાદનગર બાર અસોસિએશને શનિવારે એલાન કર્યું છે કે ડોક્ટર સાથે બળાત્કાર કરનારા ચારેય આરોપીઓને કોઇપણ પ્રકારની કાયદાની મદદ આપવામાં આવશે નહીં.
હૈદરાબાદમાં સરકારી ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યા મામલાના આરોપીઓ માટે સમસ્યા વધી
બાર અસોસિએશનું એલાન, ચારેય આરોપીઓને કોઇપણ પ્રકારની કાયદાની મદદ કરાશે નહીં
ડૉક્ટર સાથે ગેંગરેપ-હત્યાના કેસમાં એક ટ્રક ડ્રાઇવર અને કલીનર સહિત ચાર આરોપીઓની ધરપકડ
હૈદરાબાદના સીમાડે આવેલ આઉટર રિંગ રોડ પર બુધવારે રાત્રે રર વર્ષીય એક સરકારી વેટરનરી ડોકટર પર ગેંગરેપ, હત્યા અને તેને સળગાવી દેવાની હૃદયદ્રાવક ઘટનાના અત્યંત ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે. મહિલા વેટરનરી ડોકટર સાથે આચરવામાં આવેલ આ પાશવી દુષ્કૃત્ય અંગે ધરપકડ કરાયેલ ચાર આરોપીને આજે મહેબૂબનગરની ડિસ્ટ્રિકટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
મહિલા વેટરનરી ડોકટર સાથે ગેંગરેપ અને હત્યા કરીને તેની લાશ સળગાવવાની ઘટના જેવો એક બીજો ખોફનાક કેસ સામે આવ્યો છે. હૈદરાબાદના શમશાબાદ વિસ્તારમાં એક વધુ મહિલાની સળગી ગયેલી લાશ મળી આવી છે. આ મહિલાની ઉંમર ૩પ વર્ષની હોવાનું જણાવાય છે. પોલીસે તપાસ માટે આ લાશને સરકારી હોસ્પિટલમાં મોકલી આપી છે અને આગળ તપાસ શરૂ કરી છે.
દિલ્હીના નિર્ભયા કેસ જેવી હૈદરાબાદની આ ગેંગરેપ ઘટનાને પોલીસ ફાસ્ટટ્રેક કોર્ટમાં લઇ જશે. જેથી આરોપીને વધુમાં વધુ જલદી સજા મળી શકે. સાઇબરાબાદ પોલીસે રર વર્ષીય વેટરનરી યુવતી સાથે ગેંગરેપ અને તેની હત્યાના કેસમાં એક ટ્રક ડ્રાઇવર અને કલીનર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસને એવી શંકા છે કે આરોપીઓને યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજારીને તેનું ગળું ઘોંટી તેની હત્યા કરી નાખી હતી અને ત્યાર બાદ તેની લાશને સળગાવી દીધી હતી. પોલીસ તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ જઘન્ય હત્યાના એક આરોપી મોહંમદ આરિફે હેવાનિયત દરમિયાન પીડિતાનું મોં દબાવી રાખ્યું હતું જેથી તેની ચીસો કોઇ સાંભળી ન શકે. પીડિતા યુવતી સતત તડપતી રહી હતી અને હેવાનો તેના પર સતત દુષ્કર્મ કરતા રહ્યા હતા.
શ્વાસ ન લઇ શકવાના કારણે હૈદરાબાદની આ નિર્ભયાનું મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓને સાજિશ હેઠળ આ યુવતીના સ્કૂટીની હવા કાઢી નાખી હતી જેથી તેઓ મહિલા ડોકટરને પોતાની જાળમાં ફસાવીને હેવાનિયતને અંજામ આપી શકે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોહંમદ આરિફ ઉપરાંત અન્ય આરોપીઓની નવીન, ચિંતાકુંતા કેશાવુલુ અને શિવા તરીકે ઓળખ થઇ છે.
હેવાનિયતની આ ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર ગેંગરેપ બાદ આરોપીઓ મહિલા ડોકટરની લાશને એક ટ્રક પર મૂકીને હાઇવે પર આગળ લઇ ગયા હતા અને એક પેટ્રોલ પમ્પથી પેટ્રોલ અને ડીઝલ ખરીદીને લાશને સળગાવી દીધી હતી. આરોપીઓએ ત્યાર બાદ એક સુમસામ જગ્યાએ મહિલા ડોકટરની અડધી સળગી ગયેલી લાશને ફેંકી દીધી હતી. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
સાઇબરાબાદના પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ સમગ્ર સાજિશ હેઠળ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.