Team VTV05:35 PM, 25 Sep 20
| Updated: 04:54 PM, 06 Oct 20
ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે એક તરફ જ્યાં લાખો લોકો બેરોજગાર થઇ રહ્યા છે ત્યારે MSMEs સેક્ટરને તેમાં સૌથી મોટો ફટકો પડ્યો છે.
આ સેક્ટરનું મહત્વ એટલું છે કે ભારતના કુલ નિકાસમાં તેનો હિસ્સો 50% છે. પણ માત્ર કોરોના મહામારી જ આ સેકટરની સમસ્યા નથી અન્ય પણ કેટલાક પ્રશ્નો છે જે આ સેકટરને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેમાંથી એક છે બહારની એજન્સીઓ દ્વારા આ MSMEsને આપવામાં આવતી રેટિંગ્સ.
'મારી પાસે બે કરોડ રૂપિયાની ઇન્વેન્ટરી છે કારણ કે ખરીદનારા પાછા હટી ગયા. અને તેના કારણે મારી ટોપ લાઈનને અસર થશે અને રેટિંગને અસર થશે.' આ છે તિરુપુરની ગારમેન્ટ મેન્યુફેક્ચરરની દુવિધા જેમણે હવે પોતાનો ધંધો ચાલુ રાખવા માટે લોન કે ઉધાર લેવાની જરૂર પડશે પરંતુ ઓછી થઇ ગયેલ રેટિંગના કારણે તે જો લોન લેશે તો વધારે વ્યાજ આપવું પડશે અથવા તો લોન પાછી આપવાની જે અવધી છે તે ઓછી થઇ જશે. ભારતમાં આજે પાંચ કરોડથી વધારે એન્ટરપ્રાઈઝ આ સમસ્યાથી પસાર થઇ રહ્યા છે.
ક્રેડિટ રેટિંગ શું છે?
RBIએ 5 કરોડથી વધુ લોન મેળવવા માંગતી કંપનીઓ માટે કંપનીને ક્રેડિટ રેટિંગ પ્રમાણે વર્ગીકૃત કરવી જરૂરી છે. આ વર્ગીકરણ કરતી કંપનીઓને CRAs (ક્રેડિટ રેટિંગ એજન્સીઝ) કહે છે અને તેઓ કંપની લોન ભરવા માટે કેટલી સધ્ધર છે તે નક્કી કરે છે. તેઓ કંપનીને AAA થી D સુધી વિવિધ 20 પ્રકારના રેટિંગ આપે છે.
કેમ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ બિઝનેસમેનને પસંદ નથી?
MSMEs જ નહીં પરંતુ બેંક, મોટી કંપનીઓ અને ખુદ સરકાર પણ ક્રેડિટ રેટિંગ એજન્સીઓથી કંટાળી છે પરંતુ તેમની પાસે હાલ કોઈ વિકલ્પ નથી. એવામાં ખાનગી બેંકો પોતાની મેળે ક્રેડિટ રેટિંગ નક્કી કરવાની સિસ્ટમ બનાવવાનું વિચારી રહ્યા છે. IL&FS કૌભાડ બાદ હવે ક્રેડિટ રેટિંગ એજન્સીઝ ઉપર પ્રશ્નાર્થ થઇ રહ્યા છે.
ક્રેડિટ રેટિંગ એજન્સીની એક નબળાઈ એ છે કે તેઓ જે તે MSMEની બિઝનેસ સાયકલ સમજવાને બદલે માત્ર તેમના આવકના આંકડા પરથી ક્રેડિટ રેટિંગ નક્કી કરે છે જેના કારણે ઘણી વખત MSMEને અન્યાય થઇ શકે છે.
વળી પોતાની જ કંપનીનું ક્રેડિટ રેટિંગ કરાવવા માટે કંપનીએ CRAને 25 થી 40 હજાર જેટલી કિંમત ચૂકવવી પડે છે. આ ચુકવણીમાં ઘણી વખત ખાનગી હિતોનો ટકરાવ થઇ શકે છે. આ ડીલમાં SEBIનો કોઈ હાથ હોતો નથી.
