કોરોના મહામારીના કારણે છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી શૈક્ષણિક સંસ્થાઓને તાળાં લાગી ગયાં છે. વિદ્યાર્થીઓ-સંચાલકો-શિક્ષકો હવે કઈ રીતે શિક્ષણકાર્ય હાથ ધરવું તે અંગે દિશાવિહીન છે અને અંધારામાં ફાંફાં મારી રહ્યા છે.
ડિજિટલ એજ્યુકેશનની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારત જેવા વિશાળ દેશમાં આ સિસ્ટમનો ઉપયોગ ઘણો સીમિત છે, કારણ કે ઓનલાઇન શિક્ષણ માટે જરૂરી માળખાગત સુવિધા અને સંસાધનનો આપણા દેશમાં સદંતર અભાવ છે એટલું જ નહીં, ઓનલાઇન શિક્ષણ માટે વીજ પુરવઠો અને ઇન્ટરનેટ નેટવર્કની દેશના અમુક અંતરિયાળ ભાગોમાં પહોંચ છે જ નહીં. કેન્દ્ર અને રાજ્યની સરકાર ભલે ૨૪ કલાક વીજળી પૂરી પાડવાનો દાવો કરતી હોય, પરંતુ મહાનગરોને બાદ કરતાં જિલ્લા અને ગ્રામીણ સ્તરે વીજળીનો પુરવઠો સતત અનિયમિત રહે છે એ નક્કર હકીકત છે.
ડિજિટલ એજ્યુકેશનનો આટલો વ્યાપક ઉપયોગ પહેલી વાર
ડિજિટલ એજ્યુકેશન અથવા ઈ-લર્નિંગ. વિદેશોમાં અને ભારતમાં આ સિસ્ટમ તદ્દન નવી નથી, પરંતુ તેનો આટલો વ્યાપક ઉપયોગ અગાઉ થયો નથી. ભારત જેવા અત્યંત વિશાળ દેશમાં આ સિસ્ટમનો ઉપયોગ ઘણો મર્યાદિત છે. કેન્દ્ર અને રાજ્યની સરકાર ભલે ઘરે-ઘરે વીજળી પહોંચી ગઈ હોવાના ગમે તેટલા દાવા કરે, પરંતુ મુંબઈની હદ છોડી વસઈ-વિરાર જઈએ એટલે ખબર પડી જાય કે કેટલું અંધારું છે હજુ આપણી સિસ્ટમમાં.
નેટવર્કનો પ્રશ્ન
વીજળી ઉપરાતં બીજો સૌથી મોટો પ્રશ્ન છે ગામડે-ગામડે અને ખૂણે-ખૂણે ઈન્ટરનેટ તથા નેટવર્ક પહોંચાડવાનો. તમામ મોટી મોબાઈલ કંપનીઓ પોતાની જાહેરાતોમાં પહાડો અને જંગલોમાં નેટવર્ક પહોંચતું હોવાના દાવા કરે છે, પરંતુ મુંબઈના લોકો પણ નેટવર્ક ન મળતું હોવાની સતત ફરિયાદ કરતા હોય છે ત્યારે અંતરિયાળ વિસ્તારોની સ્થિતિ સમજી શકાય.
સ્ક્રીન ઉપર ભણવાના ગેરફાયદા
આ ઉપરાંત માતા-પિતા કે બાળક પાસે સ્માર્ટફોન ન હોવાની સમસ્યા અને સૌથી વધારે શૈક્ષણિક વાતાવરણ જે સ્કૂલ-કૉલેજના કેમ્પસમાં શક્ય છે તે ઘરે એકલાં બેસી ભણતાં નથી મળી શકતું. એક મોટા ક્લાસમાં ૩૫ કે ૪૦ વિદ્યાર્થી સાથે ભણવાની જે મજા છે તે મોબાઈલ સામે એકલાં બેસવાથી ક્યાં મળવાની છે? શિક્ષકો સાથે થતો સ્વાભાવિક સંવાદ અને તેમની પ્રત્યક્ષ હાજરીમાં આપવામાં આવતું શિક્ષણ મોબાઈલ સ્ક્રીન પર શક્ય નથી.
વળી, સ્ક્રીન સામે સતત બેસવાથી આંખને થતી તકલીફ અને પીઠના દુખાવા જેવી ઘણી સમસ્યાઓ હાલમાં વિદ્યાર્થીઓને સતાવી રહી છે અને સૌથી મોટી સમસ્યા વિદ્યાર્થીઓ-શિક્ષકો-માતા-પિતાને સતાવી રહી છે કે આ રીતે ભણવાથી બાળકો ખરેખર કેટલું શીખી રહ્યાં છે અને શું તેઓ આવનારી પરીક્ષામાં આનો ઉપયોગ કરી સારો દેખાવ કરી શકશે?
વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઇને ટેન્શનમાં
આ તમામ વાતાવરણનો તાગ મેળવવા આઉટલુકે ટોલુના નામની સંસ્થા સાથે મળી કરેલો સર્વે ઘણો રસપ્રદ છે. ૨૦ મેટ્રો-નૉન મેટ્રો સિટીમાં સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં વિદ્યાર્થીઓની ઉંમર-ધોરણનો ઉલ્લેખ નથી, પરંતુ એક વાત સાબિત થાય છે કે કોલેજના વિદ્યાર્થીઓને ઈ-લર્નિંગ સામે ખાસ વાંધો નથી, પરંતુ તેઓ પોતાના ભવિષ્યને લઈ ખૂબ જ ચિંતિત છે, કારણ કે તેમના માટે એક વર્ષ વેડફાઈ જવું ઘણું મોંઘું સાબિત થઈ શકે તેમ છે. કોલેજના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ૭૭ ટકા વિદ્યાર્થીઓ હાલમાં ચિંતા અનુભવી રહ્યા છે. આ મહામારીએ આખા વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે અમારા શિક્ષણ અને ત્યારબાદ કારકિર્દી બંને પર કાળો પડછાયો પડ્યો છે.
રસપ્રદ વાત એ છે કે વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓ વધારે તાણ અનુભવી રહી છે. ૪૫ ટકા યુવતીઓને લાગે છે કે તેમનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે, જ્યારે ૩૧ ટકા યુવાનો પોતાના ભવિષ્યને લઈ ચિંતિત છે. ૨૨ ટકા વિદ્યાર્થીઓ એવો આત્મવિશ્વાસ ધરાવે છે કે આ પરિસ્થિતિમાંથી બહાર આવીશું અને આગળ વધીશું. આ જ રીતે ૫૭ ટકા માતા-પિતા તેમનાં યુવાન સંતાનોના શિક્ષણ-કારકિર્દી મામલે ચિંતા અને નિરાશા અનુભવે છે. જેવી વિદ્યાર્થીઓની સમસ્યા છે તેવી જ સમસ્યા છે શિક્ષકોની. આ ન્યૂ નૉર્મલ સ્થિતિ સાથે તાલ મેળવવાનો શિક્ષકો અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ વર્ષોથી ક્લાસરૂમ-બ્લેકબૉર્ડના આદિ શિક્ષકો તકલીફ અનુભવી રહ્યા છે.