બિઝનેસ /
મ્યુચ્યુઅલ ફંડ વડે આ રીતે અડધા ગ્રામ સોનામાં પણ રોકાણ કરી શકો છો, ઇન્વેસ્ટર્સનું છે ફેવરીટ રોકાણ
Team VTV08:00 PM, 16 Aug 20
| Updated: 08:02 PM, 16 Aug 20
કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં ફેલાયેલી અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સેફ ઇન્વેસ્ટમેન્ટ જ કરવામાં માને છે. છેલ્લા થોડા મહિનામાં સોનાના ભાવમાં આવેલા ઉછાળાને પગલે સૌ કોઈ આ પીળી ધાતુમાં રોકાણ કરવા તત્પર છે. સોનાના ભાવો ગયા અઠવાડિયે વિક્રમજનક 56,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયા હતા. જો કે આ ભાવો થોડા ઘટયા છે આમ છતાં નિષ્ણાતોનું માનવું છે કે સોનાની ચમક હજુ ઝાંખી થઇ નથી અને તે હજુ પણ એક ખૂબ સારું રોકાણ ગણાય છે.
સોનામાં પૈસા રોકવાના ઘણા રસ્તા છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા તમે જુદી પદ્ધતિથી ગોલ્ડમાં ઈન્વેસ્ટ કરી શકો છો. આ રીતથી સોનામાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ રીતે પેપર ગોલ્ડ ખરીદવાથી મેકિંગ ચાર્જિંઝ કે પ્રીમિયમમાં ખર્ચ કરવો પડતો નથી. આ ઉપરાંત રોકાણકારોએ સોનાનું શુદ્ધતા, તેનો સ્ટોરેજ, ઇન્શ્યોરન્સ જેવી બાબતો અંગે ચિંતા કરવાની જરૂર પડતી નથી.
મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સોનામાં ઈન્વેસ્ટ કરવાની 3 રીત આ પ્રમાણેની છે.
Gold ETF:
ગોલ્ડ ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે. આમ સ્ટોક માર્કેટ વડે તમે ફિઝિકલ ગોલ્ડ ખરીદી શકો છો. Gold ETFમાં દર એક યુનિટ 1/2 ગ્રામ 24 કેરેટ સોના જેટલો હોય છે. આ પ્રકારે તમારી લીકવીડિટી વધે છે કારણ કે તેને ગમે ત્યારે સ્ટોક માર્કેટમાં ખરીદી વેચી શકાય છે. Gold ETFનું સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ ફિઝિકલ સોનાના બજાર ભાવ પ્રમાણે થાય છે જેથી ગ્રાહકો કોઈ પ્રકારના પ્રીમિયમ ચાર્જ વગર સીધું જ પોતાનું સોનાનું હોલ્ડિંગ ખરીદી અથવા વેચી શકે છે.
Gold ફંડ
આ એક Open Ended મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે. આ માટે કોઈ ડિમેટ એકાઉન્ટની જરૂર નથી. કોઈ પણ ઇન્વેસ્ટર ગોલ્ડ ફંડમાં રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડની જેમ ઈન્વેસ્ટ અને રિડીમ કરી શકે છે. નોંધનીય છે કે ગયા વર્ષે તમામ ગોલ્ડ ફંડ અને ગોલ્ડ ETFએ 30% રિટર્ન આપ્યું હતું.
ઇન્ટરનેશનલ ગોલ્ડ ફંડ
ઘણા ઇન્ટરનેશનલ ગોલ્ડ ફંડ ભારતમાં ખરીદવા માટે ઉપલબ્ધ છે. આ સ્કીમ્સમાં વિદેશના ગોલ્ડ ફંડમાં રોકાણ કરવાની સુવિધા મળે છે. મ્યુચ્યુઅલ ફંડના નિષ્ણાતો માને છે કે વિદેશી ફંડ ખૂબ જોખમી છે અને તે રિટેલ ઇન્વેસ્ટર માટે ઉચિત નથી. જેમને આંતરરાષ્ટ્રીય બજારોની સમજણ હોય ફક્ત તેમણે જ અહીં રોકાણ કરવું જોઈએ.