બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:20 PM, 5 February 2025
US-China Dispute : અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતાની સાથે જ તેમણે ચીન પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું અને આ સાથે જ અમેરિકા-ચીન વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે. વાસ્તવમાં અમેરિકાએ આ મહિનાની શરૂઆતમાં 1 ફેબ્રુઆરીએ ચીન પર 10% ટેરિફ લાદ્યો હતો ત્યારે ચીને પણ અમેરિકા પર 10-15% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. હવે પ્રશ્ન એ છે કે, આ ટેરિફ વોરની ભારત પર શું અસર પડશે?
ADVERTISEMENT
અમેરિકા-ચીન વેપાર યુદ્ધ
સૌ પ્રથમ વાત કરીએ અમેરિકા-ચીન વેપાર યુદ્ધની તો અમેરિકાની ટ્રમ્પ સરકારે ચીની ઉત્પાદનો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે. વ્હાઇટ હાઉસે દાવો કર્યો છે કે, 10 ટકા ટેરિફ ચીનથી થતી તમામ આયાત પરના હાલના ટેરિફ ઉપરાંત છે. આનો સીધો અર્થ એ થયો કે, ચીન અમેરિકાથી જે પણ આયાત કરે છે તેના ભાવમાં 10 ટકાનો વધારો થશે. આ પછી ચીન પણ કેમ બાકી રહે ? ચીને પણ વળતો પ્રહાર કર્યો અને યુએસ કોલસા-લિક્વિફાઇડ ગેસ નિકાસ પર 15% ટેરિફ અને તેલ અને કૃષિ સંબંધિત ઉપકરણોની નિકાસ પર 10% ટેરિફની જાહેરાત કરી છે. આ ઉપરાંત ચીને અન્ય પગલાં પણ લીધા છે જેના વિશે માહિતી મંગળવારે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં આપવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીને પોતાની સાર્વભૌમત્વ અને સુરક્ષાના હિતમાં પગલાં લેતા બે અમેરિકન કંપનીઓ પીવીએચ ગ્રુપ અને ઇલુમિનાને અવિશ્વસનીય કંપનીઓની યાદીમાં સામેલ કરી છે.
ADVERTISEMENT
હવે જાણો ભારત માટે ફાયદો કે નુકશાન ?
આ પ્રશ્નનો જવાબ અગાઉના યુએસ-ચીન વેપાર યુદ્ધના ડેટાને જોઈને પણ સરળતાથી મળી શકે છે. વાસ્તવમાં તે સમયે ભારત વિશ્વમાં ચોથું સૌથી મોટું લાભાર્થી હતું. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ચીની માલ પર પણ ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા હતા. હવે નવા વેપાર યુદ્ધની શરૂઆત પછી પણ નિષ્ણાતો માને છે કે, આ ભારત માટે નફાકારક સોદો સાબિત થશે અને ભારતમાંથી નિકાસ થતા માલમાં તીવ્ર વધારો જોવા મળી શકે છે. અમેરિકન બજારોમાં ભારતની નિકાસ વધી શકે છે.
અહેવાલો અનુસાર જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન અમેરિકા-ચીન વેપાર યુદ્ધ થયું ત્યારે ભારતની નિકાસ વધીને $72-73 બિલિયનના સ્તરે પહોંચી ગઈ. તાજેતરના વેપાર ડેટાની વાત કરીએ તો ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બરમાં ભારત અમેરિકાના બીજા સૌથી મોટા વેપારી ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે અને બંને વચ્ચે $82.52 બિલિયનનો વેપાર થયો છે. આમાં $52.89 બિલિયનની નિકાસ અને $29.63 બિલિયનની આયાતનો સમાવેશ થાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા, મેક્સિકો અને ચીન પર ટેરિફ લાદ્યા તે અંગેનું ટ્વિટ
— Donald J. Trump (@realDonaldTrump) February 1, 2025
ભારત રાખી રહ્યું છે અમેરિકન ટેરિફ પર નજર
તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિક્સ દેશોને ટેરિફની ધમકી આપી હતી અને ચીન સામે પણ કાર્યવાહી કરી છે. નોંધનિય છે કે, ભારત તેનું સ્થાપક સભ્ય પણ છે. બીજી તરફ ટેરિફના ભય વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, ભારત અને અમેરિકા વચ્ચે એવો કોઈ વેપાર નથી કે જેના પર અમેરિકા ટેરિફ લાદી શકે. પરંતુ જો તેઓ ટેરિફ લાદે છે તો અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. જો અમેરિકા ભારત પર ટેરિફ અંગે કોઈ કાર્યવાહી કરે છે તો અમે જોઈશું કે અમે શું કરી શકીએ છીએ, અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.