ક્રેડિટ રેટિંગ અને મૉરેટોરિયમ
સરકારે MSMEsના ક્રેડિટ રેટિંગ કોરોના કાળમાં ઘટી ન જાય તે માટે મોરેટોરિયમ દરમિયાન ક્રેડિટ રેટિંગના બદલાવ ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો. જો કે હવે મોટેરોરિયમ પિરિયડ પૂર્ણ થવાની સાથે જ ક્રેડિટ રેટિંગની બલા ફરીથી ઉભી થશે. આ સમયગાળામાં MSMEsએ કોઈ નફો કે આવક ન નોંધાઈ હોવાથી તેમના ક્રેડિટ રેટિંગમાં કડાકો બોલી જશે અને તેથી તેમને ભવિષ્યમાં મળવાપાત્ર લોનની સંભાવના ઘટી જશે.
MSMEs કરી રહ્યાં છે આ માંગ
લોકડાઉન અને ત્યારબાદના નબળા વેચાણના કારણે MSMEs કંપનીઓના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો થયો છે અને તેના કારણે મોટા પ્રમાણમાં રોજગારી આપતા MSMEs માટે લોન મેળવવી વધારે મોંઘી બની રહી છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં ટૂંક સમયમાં મોરેટોરિયમ પિરિયડમાં વ્યાજ પર વ્યાજને નાબૂદ કરવા માટે સુનાવણી થવાની છે.
વ્યાજ નાબૂદ કરવાની માંગ પાછળનું મુખ્ય કારણ એ છે કે મોરેટોરિયમની અવધી પૂર્ણ થઇ ગઈ છે. હવે વ્યાજ ભરવાનો સમય છે પરંતુ હજુ પણ કંપનીઓ પાસે વ્યાજની રકમ અને લોનના હપ્તા ભરી શકે તેટલી મૂડી આવી નથી. આ ઉપરાંત આ MSMEs ક્રેડિટ રેટિંગ મુદ્દે પણ માંગણી કરી રહ્યા છે.
કોરોના લોકડાઉનના કારણે ઉદ્યોગોને લોનના હપ્તા ભરવામાં છ મહિનાનું મોરેટોરિયમ આપવામાં આવ્યું હતું પરંતુ તે સમય દરમિયાન લાગુ થતા વ્યાજ પર પણ વ્યાજ લાગુ થાય છે તે દૂર કરવા માટેની મોટી અરજી પર 28 સપ્ટેમ્બરે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાવા જઇ રહી છે ત્યારે MSMEs માંગ કરી રહ્યા છે કે ક્રેડિટ રેટિંગ પણ લોકડાઉન અગાઉની સ્થિતિએ જાળવી રાખવામાં આવે તે જરૂરી છે.
પબ્લિક બેંકોમાં સૌથી વધુ બાકી લોન્સ MSMEsની
દેશની પબ્લિક સેક્ટર બેંકો, પ્રાઈવેટ બેંકો અને NBFCsમાંથી કોર્પોરેટ્સ, MSMEs અને ઈન્ડીવીજ્યુઅલ્સ દ્વારા લેવાયેલી લોનનું વર્ગીકરણ આ મુજબનું છે જેના પરથી માલુમ પડે છે કે MSMEs પબ્લિક સેક્ટર બેંકોના દેવામાં છે અને મોરેટોરિયમને કારણે તેમને કોઈ રાહત પહોંચી નથી.
Source : Indiaratings / The Ken
ગુજરાતમાં MSMEsની હાલત
ગારમેન્ટ
ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસો.ના ઉપ પ્રમુખ પ્રિયાંક શાહે જણાવ્યું હતું કે ગુજરાતના ગાર્મેન્ટ ઉત્પાદકો રાજ્યની બહાર જ મોટું વેચાણ કરતા હતા પરંતુ હાલમાં કનેક્ટિવિટી સમસ્યાના કારણે તે વેચાણ ઘટ્યું છે. સરકારે 20 ટકા લોન વધારવાની સુવિધા આપી છે પરંતુ ક્રેડિટ રેટિંગ ઘટવાથી વ્યાજદર વધી જાય છે અને ઉદ્યોગકારો માટે તે વધારાની લોન જ નવી સમસ્યા બની જાય છે.
કેમિકલ્સ
આ ઉપરાંત દેશની કેમિકલ નિકાસ સાથે સંકળાયેલી કેમેક્સિલના ગુજરાત રિજનના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હાલમાં MSMEsમાં રિકવરી પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ અને લોકડાઉન અગાઉના જે રેટિંગ હતા તે જાળવી રાખવા જોઇએ. ગુજરાતમાં મોટા પ્રમાણમાં MSME ક્રેડિટ રેટિંગ મેળવતા હોય છે પરંતુ લોકડાઉન દરમિયાન વેચાણમાં ઘટાડો થયો છે તેના કારણે કંપનીઓના રેટિંગ ઘટ્યાં છે તેના કારણે તેમના માટે લોન મોંઘી બને તેમ છે.
ઈંટોનું ઉત્પાદન
અમદાવાદ બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશનના ઉપ પ્રમુખ જગદીશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, "લોકડાઉનના કારણે બાંધકામ ઉદ્યોગ ઠપ હતો તેથી ઇંટની માંગ તળિયે હતી. રાજ્યમાં લગભગ 700 જેટલા ઇંટ ઉત્પાદકો છે અને 6,000 કરોડનું ટર્નઓવર છે. મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધારકો લોન લેતા હોય છે પરંતુ હાલમાં જૂની લોન ભરપાઇ કરવામાં પણ મુશ્કેલી થાય છે ત્યારે ક્રેડિટ રેટિંગ ઘટે તો વધારે ઊંચા વ્યાજની લોન કઇ રીતે ભરી શકે."
સિરામિક
એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રફુલ ગટ્ટાનીએ જણાવ્યું હતું કે, "એક તરફ મેઇક ઇન ઇન્ડિયાની વાત થઇ રહી છે ત્યારે MSMEsને મદદ કરવી આવશ્યક છે. એમએસએમઇને વ્યાજ પર વ્યાજમાં માફી આપવા ઉપરાંત ક્રેડિટ રેટિંગમાં પણ રાહત આપવી જોઇએ. ક્રેડિટ રેટિંગ પર્ફોર્મન્સના આધારે હોય છે પરંતુ લોકડાઉનના કારણે પર્ફોર્મન્સ જ શક્ય નહોતું તેથી ક્રેડિટ રેટિંગમાં ફેરફાર થવો જોઇએ નહીં. ઓછામાં ઓછા એક વર્ષ સુધી એક વર્ષ સુધી ક્રેડિટ રેટિંગમાં બદલાવ ના થવો જોઇએ."
ઉદ્યોગ સાહસિકો માટે કપરી પરિસ્થિતિ બનશે
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)ના ઉપ પ્રમુખ હેમંત શાહે જણાવ્યું હતું કે, કોવિડ-19 લોકડાઉનના કારણે MSMEsનું ક્રેડિટ રેટિંગ ઘટતું હોય તો તેની ઇવેલ્યુએશનની પદ્ધતિ બદલવી જોઇએ. માત્ર કોવિડના કારણે જે ઉદ્યોગકારને સમસ્યા થઇ હોય તો તેના માટે નિયમો બદલવા જોઇએ. ક્રેડિટ રેટિંગની આવશ્યકતા છેલ્લાં વર્ષોમાં વધી છે અને રાજ્યમાં MSME ક્ષેત્રના મોટાભાગના યુનિટો ક્રેડિટ રેટિંગના આધારે ધિરાણ મેળવવા આગળ વધતા હોય છે ત્યારે જો કોવિડ લોકડાઉનના કારણે ઘટેલા બિઝનેસની અસર ક્રેડિટ રેટિંગમાં દેખાય તો ઉદ્યોગ સાહસિકો માટે લોન વધારે મોંઘી બને છે, જે હાલમાં અયોગ્ય છે.
35 ટકા MSMEs મહામારી પહેલાં જ ખતમ થઈ ગયું હોવાનો દાવો
કોરોના વાયરસે જૂન મહિનામાં 35% MSMEsને ખતમ કરી નાખી પરંતુ આ મહામારી ન હતી ત્યારે પણ બહારની એજન્સીઓ દ્વારા ફરજીયાતપણે કરવામાં આવી રહેલ ક્રેડિટ રેટિંગના કારણે ઉદ્યોગોને પહેલાથી જ ઘણું બધું નુકસાન થઇ રહ્યું છે. એક ખાનગી સર્વે પ્રમાણે 2 થી 3 કરોડ MSMEના કર્મચારીઓ રોજગાર ગુમાવી ચુક્યા છે. જો સુપ્રીમ કોર્ટમાં ક્રેડિટ રેટિંગ પદ્ધતિને સસ્પેન્ડ નહીં કરવામાં આવે MSMEsને હજુ વધુ નુકશાન જઈ શકે તેમ છે. કંપની કે બેન્કર્સ કોઈને આ ક્રેડિટ રેટિંગ પદ્ધતિ માન્ય નથી. તો પ્રશ્ન એ છે કે શા માટે આ પદ્ધતિને હજુ અમલીકરણમાં રાખવામાં આવી છે.
આ જ કારણ છે કે 6 કરોડથી વધારે MSMEsમાંથી ત્રણ લાખ જ એવી છે આ મોરેટોરિયમનો લાભ લેવાનું પસંદ કર્યું ........ અને તેના કારણે જ બેંક ઉધારના માત્ર 17% MSMEs ક્ષેત્રને મળી શકી જયારે આ જ સેક્ટર ભારતની GDPમાં 29% હિસ્સો ધરાવે છે અને નિકાસમાં તો અડધો હિસ્સો આ જ ક્ષેત્રનો છે.
ક્રેડિટ રેટિંગ ઘટાડ્યા પાછળના મુખ્ય કારણો આ મુજબના
Source : Indiaratings / The Ken
માઈક્રો MSMEsની સમસ્યાઓ પાછળનું સૌથી મોટું કારણ
દેશની કુલ MSMEsમાંથી 99.5% MSMEs માઈક્રો કેટેગરીમાં આવે છે. આ પૈકી MSMEsનું ફોર્મલ રજીસ્ટ્રેશન થયેલું હોતું નથી કારણ કે તેઓ મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં વધુ પ્રમાણમાં આવેલી છે. આમ પેપરવર્કના અભાવે તેમના એકાઉન્ટ જળવાતા નથી જેથી તેમને નાણાકીય મદદ કરવી વધુ મુશ્કેલ બને છે. 2018ના વર્લ્ડ બેંકના અહેવાલ પમાણે ભારતમાં બેન્કિંગ સિસ્ટમ MSMEsની કુલ જરૂરિયાતના ફક્ત ત્રીજા ભાગની આશરે 11 લાખ કરોડ જેટલી ક્રેડિટ ફંડિંગ પૂરી પાડે છે.
ફોર્મલ બેકિંગ સિસ્ટમ તરફથી આ ઓછા ક્રેડિટ ફંડિંગનું મુખ્ય કારણ એ છે કે MSMEsમાં બેડ લોનનો રેશિયો ખૂબ વધારે છે. આ ઉપરાંત બીજી એક સમસ્યા એ છે કે MSMEsને તેમના પેમેન્ટ મળવામાં ખૂબ મોડું થાય છે. આ પેમેન્ટમાં ખરીદાર તરફથી આવતી ચુકવણી, સરકાર તરફથી આવતી ચુકવણી, GSTના રિફંડ વગેરેનો સમાવેશ થાય છે.